Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

કોરોના સંકટ : પ્રેમીપંખીડા ગોઇતા ઝડતા નથી...

એક નાના કિટાણુની તાકાત તો જુવો... દરરોજ મળતા બે 'દિલો'ને મળતા અટકાવી દીધા... : રેસકોર્ષ, પ્રેમમંદિર, ઇશ્વરીયા, ન્યારી, આજીડેમ સહિત જુદા જુદા વિસ્તારોમાં સવારથી મોડી રાત્રી સુધી 'પ્રેમાલાપ' કરનારાને પણ લાગ્યો ભય

રાજકોટ, તા.૩ : 'કોરોના' વાયરસ પ્રસરવાનો ભય સૌ કોઇમાં બેસી ગયો છે અને અનેક લોકો ઘરની બહાર નીકળવાનું ટાળીને 'લોકડાઉન'ના આદેશનું પૂર્ણ રીતે પાલન કરી રહ્યા છે. ત્યારે 'લોકડાઉન'ની સૌથી વધુ અસર પ્રેમીપંખીડા ઉપર વધુ પડી હોય તેવું જોવા મળી રહ્યું છે કારણ કે દરરોજ સવારથી સાંજ સુધી પ્રેમાલાપ કરતા પ્રેમીપંખીડા અત્યારે દેખાતા બંધ થઇ ગયા છે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા ર૧ દિવસના 'લોકડાઉન'ના આદેશ બાદ રાજકોટના રેસકોર્ષ, પ્રેમમંદિર, ઇશ્વરીયા, ન્યારીડેમ, આજીડેમ, સહિત જુદી જુદી સોસાયટીઓમાં આવીને અડ્ડો જમાવતા પ્રેમીપંખીડા ઉડી ગયા હોય તેમ જોવા મળતા નથી.

લોકડાઉનના પહેલાના દિવસોમાં આ વિસ્તારોમાંથી નીકળતી વખત આપણું માથુ પણ શરમથી ઝૂકી જાય તેવા દૃશ્યો 'પ્રેમીપંખીડા' ના જોવા મળતા હતા, પરંતુ હવે આ દૃશ્યો પણ જોવા મળતા નથી.

આ પ્રેમીપંખીડાઓમાં પણ 'કોરોના' વાયરસનો ભય બરાબરનો ભય બેસી ગયો હોય તેમ એકબીજાને રૂબરૂ મળવાનું ટાળી રહ્યા છે. માત્ર મોબાઇલના સથવારે સોશ્યલ મીડીયાના માધ્યમથી એકબીજાને મળતા રહે છે અને આખો દિવસ ટાઇમ પાસ કરે છે.

શાળા-કોલેજોમાં મીની વેકેશન પડી ગયું હોવાથી રજાનો લાભ લઇને યુવક-યુવતિઓ પોતાના પરિવાર પાસે જતા રહ્યા છે અને રાજકોટના રસ્તાઓ ઉપર યુવક-યુવતિઓના વાહનોની અવરજવર પણ ઘટી ગઇ છે અને 'લોકડાઉન'ને સમર્થન આપી રહ્યા છે.

રાજકોટ શહેર જયારે ધમધમતુ હોય છે ત્યારે આખો દિવસ ધુમ બાઇક કે અન્ય પોતપોતાના વાહનોમાં અસંખ્ય યુવક-યુવતિઓ શહેરમાં હરતા-ફરતા જોવા મળે છે.

પરંતુ જયારથી 'કોરોનારૂપી' વાયરસે માજા મૂકી છે, ત્યારથી પ્રેમીપંખીડા તો જોવા જ મળતા નથી.

પ્રેમીપંખીડાઓએ તો એકબીજાને દરરોજ મળતા રહેવાના કોલ આપ્યા હોય છે, પરંતુ 'કોરોના' વાયરસના કારણે 'લોકડાઉન'ની આ સ્થિતિમાં એકબીજાને ચેપ ન લાગે તે માટે રૂબરૂ મળવાનું ટાળી રહ્યા છે.

વેવિશાળ થયા બાદ એકબીજાને રૂબરૂ મળતા યુવક-યુવતિઓને પણ લોકડાઉનના કારણે ર૧ દિવસની બ્રેક લાગી ગઇ છે.

આ ઉપરાંત લગ્ન માટે પારિવારીક માહોલને પણ બ્રેક લાગી ગઇ છે. કારણ કે યુવક-યુવતિના લગ્ન પ્રસંગ માટે એકબીજા પરિવારને મળવાનું પણ બંધ થઇ ગયું છે અને 'કોરોના' વાયરસનો ભય ઓછો થયા બાદ આવા માંગલીક પ્રસંગો આગળ વધશે.

શાળા-કોલેજોમાં રજા હોવાથી એકબીજાને મળવાનું અઘરૂ

રાજકોટ : પ્રેમીપંખીડા નવરાશ કે કામના સમયમાંથી એકબીજાને ગમે તેમ કરીને રૂબરૂ મળી લેતા હોય છે અને સમયની પરવા કર્યા વગર કલાકો સુધી એકબીજા સાથે બેસી રહેતા હોય છે.

પરંતુ 'કોરોના' સંકટના કારણે શાળા-કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે જેથી યુવક-યુવતિઓ એકબીજાને મળવા માટે શાળા-કોલેજ કે ટયુશન કલાસીસના બહાના બતાવીને પોતાના પ્રેમી કે પોતાની પ્રેમિકાને મળી શકતા નથી.

તેમજ મહા ભયંકર 'કોરોના' પણ વળગી પડે તેવો ભય પણ પ્રેમીપંખીડામાં બેસી ગયો છે.

સોશ્યલ મિડીયા સંપર્કનું માધ્યમ : વિડીયો કોલીંગ-વોટસએપનો ભારે ઉપયોગ

રાજકોટ : હાલના 'લોકડાઉન'ના સમયમાં લોકો ઘરે બેસીને સમયનો સદ્ઉપયોગ કરી રહ્યા છે અને સોશ્યલ મિડીયાનો ભરપૂર ઉપયોગ કેર છે.

ત્યારે પ્રેમીપંખીડા પણ એકબીજાને રૂબરૂ મળી શકતા ન હોવાથી વિડીયો કોલીંગ કે વોટસએપનો ઉપયોગ મોટા પ્રમાણમાં કરી રહ્યા છે.

વહેલી સવારે 'ગુડ મોર્નીગ' થી શરૂ કરીને રાત્રીના 'ગુડનાઇટ'સુધીના મેસેજ માટે સોશ્યલ મીડીયાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

(3:38 pm IST)