Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

રવિવારે રાત્રે પ્રકાશની જ્યોત જલાવોઃ વડાપ્રધાનની અપીલને રાજકોટીયનો વધાવી લે

રાત્રે ૯:૦૦ કલાકે ઘરની તમામ લાઇટો બંધ કરી મીણબતી, મોબાઇલ લાઇટ કરી એકતાના દર્શન કરાવવા મેયર સહિતના પદાધિકારીઓની અપિલ

રાજકોટ,તા.૩: વિશ્વ આખું કોરોના વાયરસ મહામારી સામે ચિંતિત છે. મહામારી સામે અનેક પગલાઓ લઇ રહી છે. તે જ રીતે રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ સતત ચિંતિત રહી જુદા જુદા નિર્ણયો લઇ રહ્યા છે. તેમ મેયર બિનાબેન આચાર્ય, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, શાસક પક્ષ દંડક અજયભાઈ પરમારની એક યાદીમાં જણાવેલ છે.        

આ અંગે કોર્પોરેટરની સતાવાર યાદીમાં જણાવ્યું હતું કે દેશના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કોરોના વાયરસની મહામારી સામે પ્રકાશ ફેલાવવા એકતાના દર્શન માટે આગામી ૫ એપ્રિલના રોજ રાત્રીના ૯:૦૦ વાગ્યે ૯ મીનીટ તમામ લોકોએ પોતાના ઘરની તમામ લાઇટ બંધ કરી ઘરના દરવાજે કે બાલ્કનીમાં દીવો, મીણબતી કે મોબાઈલની લાઇટ કરી એકતાના દર્શન કરાવવા વિનંતી સહ આહવાન કરેલ છે અને આ એકતા દર્શન દરમિયાન પણ સોશિયલ ડિસ્ટન્સ રાખવા પણ જણાવેલ છે.  

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇના આહવાનના અનુસંધાને રાજકોટના નગરજનો પણ આગામી ૫ એપ્રિલના રોજ રાત્રે ૯:૦૦ કલાકે ૯ મીનીટ સુધી પોતાના ઘરના તમામ લાઈટો બંધ કરી ઘરના દરવાજેકે બાલ્કનીમાં દીવો કે મીણબતી કે મોબાઈલ ની લાઇટ કરી કોરોના વાયરસ સામેની લડાઈમાં એકતાનું દર્શન કરાવવા તેમજ તમામ નગરજનોને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા મહાનગરપાલિકાના પદાધિકારીઓએ અપીલ કરેલ છે.

(3:34 pm IST)