Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

ટીમ ભાજપના માધ્યમથી કાર્યકરોએ ઠેરઠેર આરંભ્યો સેવાયજ્ઞઃ રાહત રસોડા-કીટ વિતરણ

લોકડાઉનમાં કોઇને મુશ્કેલી નહી પડવા દઇએઃ ભંડેરી-ભારદ્વાજ

રાજકોટ, તા., ૩: શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડની સંયુકત યાદીમાં જણાવાયું છે કે કોરોના વાઇરસથી સર્જાયેલ લોકડાઉનની સ્થિતિને પગલે ગરીબ પરીવારો, વૃધ્ધો, શ્રમીકો, નિરાધારોને ભોજન કે જીવન જરૂરીયાતની ચીજ વસ્તુને કારણે પરેશાની ન ભોગવવી પડે તે માટે શહેર ભાજપની વિવિધ શ્રેણીના કાર્યકર્તાઓ શહેરની સેવાકીય સંસ્થાઓ, ટ્રસ્ટો, સામાજીક સંસ્થાઓ, મિત્ર મંડળો સાથે જોડાઇ આ સેવાયજ્ઞમાં શ્રમદાન થકી પોતાનું મહતમ યોગદાન આપી રહયા છે.

શહેરના તમામ વોર્ડમાં રાહત રસોડા, ગરીબ પરીવારોને રાશન કીટનું વિતરણ, પક્ષીઓને ચણ, ગાયોને ઘાસચારો જેવી સેવાકીય પ્રવૃતિઓ કાર્યરત છે. જેમાં શહેરના દેવાંગભાઇ માંકડના માર્ગદર્શન હેઠળ પંચનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા રોજેરોજ ૧૭૦૦ રાશન કીટ જરૂરીયાતમંદ કુટુંબોને પહોંચાડવામાં આવે છે. તેમજ ર કોથળા ચણ પક્ષીઓને નાખવામાં આવે છે.

શહેર ભાજપ ઉપપ્રમુખ કેતન પટેલના માર્ગદર્શન હેઠળ કનૈયા મિત્ર મંડળ દ્વારા રોજેરોજ ગરીબ પરીવારોને રાશન કીટનું વિતરણ કરવામાં આવે છે. તેમજ વોર્ડ નં.૭ માં શહેર ભાજપ કારોબારી સભ્ય ભરતભાઇ ગમારાના બાલાજી મિત્ર મંડળ દ્વારા રાહત રસોડુ ચલાવવામાં આવે છે.

શહેર ભાજપ કારોબારી સભય રાજુભાઇ ટાંક, પ્રગટ ચેરીટેબલ ટ્રસ્ટના જગદીશભાઇ ભટ્ટ દ્વારા તેમજ વોર્ડવાઇઝ ભાજપ કાર્યકર્તાઓ દ્વારા રાહત રસોડા કાર્યરત છે અને જરૂરીયાતમંદ લોકોને અનાજ-કરીયાણાની કીટ વિતરણ કરવામાં આવે છે.

ગ્રીનલેન્ડ ચોકડી સ્થિત ખીમજીભાઇ મકવાણા પરિવાર સંચાલીત ખોડીયાર મિત્ર મંડળ દ્વારા રોજ સવાર-સાંજ બે ટાઇમ રપ૦૦ ગરીબોને ગરમા ગરમ બુંદી, ગાઠીયા, ગીરનારી ખીચડી, ચણાનું શાક સાથે ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે તેમજ ૧૦૦૦ જેટલા જરૂરીયાતવાળા વ્યકિતઓને ઘેર-ઘેર ભોજન પહોંચાડવામાં આવે છે. આ સેવાયજ્ઞમાં જીતુભાઇ મકવાણા, સંજય ચાવડા, નીલેશ ખુંટ, સાગર પરમાર, સલીમ મુલતાની, દેવાભાઇ રાઠોડ તેમજ ખીમજીભાઇ મવકાણાની ટીમ દ્વારા સમગ્ર જહેમત ઉઠાવવામાં આવે છે.

સમગ્ર વિશ્વ કોરોનાના સંક્રમણમાં ફસાયું છે ત્યારે આ મહામારીને દુર કરવા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વવાળી ભાજપ સરકાર દ્વારા છેવાડાના માનવી આ કોરોનાની મહામારીમાં મુશ્કેલીમાં ન મુકાય અને ખાસ કરી જીવનજરૂરીયાતની ચીજવસ્તુઓથી વંચિત ન રહે તે માટે સરકારશ્રી તરફથી રાશનકીટ આપવામાં આવી રહી છે. તેની સાથો સાથ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા પણ શહેરભરના ૧ થી ૧૮ વોર્ડમાં રાહત રસોડા અને જરૂરીયાતમંદ લોકોને અનાજ વિતરણ કરી એક સેવાયજ્ઞની જયોત જલાવી છે ત્યારે કુદરત સર્જીત આફતમાં પણ ભાજપનો કાર્યકર્તા હંમેશા લોકોની વચ્ચે રહ્યો હોવાનું અંતમાં ધનસુખ ભંડેરી અને નીતિન ભારદ્વાજે જણાવેલ છે.

(3:33 pm IST)