Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

રાજકોટ જીલ્લામાં લોકડાઉનના ભંગ બદલ ૮ર શખ્સો પોલીસની ઝપટે ચડયા : ૬૬ વાહનો ડીટેઇન

જીલ્લામાં અલગ અલગ સ્થળે ડ્રોન કેમેરા : ૧૩ શખ્સો જાહેરનામાનો ભંગ કરતા પકડાયા

રાજકોટ, તા. ૩ : કોરોના વાયરસ સંદર્ભે લોકડાઉનનું જાહેરનામુ અમલમાં હોવા છતાં તેનો લોકો અમલ કરતા નથી. જીલ્લામાં અલગ અલગ સ્થળે જાહેરનામાનો ભંગ કરતા ૮ર શખ્સો પોલીસની ઝપટે ચડી ગયા હતાં.

જીલ્લા વિસ્તારમાં બિન ઉપયોગી જીવન જરૂરીયતની ચીજવસ્તુ સિવાયની દુકાનો તથા રેસ્ટોરન્ટ તથા ગેસ્ટ હાઉસ ખુલ્લા રાખી માણસોના સમૂહને એકઠો કરી, કોઇપણ પ્રકારના કામકાજ વગર પોતાનું વાહન હંકારી લટાર મારતા મળી આવતા તેમજ પરપ્રાંતિય મજૂરોને પોતાના કારખાના, ખેતરો, વાડી, બિલ્ડીંગ, બાંધકામ વિગેરેમાં મજુર અર્થે રાખી હાલના સમયે નિરાધાર ગણી મજૂરોને પોતાના વતન તરફ પ્રયાસ કરવા મજબુર કરતા કોઇ કાળજી નહિ લેતા માલિકો વિરૂદ્ધ પોલીસ જાહેરનામાનો ભંગ સબબ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

રૂરલ એસપી બલરામ મીણાએ જણાવ્યું હતું કે, જીલ્લામાં ગઇકાલે અલગ-અલગ સ્થળે જાહેરનામાનો ભંગ કરનાર ૧૮ શખ્સો તથા આઇપીસી કલમ ર૬૯, ર૭૦ અને ર૭૧ તેમજ ધ એપીડેમીક એકટ મુજબ ૬૪ શખ્સો સામે ગુન્હો દાખલ કરી કુલ ૮ર શખ્સો સામે અટકાયતી પગલા ભરવામાં આવ્યા હતાં. જયાર એમવીએકટ ર૦૭ હેઠળ ૬૬ વાહનો ડીટેઇન કરાયા હતાં.

તેમજ જીલ્લામાં અલગ અલગ સ્થળે ડ્રોન કેમેરામાં ૧૩ શખ્સો જાહેરનામાના ભંગ સબબ કેદ થઇ જતા તેની સામે કાર્યવાહી કરાઇ હતી તેમ અંતમાં રૂરલ એસ.પી. બલરામ મીણાએ જણાવ્યું હતું.

(11:23 am IST)