Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

પડધરીના રંગપર ગામે પોલીસ પર હુમલો : બાઈક ડિટેઇન કરતા ટોળાએ પાઇપ વડે કર્યો હુમલો :કોન્સ્ટેબલને ગંભીર ઇજા

લોકડાઉંનના અમલ કરાવવા ગયેલ પોલીસ પર હુમલો : ઘવાયેલ કોન્સ્ટેબલને રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયા

પડધરીના રંગપર ગામે પોલીસ પર હુમલો થતા ખળભળાટ મચી જવા પામ્યો છે પડધરી પોલીસ રંગપર ગામે લોકડાઉનનો અમલ કરાવવા ગયેલ પોલીસ પર લોકડાઉનનો ભંગ કરનારનું બાઈક ડીટેઈન કરવા બાબતે ટોળાએ હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા કોન્સ્ટેબલને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

  આ અંગે  મળતી વિગત મુજબ પડધરી પોલીસ મથકમાં ફરજ બજાવતા એએસઆઈ વકારભાઈ અરબ, કોન્સ્ટેબલ વિમલભાઈ રમેશભાઈ વેકરીયા અને ડ્રાઈવર પોલીસવાન લઈ રાજકોટ પડધરી વચ્ચે આવેલા રંગપર ગામે લોકડાઉનનો અમલ કરાવવા ગયા હતા. રંગપર ગામે કારણ વગર બાઈક સાથે ચારથી પાંચ શખ્સો ટોળુ વળીને ઉભા હતા.પોલીસે ગાડીમાંથી નીચે ઉતરી તમામને ઠપકો આપી બાઈક ડિટેઈન કરવાની કાર્યવાહી કરી હતી.

 પોલીસ બાઈક ડિટેઈન કરે તે પહેલા જ હાજર રહેલા શખ્સોએ પોલીસ સાથે ઝઘડો કરતા અન્ય શખ્સો પણ ત્યાં આવી ચડયા હતા. પંદરેક લોકોનું ટોળુ એકઠુ થઈ તમામે પોલીસ સાથે ઝઘડો કરી એએસઆઈ વકારભાઈ અરબ સાથે રકઝક કરી કોન્સ્ટેબલ વિમલભાઈ વેકરીયા ઉપર પાઈપ વડે હુમલો કર્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા કોન્સ્ટેબલ વિમલભાઈ વેકરીયાને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અંગે પડધરી પોલીસે ટોળા વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવા વધુ તપાસ હાથ ધરી છે.

(12:31 am IST)