Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

મોટેરા સ્ટેડીયમનું નામ વડાપ્રધાનના નામે કરાયું તે સરદાર પટેલ અને રાષ્ટ્રનું ઘોર અપમાન છેઃ આવેદન

પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા કલેકટરને વિસ્તૃત રજૂઆત

પાટીદાર આંદોલન સમિતિએ મોટેરા સ્ટેડીયમ બાબતે કલેકટરને આવેદન આપ્યું હતું. (તસ્વીર : સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ૩ :.. પાટીદાર અનામત આંદોલન સમિતિએ આજે કલેકટરને આવેદન પાઠવી અમદાવાદના મોટેરા ખાતેના ક્રિકેટ સ્ટેડીયમનું નામ સરદાર પટેલ સ્ટેડીયમમાંથી બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડીયમ કરવા બાબતે રજૂઆતો કરી હતી.

આવેદનમાં ઉમેર્યુ હતું કે અમદાવાદના મોટેરા ખાતેના ક્રિકેટ સ્ટેડીયમનું નામ સરદાર પટેલ સ્ટેડીયમમાંથી બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડીયમ કરવામાં આવેલહોય જે અખંડ ભારતના નિર્માતા ભારત રત્ન સરદાર વલ્લભભાઇ પટેલનું અને ભારત રાષ્ટ્રનું ઘોર અપમાન બરાબર છે.

નેવુંના દાયકામાં પણ અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાન મથકમાંથી સરદાર સાહેબનું નામ કાઢી ને દીનદયાલ ઉપાધ્યાય આંતરરાષ્ટ્રીય વિમાન મથક નામ બદલવા માટે ઘણા સમય આંદોલન કર્યુ હતું અને ગુજરાત વિધાનસભા ભવન, જે અગાઉ સરદાર સાહેબના મોટા ભાઇ શ્રી વિઠ્ઠલભાઇ પટેલ ભવન તરીકે ઓળખાતું હતું. તેમનું નામ બદલીને સ્વર્ણિમ સંકુલ કરી નાખ્યું હતું.

કંઇક ને કંઇક અંશે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા રાજકીય નેતાઓ દેશની ધરોહર સમાન મહાપુરૂષોના નામશેષ કરી અને કંઇક ને કંઇક પોતાને મહાન સાબીત કરી રહ્યા એવું લાગી રહ્યું છે.

સરકાર પોતાનો આ નિર્ણય તાત્કાલીક ધોરણે રદ કરી રાષ્ટ્રના મહાપુરૂષોને સન્માન આપે અને જો સરકાર આ બાબતે નિર્ણય નહીં લે તો આવનારા દિવસોમાં લોકશાહી ઢબે ઉગ્ર વિરોધ માટે તૈયાર રહે તેમ ઉમેરાયું હતું.  આવેદન દેવામાં અગ્રણીઓ રમેશ લુણાગરીયા, હેમાંગ પટેલ વિગેરે જોડાયા હતાં.

(4:14 pm IST)