Gujarati News

Gujarati News

News of Saturday, 3rd March 2018

સાંઇ લક્ષ્મી ફાઉન્ડેશન દ્વારા કાલે બાળવાર્તા સેમીનાર

ટેકનોલોજી સાથે કદમ મિલાવતી વાર્તાઓ શીખવાડાશે : માત્ર મમ્મીઓને જ એન્ટ્રી : ફ્રી રજીસ્ટ્રેશન

રાજકોટ તા. ૩ : બાળકોને પ્રોત્સાહન  આપતી બાળ વાર્તાઓને આધુનિક રંગરૂપમાં રજુ કરવાની ટેકનીક શીખવવા સાંઇલક્ષ્મી ફાઉન્ડેશન દ્વારા એક પ્રેરક કદમ ઉઠાવાયુ છે. તેના ભાગરૂપે કાલે રવિવારે એક બાળવાર્તા સેમીનાર વિનામુલ્યે યોજવામાં આવ્યો છે.

આ અંગે વિગતો વર્ણવતા સાંઇલક્ષ્મી ફાઉન્ડેશનના શિક્ષણવિદ્દ અને જાણીતા હાસ્ય કલાકાર શ્રી સાંઇરામ દવેએ જણાવેલ કે યાદ કરવા બેસીએ તો આપણને કેટલી વાર્તા યાદ છે? એક હતો ચકો, સાત પૂંછડીવાળો ઉંદર, કઠીયારો અને ટોપીવાળો ફેરીયો ... આટલે પુરૂ. પણ ના ટેકનોલોજીના હાઇફાઇ યુગમાં બાળકની કલ્પના શકિત અને સર્જન શકિત ખીલે તેવી બાળવાર્તાની આજે તાતી જરૂરીયાત છે. ત્યારે આ સેમીનારમાં કઇક એવુ જ થવા જઇ રહ્યુ છે.

એકદમ નિઃશુલ્ક ધોરણે કાલે તા. ૪ ના રવિવારે સવારે ૯ થી ૧૨ નચિકેતા સ્કુલ ઓડીટોરીયમ ખાતે યોજાયેલ આ બાળવાર્તા સેમીનારમાં ફકત મમ્મીઓ માટે જ પ્રવેશ મર્યાદીત રાખવામાં આવ્યો છે.  સેમીનારમાં જોડાવા ઇચ્છુક માતાઓએ મો.૭૬૦૦૬ ૪૬૪૬૪ ઉપર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશ.

બાળ સેમીનારમાં સાંઇરામ દવે તથા જુનાગઢના બાળ વાર્તાકાર તરૂણભાઇ કાટબામણા વિવિધ શૈલીમાં વાર્તાઓ રજુ કરી બાળવાર્તા શાસ્ત્રને લોકો સમક્ષ ખુલ્લુ કરશે.

અહીં એ પણ ઉલ્લેખનીય છે કે આગામી દિવસોમાં સાંઇલક્ષ્મી ફાઉન્ડેશન અને ગુજરાત રાજય સંગીત નાટય અકાદમીના સંયુકત ઉપક્રમે ઓપન સૌરાષ્ટ્ર બાલગીત તથા બાલવાર્તા સ્પર્ધાનું પણ આયોજન થવા જઇ રહ્યુ છે.  આ માટે ઉંમરના બાધ વગર કોઇ પણ સ્પર્ધામાં ભાગ લઇ શકશે.

સ્પર્ધકે પોતાની બાળવાર્તા કે બાળગીતની કૃતિ ફોટો પાડી sailaxmifoundation@gmail.com ઉપર મોકલી આપવા સંગીત નાટય અકાદમીના અધ્યક્ષ પંકજ ભટ્ટ અને સાંઇ લક્ષ્મી ફાઉન્ડેશનના ચેરમેન અમિત દવેએ સંયુકત યાદીમાં જણાવેલ છે. સ્પર્ધાના ફોર્મ સાંઇલક્ષ્મી ફાઉન્ડેશનના ફેઇબુક પેઇજ અને વેબસાઇટ પરથી પણ ડાઉનલોડ કરી શકાશે.

તસ્વીરમાં બાળવાર્તા સેમીનારની વિગતો 'અકિલા' સમક્ષ વર્ણવતા સાંઇરામ દવે અને સાથે હાસ્ય કલાકાર તેજષ પટેલ નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(4:29 pm IST)