Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

ઉદ્યોગનગરમાં કારખાનેદારને હેરાન કરતી કૌટુંબીકભાઇની પત્‍ની સામે ફરિયાદ

રાજકોટ તા. ૩ : ગોંડલ રોડ પર ઉદ્યોગનગર કોલોની ચોકમાં આવેલા કાસ્‍ટીંગના કારખાનામાં કારખાનેદારને હેરાન કરતી કૌટુંબીક ભાઇની પત્‍ની સામે એ-ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ જંકશન પ્‍લોટમાં રહેતા અને ઉદ્યોગનગર કોલોની ચોકમાં આવેલ ભંભાણી કાસ્‍ટીંગ નામનું કારખાનુ ધરાવતા રાજેશભાઇ જમટમલભાઇ ભંભાણી (ઉ.૪૪)એ એ-ડીવીઝન પોલીસ મથકમાં રૈયાધાર પ્રમુખ સ્‍વામી ઓડીટોરીયમ પાસે ડ્રીમ સીટી ડી-૨ ફલેટ નં. ૩૦૧માં રહેતી મહેક લલીતભાઇ ભંભાણી સામે ફરિયાદ નોંધાવી છે. રાજેશભાઇએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે, પોતે ગઇકાલે પોતાના કારખાને હતા. ત્‍યારે કાકાના દીકરા લલીતની પત્‍ની મહેક કારખાને આવી ઓફિસમાં બેસી જતા પોતે કહેલ કે, તમે અહીંયા શું કામ આવ્‍યા તમે જાવ કામમાં ડીસ્‍ટર્બ થાય છે. તેમ કહેતા તેણે કહેલ કે, ‘હું કારખાનામાં બેસવા માટે આવેલ છું. હું જવાની નથી તમારે ફરિયાદ કરવી હોય તો કરો હું તો બેસવાની જ છું.' તેમ કહ્યા બાદ તે ગયેલ નહી તેના સાસુ સાથે અગાઉ ભાગીદારી હતી પરંતુ તે ભાગીદારીમાંથી છૂટા થઇ ગયેલ છે. આથી મહેકને આ કારખાના સાથે કંઇ લેવાદેવા ન હોવા છતાં તે કારખાનાની ઓફિસમાં બેસી ગયેલ હોઇ જેથી પોતે એ-ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ અંગે હેડ કોન્‍સ. બી.ઝેડ.વસવેલીયાએ તપાસ હાથ ધરી છે.

(3:29 pm IST)