Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

થોરાળાના સિધ્‍ધાર્થની હત્‍યામાં ઝડપાયેલા આરોપીઓને કાયદાનું ભાન કરાવાયું

ઘટનાના ગણતરીના કલાકોમાં એક સગીર સહિત ૭ને પકડી લેવાયાઃ ડીસીપી સજ્જનસિંહ પરમાર, પીઆઇ એલ. એ. જેઠવાએ વિગતો જણાવી

રાજકોટ તા. ૩:  થોરાળા વિસ્‍તારમાં રહેતાં બાવીસ વર્ષના સિધ્‍ધાર્થ ઉર્ફ રઘો જીવણભાઇ મકવાણાને યુવાનને ૮૦ ફુટ રોડ પર આંબેડકરનગર કાનાભાઇના મફતીયાપરામાં કાર અને ટુવ્‍હીલર લઇને આવેલા થોરાળાના જ ૮ શખ્‍સોએ આંતરી લઇ ‘તને કેટલીવાર ના પાડી છે તો પણ અમારી શેરીમાંથી શું કામ નીકળે છે? તારો મિત્ર નિખીલ ક્‍યાં છે?' તેમ કહી મા બહેન સમી ગાળો ભાંડી મારકુટ ચાલુ કરતાં આ યુવાન જીવ બચાવી ભાગતાં તેનો બધાએ પીછો કરી આંતરી લઇ ફરીથી માર મારી બે જણાએ છરીના ઘા ઝીંકી પતાવી દીધો હતો. આ બનાવમાં ગણતરીના કલાકોમાં થોરાળા પોલીસે એક સગીર સહિત ૭ આરોપીઓને ઝડપી લઇ કાયદાનું ભાન કરાવ્‍યું છે.

આ બનાવમાં પોલીસે હત્‍યાનો ભોગ બનેલા નવા થોરાળા સ્‍વામિનારાયણ સ્‍કૂલ સામે રહેતાં સિધ્‍ધાર્થ ઉર્ફ રઘોના બનેવી સુનિલ નાથાભાઇ કાનજીભાઇ ચાવડા (રહે. ભગવતીપરા-૨૨)ની ફરિયાદ પરથી  ગુનો નોંધ્‍યો હતો. ગુના દાખલ થયાના ચોવીસ કલાક પહેલા જ સાત આરોપીઓ  મોહિત ઉર્ફ બન્‍ની સુરેશભાઇ પરમાર (ઉ.૨૧-રહે. આંબેડકરનગર-૧૧, આજી વસાહત), ધર્મેશ ઉર્ફ ધમો કાનાભાઇ ગોહેલ (ઉ.૧૯-રહે. આંબેડકરનગર-૧૩), આનંદ ઉર્ફ કાળુ રવજીભાઇ મુછળીયા (ઉ.૨૫-રહે. નવી ઘાંચીવાડ-૨/૭), ગોપાલ ઘેલાભાઇ ગોહેલ (ઉ.૨૬-રહે. ક્રિષ્‍નાપાર્ક-૨ થોરાળા પાછળ), જગદીશ ઉર્ફ ભમો પુંજાભાઇ ગોહેલ (ઉ.૩૬-રહે. રામનાથપરા ભવાનીનગર રોડ, ડાયમંડ સુટકેસ પાસે), મયુર ઉર્ફ એમડી વિનોદભાઇ દાફડા (ઉ.૨૪-રહે. આંબેડકરનગર-૧૩, આજી વસાહત) તથા એક સગીરને પકડી લીધા છે.

પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, સંયુક્‍ત પોલીસ કમિશર સોૈરભ તોલંબલીયા અને ડીસીપી સજ્જનસિંહ પરમારની રાહબરીમાં પીઆઇ ડો. એલ. કે. જેઠવા, પીએસઆઇ જી. એસ. ગઢવી તેમજ જે. પી. નીમાવત, ધીરૂભાઇ અઘેરા, વિમલભાઇ ધાણજા, નરસંગભાઇ ગઢવી, કિરણભાઇ પરમાર, શૈલેષભાઇ ભીંસડીયા, ભરતભાઇ ડાભી, દિવ્‍યરાજસિંહ જાડેજા સહિતની ટીમે આરોપીઓને કલાકોમાં પકડી લઇ કાયદાનું ભાન કરાવ્‍યું હતું. સગીરને બાળ અદાલતમાં અને બાકીના છ આરોપીઓને સાંજે કોર્ટમાં રજૂ કરવાની તજવીજ કરવામાં આવશે. હત્‍યા જુના મનદુઃખને કારણે જ કરી હોવાનું રટણ આરોપીઓએ કર્યુ હતું.

તસ્‍વીરમાં આરોપીઓ અને વિગત જણાવતાં ડીસીપી સજ્જનસિંહ પરમાર તથા પીઆઇ ડો. એલ. કે. જેઠવા અને થોરાળા પોલીસની ટીમ જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

(3:17 pm IST)