Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

અમૃત સરોવરોના નિર્માણ કાર્યોની સમીક્ષા કરતા કલેકટર અરુણ મહેશ બાબુ

તમામ અમૃત સરોવરોની સ્થિતિનો તાગ મેળવી, સમારકામ તથા નવીનીકરણ અંગે માર્ગદર્શન આપ્યું

રાજકોટ:કેન્દ્ર સરકારના નેશનલ વોટર કન્ઝર્વેશન મિશન વિભાગના "જલ શકિત અભિયાન-કેચ ધ રેઇન'' કાર્યક્રમ અંતર્ગત રાજકોટ જિલ્લામાં અમૃત સરોવરોના નિર્માણ કાર્યો અંગે સમીક્ષા બેઠક કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. જેમાં જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ તમામ અમૃત સરોવરોની સ્થિતિનો તાગ મેળવી અમૃત સરોવરોના ખોદકામ, વનીકરણ, સમારકામ, નવીનીકરણ તથા બ્યુટીફિકેશન અંગે સંબંધિત વિભાગોના અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.

 રાજકોટ જિલ્લામાં ૭૫ અમૃત સરોવરો પૈકી ૨૫ અમૃત સરોવરો તૈયાર થઇ ચૂકયા છે, જયારે ૫૦ જેટલા સરોવરોની કામગીરી પ્રગતિ હેઠળ છે. આ કાર્ય વિવિધ સરકારી વિભાગો દ્વારા લોકભાગીદારીથી કરવામાં આવે છે. ત્યારે અમૃત સરોવરોની બાકી કામગીરી સમયસર પૂર્ણ કરવા કલેકટરએ સંબંધિત વિભાગોને તાકીદ કરી હતી. તેમજ તમામ ૭૫ અમૃત સરોવરોના ફોટોગ્રાફ્સ રજૂ કરવા જણાવ્યું હતું.

  આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર. એસ. ઠુમ્મર, પ્રાંત અધિકારી સંદીપ વર્મા, મદદનીશ ઇજનેર સન્ની રામાણી સહિતના જિલ્લા પંચાયત, સિંચાઇ વિભાગ, રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

(12:43 am IST)