Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd February 2021

વેદનાઓ જીવનને તોડવા માટે નહીં પરંતુ સત્ય સાથે જોડવા માટે આવતી હોય છે : પૂ.નમ્રમુનિ મ.સા.

દીક્ષા મહોત્સવના સંયમ કાર્યક્રમમાં દીક્ષાર્થી એકતાબેન ગોસલીયાની સંયમ પ્રાપ્તિ માટેની સંઘર્ષગાથાનું દ્રશ્યાંકન

રાજકોટ,તા. ૩: રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવ શ્રી નમ્રમુનિ મ. સા.ના સાંનિધ્યે નેમનાથ પ્રભુના સિધ્ધત્વની ગૌરવગાથા ગજાવી રહેલાં ગિરનારના ઊંચા શિખરોની છત્રછાયામાં શ્રી ગિરનાર જૈન દીક્ષા મહોત્સવના ઉપક્રમે આયોજિત નવ-નવ આત્માઓના દીક્ષા મહોત્સવનો આજનો અવસર અનેકોની અંતરધરા પર સત્યના અજવાળા પાથરતો ઉત્સવ બની ગયો હતો.

સમગ્ર દીક્ષા મહોત્સવના અનુમોદક ધર્મવત્સલા બીનાબેન અજયભાઈ શેઠ પરિવાર તેમજ લાભાર્થી નટવરલાલ વચ્છરાજ ચોકસી પરિવારના સહયોગે મુમુક્ષુ ફેનિલકુમાર અજમેરા, મુમુક્ષુ શ્રેયમબેન ખંધાર, મુમુક્ષુ એકતાબેન ગોસલીયા, મુમુક્ષુ નિરાલીબેન ખંધાર, મુમુક્ષુ અલ્પાબેન અજમેરા, મુમુક્ષુ આયુષીબેન મહેતા, મુમુક્ષુ નિધિબેન મડીયા, મુમુક્ષુ મિશ્વાબેન ગોડા તેમજ મુમુક્ષુ દીયાબેન કામદારના દીક્ષા મહોત્સવના સાત સાત દિવસોથી ઉજવાઈ રહેલાં દરેકેદરેક અવસરોમાં We Jain-One Jain સાથે જોડાએલાં સમગ્ર ભારતના ૧૦૮ થી વધુ શ્રી સ્થાનકવાસી જૈન સંઘોની સાથે વિદેશના અનેક સંઘો, વિવિધ ક્ષેત્રોમાં બિરાજિત પૂજય સંત-સતીજીઓ તેમજ હજારો ભાવિકો લાઈવના માધ્યમે જોડાયેલ.

નેમ દરબારના સુંદર શામિયાણામાં પિયુષભાઈ શાહના મધુર કંઠે ભકિતના સૂરો સાથે આ અવસરે, પરમ ગુરૂદેવે અત્યંત હૃદયસ્પર્શી શૈલીમાં સંઘર્ષમાંથી સફળતાની કેડી કંડારવાની સમજ આપતાં કહ્યું હતું કે, વેદનાઓ અંતરમાંથી સમજનું પ્રાગટ્ય કરાવવા અને તકલીફો, તકદીર બનાવવા માટેની તક બનવા માટે આવતી હોય છે. જીવનની દરેક આપત્ત્િ।ઓ, સમજણની સંપત્ત્િ। અને સંઘર્ષો સફળતાની ટ્યુશન ફી બની જતી હોય છે. જેણે જીવનમાં સંઘર્ષ જોયાં છે, એણે ખરા અર્થમાં જીવનને માણ્યું છે. વેદનાઓ જીવનને તોડવા માટે નહીં પરંતુ સત્ય સાથે જોડવા માટે આવતી હોય છે. જે સુખ કે દુઃખ બંનેમાં હસતાં રહેવાની તૈયારી રાખે છે એના માટે સંયમના દ્વાર ખૂલી જતાં હોય છે. સંસાર હોય કે સંયમી, દુઃખના ફરિયાદી કયારેય પરમાત્માની યાદિમાં નથી આવતાં. પ્રતિકાર વિના સ્વીકારની સમજ જયાં ખીલવા લાગે છે તે હોય છે સંયમ જીવન. હે પ્રભુ, આજ તારા ચરણમાં એક જ પ્રાર્થના કરૃં, જયાં સુધી હું ભગવાન ન બનું ત્યાં સુધી તારી પાસે કદી સુખની માંગણી ન કરૃં બસ, એવી સમજ આપી દે.

આ અવસરે આયોજિત The Final Full Stop- કાર્યક્રમ અંતર્ગત મુમુક્ષુ એકતાબેને સંયમલક્ષી ભાવોની અભિવ્યકિત કરેલ. દરરોજ લુક એન લર્નના બાળકો દ્વારા દૃશ્યાંકન સાથે ત્યાગની પ્રેરણા અપાય છે.

આવતીકાલ તા. ૪ ગુરૂવાર સવારના ૮.૩૦ કલાકે ગુરૂતત્વના ઉપકારો પ્રત્યે અહોભાવની અર્પણતા સ્વરૂપ ગુરૂ ઋણ અદા કેમ કરીએ? ના વિશેષ અવસરે શ્રી ગિરનાર જૈન દીક્ષા મહોત્સવ સમિતિ તરફથી ભાવિકોને લાઈવના માધ્યમે જોડાવા આમંત્રિત કરવામાં આવ્યાં છે.

(3:17 pm IST)