Gujarati News

Gujarati News

News of Monday, 3rd February 2020

કાલે વર્લ્ડ કેન્સર ડે

તમાકુથી થતા કેન્સરથી દર વર્ષે ૫૦ લાખ લોકો મૃત્યુ પામે છે : સરકારે તમાકુના ઉત્પાદન અને વેચાણ પર ચુસ્ત પ્રતિબંધ લાદવો જરૂરી

દારૂથી છ પ્રકાર કેન્સર થઇ શકે છે જેમાં મોઢા, સ્વરપેટી, અન્નનળી, લીવર, સ્તન અને સ્વાદુપિંડનો સમાવેશ થાય છે

રાજકોટ તા ૩ : વોકહાર્ટ હોસ્પીટલના કન્સલ્ટન્ટ,ઓન્કો સર્જન ડો.દિપેન પટેલ એ વર્લ્ડ કેન્સર ડે વિશે માહિતી આપતા જણાવ્યુ હતુ કે વિશ્વ કેન્સર દિવસ સૌપ્રથમ જીનીવા, સ્વીત્ઝર્લેન્ડમાં ૪ ફેબ્રુઆરી ૧૯૩૩માં આંતરરાષ્ટ્રીય કેન્સર કન્ટ્રોલ યુનીયન દ્વારા મનાવવામા આવ્યો હતો. જેમા શૈક્ષણિક સંસ્થાઓ, સામાજીક કાર્યકરો, કેન્સરના દર્દીઓ અને સારવાર કેન્દ્રો એ ભાગ લીધો હતો.ત્યારથી જ આ દિવસને દર વર્ષે વિશ્વ કેન્સર દિવસના નામે લોકોમાં કેન્સર અંગેની જાગૃતી આવે અને લોકો કેન્સરને રોકવા માટે જરૂરી સાવચેતી રાખી શકે અને પોતાની રોજબરોજની જીંદગીમા જડમુળથી અમુક ફેરફારો લાવી શકે તે માટે ઉજવવામા આવે છે. ર૦૧૯ થી ર૦ર૧ ના વર્ષ માટે 'હુ છુ અને હુ કરીશ' (આઈ એમ એન્ડ આઈ વિલ) થીમ રાખવામાં આવી છે.

વધુમાં ડો.પટેલે જણાવ્યુ હતુ કે જેમ જેમ આપણો આર્થિક અને સામાજિક વિકાસ થતો જાય છે તેમ તેમ આપણી જીવનશૈલીના કારણે આપણે કેન્સરજન્ય વસ્તુઓ જેમકે ધુમ્રપાન, ગુટકા સેવન, મેદસ્વી પીણુ, બેઠાળુ જીવન, પ્રદુષણ અને બિનતંદુરસ્ત આહાર વગેરેના સંપર્કમાં વધારે ને વધારે આવતા જઈએ છીએ.આ વધતા કેન્સરને રોકવા માટે સમાજમા જીવનશૈલી અને કેન્સરની અસરો વિષે જાગૃતી ફેલાવવી એ સૌપ્રથમ પગથીયા છે.કેન્સર અને બિનચેપી રોગોએ વિશ્વભરમાં થતા મૃત્યુ અને ખોડખાપણમાં સૌથી આગળપડતુ કારણ છે જેમા સૌથી વધારે મો, ગળા, સ્તન,  ફેફસા, જઠર, આંતરડા અને પ્રોસ્ટેટના કેન્સરનો સમાવેશ થાય છે. અન્ય રપ૦ પ્રકારના કેન્સર આપણા શરીરમાં વિવિધ અંગોમાંથી ઉદભવી શકે છે સૌથી અગત્યના કારણોમાં ધુમ્રપાન, મદ્યપાન, પ્રદુષણ, અયોગ્ય આહાર અને કેન્સરજન્ય ચેપી રોગોનો સમાવેશ થાય છે. ધુમ્રપાન એ કેન્સર થવાનુ સૌથી મોટુ કારણ છે, કેન્સરથી થતા કુલ મૃત્યુઆંકમાંથી રર% તમાકુના ઉપયોગથી થાય છે તેમજ તમાકુથી થતા કેન્સરથી દર વર્ષે પ૦ લાખ લોકો મૃત્યુ પામે છે. તમાકુનો ઉપયોગ નિયંત્રણમા લાવવાથી વિવિધ કેન્સરો જેવા કે ફેફસા, મોઢા, સ્વરપેટી, અન્નનળી, સ્વાદુપિંડ, મુત્રાશય, કીડની, ગર્ભાશયના મુખ, જઠર તથા લોહીના કેન્સરની સંખ્યામાં નોંધ પાત્ર ઘટાળો થઈ શકે તેમ છે. મદ્યપાનથી છ પ્રકારના કેન્સર થઈ શકે છે જેમા મોઢા, સ્વરપેટી, અન્નનળી, લીવર, સ્તન અને સ્વાદુપિંડનો સમાવેશ થાય છે. કેન્સરની આજ અને ભવિષ્યની સ્થિતી જોતા દર વર્ષે કેન્સરના દર્દીઓની સંખ્યામા ખુબ જ વધારો થઈ રહ્યો છે અને કેન્સરથી થતા મૃત્યુની સંખ્યા પણ અવકાશ આંબે તેવી વિકટ પરિસ્થિતી ઉભી થયેલ છે. જેમ કે આજના આંકડા મુજબ વર્ષ ર૦ર૧ સુધીમાં કુલ કેન્સરના દર્દીઓની સંખ્યા ૧૧,૪૮,૭પ૭ થી પણ વધારે થવાની શકયતાઓ છે.દર વર્ષે કેન્સરથી થતા મૃત્યુના આંકમાં પ લાખનો વધારો નોંધાયો છે તે મુજબ વર્ષ ર૦૩૦ સુધીમા યોગ્ય પગલા ન લેવાયા તો કુલ દર્દીઓની સંખ્યા બે કરોડથી પણ વધી શકે છે.

ડો.દિપેન પટેલે જણાવ્યુ હતુ કે તમાકુ અને તેના ઉત્પાદન ઉપર ચુસ્ત પ્રતિબંધ મુકવા માટે તેમણે જણાવેલ હતુ કે શુ આપે કયારેય વિચાર્યુ છે કે તમાકુ અને બીડી, સીગારેટથી મોટા પ્રમાણમા કેન્સરનો રોગફેલાતો હોય તો સરકાર તેના ઉત્પાદન અને વેચાણ પર શા માટે પ્રતિબંધ નથી લાદતી કારણકે ગુટખા કંપનીએ છેલ્લા ૧પ થી ર૦ વર્ષમાં શુન્યથી પ૦૦ મિલિયન ડોલરનો વકરો કરેલ છે અને દર વર્ષે રપ થી ૩૦% નો વધારો થાય છે માટે આટલી વિશાળ લોબીને ફકત આર્થિક લાભ ખાતર સરકાર બંધ ન કરી ને માત્ર તેના પેકેટ ઉપર વિવિધ પ્રકારના ભયજનક કેન્સરના ફોટો છપાવવા જેવા નાના નિર્ણયો લઈ રહી છે. વાસ્તવિકતામા સરકારે તેના ઉત્પાદન અને વેચાણ પર ચુસ્ત પ્રતિબંધ કરીને જનતાના કરોડો રૂપિયા તમાકુ અને સારવાર પર વેડફાતા અટકાવવા જોઈએ.કેન્સરને અટકાવવા માટે આપણે શુ યોગદાન આપી શકીએ ?ધુમ્રપાન છોડો, નિયમીત કસરત, દારૂનુ સેવન ન કરો, તંદુરસ્ત આહાર લેવો, તડકામા વધુ ન રહેવુ,રોગ પ્રતીકારક રસી લેવી અને કેન્સરના લક્ષણો જણાતા તુરંત સારવાર લેવી.

માર્ગદર્શન અને માહિતી

ડો. દિપેન પટેલ

કન્સલ્ટન્ટ - ઓન્કો સર્જન

એમ.બી.બી.એસ., એમ.એસ.,

એમસીએચ (સર્જિકલ ઓન્કોલોજી)

એન.એમ.વિરાણી

વોકહાર્ટ હોસ્પિટલ

(3:39 pm IST)