Gujarati News

Gujarati News

News of Monday, 3rd February 2020

જિલ્લા પંચાયતની બેડી બેઠક સામાન્ય ચૂંટણી સુધી ખાલી રહેશે, પેટાચૂંટણી નહિ

હાલની પંચાયતની મુદતને એક વર્ષથી ઓછો સમય બાકી રહયો હોવાથી

રાજકોટ, તા. ૩ :. જિલ્લા પંચાયતની બેડી બેઠક પરથી ચૂંટાયેલા કોંગી સભ્ય નાનજીભાઈ ડોડિયાનું ૩ દિવસ પહેલા અવસાન થતા ખાલી જગ્યા ભરવા પેટાચૂંટણી આવવાની ધારણા હતી પરંતુ ચૂંટણી પંચે એ શકયતા નકારી છે. સામાન્ય ચૂંટણીને એક વર્ષ કરતા ઓછો સમય બાકી રહ્યો હોવાથી પેટાચૂંટણી નહિ આવે પરંતુ નવી સામાન્ય ચૂંટણી સુધી બેઠક ખાલી રહેશે.

ચૂંટણી પંચના વર્તુળોએ જણાવેલ કે, સામાન્ય રીતે ગ્રામ, તાલુકા કે જિલ્લા પંચાયતની બેઠક ખાલી પડે પછી ૩ મહિનામાં ચૂંટણી યોજવાનો નિયમ છે. જો સામાન્ય ચૂંટણી પૂર્વેના છેલ્લા એક વર્ષમાં કોઈ બેઠક ખાલી પડે તો તેની પેટાચૂંટણી કરવાની જરૂર રહેતી નથી પરંતુ નજીકના ભવિષ્યમાં આવી રહેલી સામાન્ય ચૂંટણી સાથે જ તેની ચૂંટણી થાય છે. વચગાળાના સમયમાં આ બેઠક ખાલી જ રહે છે. રાજકોટ જિલ્લા પંચાયતની છેલ્લી સામાન્ય ચૂંટણી બાદ પ્રથમ બોર્ડ બેઠક તા. ૨૨-૧૨-૨૦૧૫ના દિવસે મળેલ. તે જોતા ૨૦૨૦ની તા. ૨૧ ડીસેમ્બરના રોજ મુદત પુરી થાય છે. તે સમયગાળો એક વર્ષથી ઓછો છે. તે પૂર્વે જ પંચાયતની સામાન્ય ચૂંટણી આવી રહી છે. સમય સંજોગો જોતા નાનજીભાઈના અવસાનથી ખાલી પડેલ બેઠક પર પેટાચૂંટણી આવવા પાત્ર નથી.

(3:26 pm IST)