Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

કાલે ૪ ફેબ્રુઆરી-વર્લ્ડ કેન્સર ડે

રપ૦ પ્રકારના કેન્સરના રોગો શરીરમાં ઉદ્ભવી શકે છે

રાજકોટ, તા. ૩ : ૪થી ફેબ્રુઆરી વર્લ્ડ કેન્સર ડેના સંદર્ભમાં કેન્સર થવાના કારણો, તેના ભયજનક લક્ષણો, કેન્સરની સારવાર વિગેરે વિશેની વિસ્તૃત સમજણ અને માહિતી વોકહાર્ટ હોસ્પિટલના ઓન્કોસર્જન (કેન્સરના રોગોના નિષ્ણાંત સર્જન) ડો. દિપેન પટેલ દ્વારા આપવામાં આવેલ છે.

કેન્સર દિવસની ઉજવણીના સંદર્ભમાં ડો. દિપેન પટેલે જણાવેલ હતું કે વિશ્વ કેન્સર દિવસ સૌપ્રથમ જીનીવા, સ્વિત્ઝર્લેન્ડમાં ૧૯૩૩ના વર્ષમાં આંતરરાષ્ટ્રીય કેન્સર કંટ્રોલ યુનિયન દ્વારા ઉજવવામાં આવેલ. જેમાં અન્ય શૈક્ષણિક સંસ્થાઓ, કેન્સર સારવાર કેન્દ્રો તથા દર્દીઓના સમૂહોએ પણ ભાગ લીધો હતો ત્યારથી જ દર વર્ષે ૪થી ફેબ્રુઆરીને વિશ્વ કેન્સર દિવસ તરીકે ઉજવવામાં આવે છે તે દિવસે લોકોમાં કેન્સર અંગેની જાગૃતિ આવે, તેમને તંદુરસ્તી માટે સારો ખોરાક લેવા, નિયમિત અને પૂરતા પ્રમાણમાં શારીરિક કાર્યો કરવા તેમજ આસપાસ જોવા મળતા કેન્સર પ્રેરક ખોરાક તેમજ વસ્તુઓથી કેવી રીતે બચવું તે વિશે અનુરોધ કરવામાં આવે છે. ર૦૧૬ થી ર૦૧૮ સુધીના ત્રણ વર્ષમાં આપણે કેન્સરના પ્રમાણને કેવી રીતે ઘટાડી શકીએ તે માટે ખાસ થીમ 'આઇ કેન-વી કેન' આપવામાં આવેલ છે.

ડો. દિપેન પટેલે વધુમાં જણાવેલ હતું કે જેમ જેમ આપણો આર્થિક અને સામાજિક વિકાસ થતો જાય છે તેમ આપણી લાઇફ સ્ટાઇલના કારણે આપણે કેન્સરજન્ય વસ્તુઓ જેમ કે ધ્રમ્રપાન, ગુટખા સેવન, મેદસ્વીપણુ, બેઠાડુ જીવન, પ્રદુષણ અને બિનઆરોગ્યપ્રદ ખોરાક વિગેરેના સંપર્કમાં વધારે ને વધારે આવતા જઇએ છીએ. વધતા કેન્સરને રોકવા માટે સમાજમાં લાઇફ સ્ટાઇલ અને કેન્સરના સંબંધો વિશે જાગૃતિ ફેલાવવી એ સૌપ્રથમ પગથીયું છે. કેન્સર અને બિનચેપી રોગો એ વિશ્વભરમાં થતા મૃત્યુ અને ખોડખાંપણોમાં સૌથી આગળ પડતું કારણ છે, જેમાં સૌથી વધારે મો, ગળા, સ્તન, ફેફસા, જઠર, આંતરડા અને પ્રોસ્ટેટના કેન્સરનો સમાવેશ થાય છેે. અન્ય રપ૦ પ્રકારના કેન્સર આપણા શરીરમાં વિવિધ અંગોમાંથી ઉદ્ભવી શકે છે. સૌથી અગત્યના કારણોમાં ધુમ્રપાન, મધપાન, પ્રદુષણ, આરોગ્ય આહાર અને કેન્સરજય ચેપી રોગોનો સમાવેશ થાય છે.

આઇ કેનઃ-ધુમ્રપાન છોડો, નિયમિત કસરત કરવી, દારૂનું સેવન બંધ કરવુ, તંદુરસ્ત આહાર લેવો, વધારે પડતા સુર્યપ્રકાશમાં જવાનું ટાળો, કેન્સરજન્ય રોગોની રસી લેવી. વી કન : તંદુરસ્ત પર્યાવરણવાળી શાળાઓ, કાર્યસ્થળો અને શહેરોનો વિકાસ તબીબી ક્ષેત્રે કેન્સરના રોગોના લક્ષણો પ્રત્યે પ્રજાને જાગૃત કરી શકે તેવા કાર્યકરો પૂરા પાડવા, તંદુરસ્ત જીવનશૈલી માટેના સરકારના નીતિ નિયમો, વહેલા નિદાન, સ્ક્રીનીંગ અને સારવાર માટેની સુવિધાઓ વધારવી, રાષ્ટ્રીય રસીકરણ પ્રોગ્રામો યોજવા.

ડો. દિપેન પટેલ

કેન્સર રોગોના નિષ્ણાંત સર્જન

વોકહાર્ટ હોસ્પિટલ-રાજકોટ

(3:51 pm IST)