Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

એકબીજાનો ભય કે આંતરીક ડખ્ખો ? ભાજપે ૫- કોંગ્રેસે ૪ ફોર્મ ભર્યા

રાજકોટમાં વોર્ડ નં.૪ની પેટા ચૂંટણી જંગ : ૧૭મીએ મતદાનઃ ૧૯મીએ મતગણતરી : ફોર્મ ભરવાની છેલ્લી કલાકો સુધી ઉમેદવારનું નામ જાહેર કરી શકતા નથીઃ કહેવાતી વ્યુહરચના કે મજબુરી ?

 

રાજકોટ, તા. ૩ : આગામી ૧૭ ફેબ્રુઆરીએ શહેરના સામાકાંઠા વિસ્તારના વોર્ડ નં.૪ની ૧ બેઠક માટે પેટાચૂંટણી યોજાનાર છે ત્યારે હવે આ ચૂંટણી માટે બળિયા રાજકીય પક્ષોએ 'બાવળા' મરડીને તૈયારીઓ શરૂ કરી છે. ભાજપ આ બેઠક અંકે કરવા વ્યૂહ રચનામાં વ્યસ્ત છે તો કોંગ્રેસે પણ આ બેઠક જાળવી રાખવા ટકોરા બંધ ઉમેદવારને મેદાનમાં ઉતારવા ઇચ્છે છે ત્યારે આજે છેલ્લા દિવસે પ્રથમ વખત  બન્ને પક્ષ દ્વારા ઉમેદવારોના નામ જાહેર કર્યા નથી. અને એક થી વધુ ફોર્મ ભર્યા છે.જેમાં ભાજપે ૫ અને કોંગ્રેસે ૪ ઉમેદવારોનાં ભરતાં જબરૂ આશ્ચર્ય સજાર્યુ હતુ. બપોર સુધીમાં પ્રદેશ માંથી જે નામ આવશે તે ફાઇનલ થશે તેમ બન્ને પક્ષનાં મોવડીઓએ જણાવ્યુ હતુ.

પેટાચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે અને ફોર્મ ભરવાની છેલ્લી કલાકો સુધી ભાજપ- કોંગ્રેસ દ્વારા ઉમેદવારોનાં નામ જાહેર કર્યા નથી. બન્ને પક્ષોએ બપોરે જુની કલેકટર કચેરી ખાતે ઉમેદવારોને ફોર્મ ભરાવ્યા હતા.પરંતુ બન્ને માંથી એક પણ પક્ષનું મેન્ડેટ રજુ થયુ ન હતુ !!  જેમાં ભાજપ માંથી દેવદાનભાઇ કુંગસીયા, સંજય ગોસ્વામી, ભરત લીબાંસીયા, પરેશ પીપળીયા, રવિ રાખોલીયા સહિતના પાંચનાં ફોર્મ ભરાવામાં આવ્યા છે.

જયારે કોંગ્રેસ દ્વારા તુષાર નંદાણી, , પ્રવિણભાઇ મકવાણા તથા કલૈાશ નકુમ, દિલીપભાઇ બોરીચા સહિતનાં ચાર ઉમેદવારના ફોર્મ ભરવામાં આવ્યા છે.

  મ્યુ. કોર્પોરેશનના શાસક પક્ષ ભાજપે વોર્ડ નં.૪ની આ એક બેઠક જીતવા માટે સક્ષમ ઉમેદવારને જ મેદાનમાં ઉતારવા માટે વ્યૂહ રચના ગોઠવી છે. જો કે કોંગ્રેસના ઉમેદવારની પસંદગી થઇ જાય પછી જ ભાજપે તેના ઉમેદવારને નક્કી કરવાનો વ્યૂહ રચના ગોઠવી હતી પરંતુ બપોર સુધી ભાજપ-કોંગ્રેસે ઉમેદવારો નું નામ અંક બંધ રાખ્યુ હતુ.

કોંગ્રેસ આ વોર્ડ નં.૪ની બેઠક બેઠક જાળવી રાખવા માટે કટિબદ્ધ છે કેમ કે આ વોર્ડમાં ત્રણ કોંગ્રેસ અને એકજ ભાજપના કોર્પોરેટર હતા જે પૈકી કોંગ્રેસના એક કોર્પોરેટરનું દુઃખદ અવસાન થતા બેઠક ખાલી પડી છે અને આ પેટાચૂંટણી યોજાઇ રહી છે માટે કોંગ્રેસ માટે આ ચૂંટણી જંગ પ્રતિષ્ઠાનો જંગ સમાન છે. આથી જ કોંગ્રેસ આ વોર્ડમાં ટકોરાબંધ ઉમેદવાર મેદાનમાં ઉતારવા માંગે છે.

આમ , બન્ને પક્ષો દ્વારા એકથી વધુ ફોર્મ ભરાવવા તૈયારી દાખવી છે.

અત્રે નોંધનીય છે કે, પક્ષ દ્વારા મેન્ડેટ આપવામાં આવશે તે ફાઇનલ ઉમેદવાર જાહેર થશે.

પેટા ચૂંટણીમાં કોર્પોરેરો નિઃરસ ઉમેદવારી ફોર્મ ભરવામાં પાંખી હાજરી : ભાજપે ૧ર-૩૯નું મુહુર્ત સાચવ્યું

રાજકોટ : વોર્ડ નં.૪ની પેટા ચૂંટણી માટે આજે ઉમેદવારી ફોર્મ ભરવાના છેલ્લા દિવસે મુખ્ય રાજકીય પક્ષોએ પોત પોતાના ઉમેદવારોના ફોર્મ ભરાવ્યા હતાં. ત્યારે ઉમેદવારો સાથે બંન્ને પક્ષના કોર્પોરેટરોની અત્યંત પાંખી હાજરી હતી. માંડ ૧પ થી ર૦ જેટલા કોર્પોરેટરો ફોર્મ ભરતી વખતે હાજર રહ્યા હતાં.

નોંધનીય છે કે ભાજપે ૧ર-૩૯ના વિજય મુહુર્તમાં ફોર્મ ભરવાનો સીલસીલો યથાવત રાખ્યો હતો.

બંને પક્ષો જ્ઞાતિવાદમાં અટવાયાઃ પટેલ  અથવા આહિર ઉમેદવાર ઉતારવા વિચારણા

રાજકોટ : વોર્ડ નં. ૪ની પેટાચુંટણીમાં છેલ્લે સુધી ભાજપ - કોંગ્રેસ ઉમેદવારો ફાઇનલ નથી કર્યા ત્યારે બંને પક્ષો જ્ઞાતિવાદમાં અટવાયા હોવાનું અને મોટાભાગે પટેલ અથવા આહિરને મેદાનમાં ઉતારવા વિચારી રહ્યાની ચર્ચા જાગી છે.

(3:53 pm IST)