Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

મોરબીની સોનલ કોળીને રાજકોટમાં ઓરમાન પિતા દાઉદે છરીનો ઘા ઝીંકયો

માસી-માતાને મળવા આવી તે દાઉદને ન ગમતાં હુમલો કરી ભાગી ગયોઃ સોનલના માતા મંજુબેને રિક્ષાચાલક દાઉદ સાથે બીજુ ઘર કર્યુ છે

રાજકોટ તા. ૩: મોરબી વીસીપરામાં રહેતી સોનલ વિજય ડાભી (ઉ.૨૧) નામની કોળી પરિણીતા ગઇ કાલે રાજકોટ ભગવતીપરામાં માસીની ખબર કાઢવા અને માતાને મળવા આવતાં તેના ઓરમાન પિતા મુસ્લિમ શખ્સે તું અહિ શું કામ આવી? તેમ કહી ઝઘડો કરી પેટમાં છરીનો ઘા ઝીંકી દેતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે.

 

બનાવની જાણ હોસ્પિટલ ચોકીના એએસઆઇ પી.એન. ત્રિવેદી અને દિપસિંહે બી-ડિવીઝનમાં કરતાં પીએસઆઇ પી.બી. જેબલીયાએ હોસ્પિટલે પહોંચી ગંભીર ઇજાગ્રસ્ત સોનલ ભાનમાં ન હોઇ તેના ભાઇ ગોપાલ રમેશભાઇ અંબાસણીયા (ઉ.૨૧)ની ફરિયાદ પરથી ઓરમાન પિતા દાઉદ સામે ગુનો નોંધ્યો હતો.

 

ગોપાલના કહેવા મુજબ અમે ચાર ભાઇ અને ચાર બહેનો છીએ. જેમાં સોનલ  ત્રીજા નંબરે છે અને એક વર્ષ પહેલા તેણે અમારી જ જ્ઞાતિના અગાઉ પડોશમાં રહેતાં વિજય ડાભી સાથે લવમેરેજ કર્યા છે. હાલમાં બહેન-બનેવી મોરબી રહે છે. મારા પિતા રમેશભાઇનું ત્રણેક વર્ષ પહેલા અવસાન થયું છે. એ પછી મારા માતા મંજુબેને ભગવતીપરાના રિક્ષાચાલક દાઉદભાઇ સાથે બીજુ ઘર કર્યુ છે. મારી બહેન ગઇકાલે ભગવતીપરામાં જ રહેતાં માસી પલીબેનના ઘરે તેની ખબર કાઢવા આવી હોઇ અમારા ઘરે મારા બાને મળવા પણ આવી હતી. એ પછી તે સાંજે આઠેક વાગ્યે માસીના ઘરે હતી ત્યારે પિતા દાઉદભાઇ આવતાં તેને સોનલ ઘરે આવી હોઇ તે ન ગમતાં મારા માસીના ઘરે છરી સાથે દોડી જઇ સોનલને તું અહિ કેમ આવી? કહી ગાળો દઇ લાફો મારી પેટ નીચેના ભાગે છરીનો ઘા ઝીંકી દઇ ભાગી ગયો હતો.

પોલીસે ઉપરોકત ફરિયાદ પરથી ગુનો નોંધી દાઉદની શોધખોળ હાથ ધરી છે. (૧૪.૫)

(6:24 pm IST)