Gujarati News

Gujarati News

News of Friday, 3rd January 2020

કાલે જિલ્લા પંચાયતની સામાન્ય સભાઃ હાજર રહેવા અને મતદાનમાં ભાગ લેવા અંગે બાગીઓમાં બે મત

ખાટરિયા જુથ તરફથી સિંચાઈ સમિતિમાં ડોડિયા, લુણાગરિયા, ધડુક, નાકિયા, શ્રીમતી ગોહેલઃ મહિલા બાળ કલ્યાણ સમિતિમાં ભાવનાબેન, કુસુમબેન, મધુબેન, હેતલબેન, અર્ચનાબેન : કોઈપણ કારણ આગળ ધરી કાલની સામાન્ય સભા અટકાવવાની શકયતા તપાસતા બાગીઓઃ જો સામાન્ય સભા અટકે તો બાગીઓ હસ્તકની સમિતિઓના કામોની બહાલી પણ અટકશેઃ ૧૫ લાખથી ઉપરના કામો બાંધકામના બદલે સીધા કારોબારી સમિતિમાં લાવવા બાબતે પણ વિવાદઃ સત્તા સોંપણીનો મુદ્દો ચર્ચાના ચકડોળેઃ કંઈક રંધાઈ રહ્યુ છે : કારોબારી સમિતિની બેઠક ૧૩મી આસપાસ

રાજકોટ, તા. ૩ :. જિલ્લા પંચાયતની સામાન્ય સભા આવતીકાલે સવારે ૧૧ વાગ્યે પ્રમુખ શ્રીમતી અલ્પાબેન અર્જુનભાઈ ખાટરિયાની અધ્યક્ષતામાં મળનાર છે. જેમાં પ્રશ્નોત્તરી ઉપરાંત બે સમિતિઓની રચનાનો મુદ્દો છે. પંચાયતમાં અત્યારે કોંગ્રેસનું ખાટરિયા જુથ અને ભાજપ પ્રેરીત બાગીઓનું જુથ સામસામે છે. સમિતિઓ કબ્જે કરવા બન્ને જુથ પ્રયત્નશીલ છે. બાગીઓ પાસે આજની તારીખે ૧૭નું સંખ્યા બળ હોવાનો દાવો છે. જો તેમા બે સભ્યોનો ઉમેરો થઈ શકે તો બાગીઓ સમિતિ કબ્જે કરી શકે તેમ છે. બાગીઓએ પુરતુ સંખ્યા બળ ન થાય તો સામાન્ય સભામાં ગેરહાજર રહેવા અથવા સમિતિ માટે મતદાનમાં ભાગ ન લેવાનો વિકલ્પ વિચાર્યો છે. બાગીઓના વલણ બાબતે બે મત પ્રવર્તે છે. આખરી નિર્ણય લેવા કાલે સામાન્ય સભા પૂર્વે પંચાયતમાં બાગીઓની બેઠક મળનાર છે. ભૂતકાળમાં અમુક વખતે સામાન્ય સભા પૂર્વે સરકારની મદદથી નવો ફણગો ફુટતો રહેલ તેવી શકયતા આ વખતે ઓછી છે પણ સાવ નકારાતી નથી. કારોબારી સમિતિની બેઠક ૧૩ જાન્યુઆરી આસપાસ બોલાવાય તેવી શકયતા છે.

ખાટરિયા જુથે સમિતિઓ માટે નામ નક્કી કરી લીધા છે. સિંચાઈ અને સહકાર સમિતિમાં નાનજીભાઈ ડોડીયા, પરસોતમભાઈ લુણાગરીયા, વિનુભાઈ ધડુક, અવસરભાઈ નાકિયા અને હેતલબેન ગોહેલને સ્થાન અપાશે. અધ્યક્ષ તરીકેની પસંદગી નાનજીભાઈ ડોડીયા છે. મહિલા અને બા ળ કલ્યાણ સમિતિ માટે ભાવનાબેન ભૂત, કુસુમબેન ચૌહાણ, મધુબેન નસિત, હેતલબેન ગોહેલ અને અર્ચનાબેન સાકરિયાનું નામ છે. અધ્યક્ષ તરીકેની પસંદગી ભાવનાબેનની થાય તેવા સંજોગો છે. જેના માટે કોંગ્રેસના જ બે આગેવાનો વચ્ચે ખેંચતાણ છે તે મનોજ બાલધાનું નામ બેમાંથી એકેય સમિતિમાં સૂચવાયુ નથી. 

સભા શરૂ થતી વખતે જ બાગીઓને વ્હીપ આપવામાં આવશે. જો બાગીઓ ગેરહાજર રહે અથવા હાજર રહીને મતદાનમા ભાગ લેવાના બદલે તટસ્થ રહેવાની ભૂમિકા કરે તો પણ વ્હીપનો ભંગ ગણાશે તેમ કોંગ્રેસના વર્તુળો જણાવે છે. પંચાયતના રાજકારણમાં ગમે ત્યારે ગમે તેવા સમીકરણો રચાય જતા હોય છે. કાલની સામાન્ય સભા તરફ પંચાયતના વર્તુળોની મીટ છે.

(4:00 pm IST)