Gujarati News

Gujarati News

News of Friday, 3rd January 2020

વામ્બે આવાસમાં મોબાઇલથી વિડીયો ઉતારતાં પડોશી સંજયને ટપારતાં મા-દિકરી પર ધોકાવાળી

અમિતાબેન સોંલંકી અને તેની પુત્રી જાગૃતિને સંજય, તેની પત્નિ ભાવના, સાળી ઉર્વશી-કોમલ અને મિત્ર કિરણભાઇએ મળી ધોકા-ઢીકાપાટુનો માર મારતાં સારવાર લેવી પડી

રાજકોટ તા. ૩: વામ્બે આવાસ કવાર્ટરમાં રહેતાં વણકર માતા-પુત્રીએ પડોશમાં રહેતાં શખ્સને મોબાઇલ ફોનથી તેણીનો વિડીયો ઉતારતો હોઇ તે બાબતે ઠપકો આપતાં એ શખ્સે પત્નિ, સાળી અને મિત્ર સાથે મળી બંને મા-દિકરીની ધોલધપાટ કરતાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી.

વામ્બે આવાસ કવાર્ટરમાં રહેતી અમિતાબેન રણજીતભાઇ સોલંકી (ઉ.વ.૪૦) તથા તેની દિકરી જાગૃતિ (ઉ.વ.૨૦) સિવિલ હોસ્પિટલમાં દાખલ થઇ હતી. પોતાના પર પડોશી સંજય, તેના પત્નિ ભાવના, સાળી કોમલ અને ઉર્વશી તથા સંજયના મિત્ર કિરણભાઇએ મળી હુમલો કરી ધોકા અને ઢીકા-પાટુનો માર માર્યાનું કહેતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરી હતી.

અમિતાબેનના કહેવા મુજબ તેના પતિ મજૂરી કરે છે અને પોતે પણ મજૂરી કરવા જાય છે. પોતે અને દિકરી કામે જવા કે બીજા કામ સબબ બહાર નીકળે ત્યારે સંજય તેના મોબાઇલ ફોનથી વિડીયો ઉતારતો હોઇ તે બાબતે તેને સમજાવવા જતાં તે ઉશ્કેરાઇ ગયો હતો અને પત્નિ, સાળી સહિતની સાથે મળી હુમલો કર્યો હતો. પોલીસે આક્ષેપો અંગે તપાસ હાથ ધરી છે.

(12:59 pm IST)