Gujarati News

Gujarati News

News of Thursday, 3rd January 2019

ક્રાઇમ બ્રાંચનો દરોડોઃ રૂ.૧૧.૯૭ લાખની બીલ વગરની ગર્ભનિરોધક દવા જપ્તઃ ચારની પુછતાછ

રૈયા ચોકડીએ સહકાર એન્ટરપ્રાઇઝમાં એજન્સી ધરાવતાં જતીન દેસાઇ દેસાઇ અને ભાવીન દેસાઇ તથા મેડિકલ રિપ્રેઝન્ટેટિવ પંકજ નિમ્બર્ક અને નિમેષ મહેતા હસ્તકનો જથ્થો જપ્ત કરાયોઃ ડ્રગ્સ વિભાગ પાસે અભિપ્રાય માંગતી પોલીસ : ખુશી એમટી કિટ લખેલી દવાના ૧૭૧ બોકસ કબ્જે : હેડકોન્સ. ફિરોઝભાઇ શેખ, યોગેન્દ્રસિંહ જાડેજા અને કોન્સ. સોકતખાનની બાતમી પરથી પીએસઆઇ મહાવીરસિંહ જાડેજા અને ટીમનો દરોડો : પોલીસે જેની પાસેથી દવાનો જથ્થો જપ્ત કર્યો એ ચારેય જોઇ શકાય છે

રાજકોટ તા. ૩: શહેર પોલીસે અગાઉ ગેરકાયદે ગર્ભપાત કરતી મહિલા સહિતની ટોળકીને ઝડપી લીધી હતી. ત્યાં હવે ગર્ભપાતમાં ઉપયોગમાં લેવામાં આવતી મનાતી બીલ વગરની રૂ. ૧૧ લાખ ૯૭ હજારની દવાનો જથ્થો જપ્ત કર્યો છે. ક્રાઇમ બ્રાંચે રૈયા ચોકડી પાસે એજન્સી ધરાવતાં બે વેપારી અને તેને ત્યાં આવેલા બે મેડિકલ રિપ્રેઝન્ટેટિવ (એમઆર) મળી ચાર લોકોના કબ્જામાંથી આ દવાનો જથ્થો જપ્ત કરી ડ્રગ્સ વિભાગ પાસેથી અભિપ્રાય માંગ્યો છે.

ક્રાઇમ બ્રાંચની ટીમે રૈયા ચોકડીથી આગળ શ્યામલ પ્લાઝા કોમ્પલેક્ષમાં આવેલી સહકાર એન્ટરપ્રાઇઝ નામની દૂકાનમાં દરોડો પાડી તપાસ કરતાં ખુશી એમટી કિટ લખેલી દવાઓના ૧૭૧ બોકસ મળ્યા હતાં. જેથી કિંમત રૂ. ૧૧,૯૭,૦૦૦ થાય છે. આ દવા ગર્ભનિરોધક અને ગર્ભપાત માટે ઉપયોગમાં લેવાતી હોવાનું જણાતાં મદદનીશ કમિશ્નર શ્રી ખોરાક તથા ઓૈષધ નિયમન તંત્રને જાણ કરી તપાસ માટે સેમ્પલ આપતાં દવા ગર્ભનિરોધક હોવાનું પ્રાથમિક રીતે જણાવાયું હતું. આ દવા લાયસન્સ વગર કોઇ વેંચી શકે નહિ તેમ પણ જણાવાયું હતું.

પોલીસે જ્યાં દરોડો પાડ્યો એ દૂકાન સંભાળતા ચાર શખ્સો જતીન મહેન્દ્રભાઇ દેસાઇ (ઉ.૪૧-રહે. ૧૩/૩૦૩, રેસકોર્ષ પાર્ક), પંકજ ઘનશ્યામભાઇ લિમ્બર્ક (ઉ.૩૮-રહે. નાથદ્વારા પાર્ક-૩, ભગવતી હોલ પાછળ રેલનગર), નિમેષ કાંતિલાલ મહેતા (ઉ.૪૨-રહે. જય જીનેન્દ્ર જલારામ ફરસાણ વાળી શેરી, એસ. કે. ચોક ગાંધીગ્રામ) તથા ભાવીન વામનભાઇ દેસાઇ (ઉ.૫૭-રહે. મનમંદિર, જલારામ-૩) સામે કાર્યવાહી કરી છે. જેમાં ભાવીન અને જતીન દૂકાનદાર છે અને બાકીના બે એમઆર છે. આ ચારેય હસ્તકનો દવાનો જથ્થો કયાંથી આવ્યો? તેની પાસે આ દવા વેંચવાનું લાયસન્સ છે કે કેમ? કેટલા સમયથી કયાં-કયાં સપ્લાય થાય છે? તે સહિતની તપાસ થઇ રહી છે. હાલ આ દવાનો જથ્થો સીઆરપીસી ૧૦૨ મુજબ કબ્જે કરાયો છે.

પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ અને જોઇન્ટ પોલીસ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રી તથા ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા અને એસીપી ક્રાઇમ જયદિપસિંહ સરવૈયાએ શહેરમાં ગેરકાયદે પ્રવૃતિ સદંતર બંધ કરાવવા સુચના આપી હોઇ અને જરૂરી માહિતી મેળવી દરોડા પાડવા જણાવ્યું હોઇ તે અંતર્ગત પી.આઇ. એચ. એમ. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ મહાવીરસિંહ બી. જાડેજા, હેડકોન્સ. પ્રતાપસિંહ ઝાલા, હરદેવસિંહ, ફિરોઝભાઇ ઇકબાલભાઇ શેખ, યોગેન્દ્રસિંહ દશરથસિંહ જાડેજા, કોન્સ. સોકતખાન, અમીત ટુંડીયા, યોગીરાજસિંહ જાડેજા સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડકોન્સ. ફિરોઝભાઇ શેખ, યોગેન્દ્રસિંહ જાડેજા અને કોન્સ. સોકતખાનને મળેલી બાતમી પરથી પીએસઆઇ મહાવીરસિંહ જાડેજા અને તેમની ટીમે આ કામગીરી કરી હતી. વિશેષ તપાસ હાથ ધરવામાં આવી છે.

(3:41 pm IST)