Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

યજમાન ભારતના પ્રમુખપદ હેઠળ યોજાશે G20નું ૧૮મું અધિવેશન

ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરએ તારીખ ૨૪મી સપ્‍ટેમ્‍બર ૨૦૨૨ના રોજ (UNITED NATIONS HEADQUARTER) યુ.એન. હેડક્‍વાર્ટર ખાતે યોજાયેલા ઉચ્‍ચ સ્‍તરીય યુ.એન. જનરલ એસેમ્‍બલીના સત્રને સંબોધતા એવી જાહેરાત કરેલી કે ‘ભારત ચાલુ વર્ષના ડિસેમ્‍બર મહિનાથીજ G20ના પ્રમુખપદની શરૂઆત કરી છે.'

વિદેશ મંત્રીએ ઉચ્‍ચારેલા આ સ્‍ટેટમેન્‍ટના થોડાજ સમય બાદ ભારતના વિદેશ મંત્રાલય (MINISTRY OF EXTERNAL AFFAIRS) એ સતાવાર રીતે એ વાતને સમર્થન આપેલું કે આપણો દેશ ૧ ડિસેમ્‍બર ૨૦૨૨ થી ૩૦ નવેમ્‍બર ૨૦૨૩ સુધી G20નું પ્રમુખપદ સંભાળી અને ભારતના આખા વર્ષભરના પ્રમુખપદ દરમિયાન સમગ્ર દેશના અલગ અલગ શહેરોમાં આ પ્રભાવશાળી જૂથની ૨૦૦ થી વધુ G20-સંબંધિત વિચારો ધરાવતી બેઠકોનું આયોજન પણ કરવામાં આવશે.

વિદેશ મંત્રીએ વધુમાં એવુ પણ કહેલું કે ભારત અન્‍ય વિકાસશીલ દેશો દ્વારા સામનો કરવામાં આવતા પડકારો પ્રત્‍યે સંવેદનશીલ છે અને તે દેવા, આર્થિક વૃદ્ધિ, ખાદ્ય, ઉર્જા સુરક્ષા અને ખાસ કરીને પર્યાવરણના ગંભીર મુદ્દાઓને ઉકેલવા માટે અન્‍ય G20 સભ્‍યો સાથે મળીને કામ કરશે તેમજ ‘બહુપક્ષીય નાણાકીય સંસ્‍થાઓના શાસનમાં સુધારો એ ભારતની મુખ્‍ય પ્રાથમિકતાઓમાંની એક બની રહેશે.'

G20ના પરંપરા મુજબ તેના સભ્‍યો દેશો ઉપરાંત કેટલાક અતિથી દેશો અને અંતરરાષ્ટ્રીય સંગઠનોને તેની G20 બેઠકો અને સમિટમાં આમંત્રિત કરવાના હોય નિયમિત આંતરરાષ્ટ્રીય સંસ્‍થાઓ (UN, IMF, WORLD BANK, WHO, WTO, ILO, FSB અને OECD) અને પ્રાદેશિક સંસ્‍થાઓ (AU, AUDA-NEPAD, ASEAN ) ઉપરાંત બાંગ્‍લાદેશ, ઇજિપ્ત, મોરેશિયસ, નેધરલેન્‍ડ, નાઇજીરીયા, ઓમાન, સિંગાપોર, સ્‍પેન અને UAEને મહેમાન દેશો તરીકે તેમજ ISA (ઇન્‍ટરનેશનલ સોલર એલાયન્‍સ), CDRI (કોલિશન ફોર ડિઝાસ્‍ટર રેઝિલિયન્‍ટ ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર) અને ADB (એશિયન ડેવલપમેન્‍ટ બેંક)ને અતિથિ આંતરરાષ્ટ્રીય સંસ્‍થાઓ તરીકે G20માં ભાગ લેવા હાજર રહેશે.

G20નું પ્રમુખપદ તેના સભ્‍ય દેશોની વચ્‍ચે દર વર્ષે સતત બદલાતું રહે છે અને પ્રમુખપદ ધરાવતો દેશ તેની અગાઉના પ્રમુખપદ ધરાવતા દેશ તેમજ તેમના પછીનું પ્રમુખપદ ધરાવનાર દેશ સાથે મળીનેᅠઞ્‍૨૦ કાર્યસૂચિની સાતત્‍યતા સુનિヘતિ કરવા માટે ટ્રોઇકા (TROIKA)ની રચના કરે છે.

ટ્રોઇકા એટલે કે ત્રણ દેશોનો સાથે મળેલો એક એવો સમૂહ કે જેમાં G20નું આયોજન કરનાર યજમાન દેશ તેના પુરોગામી અને અનુગામી દેશો સાથે મળીને કામ કરે છે. આમ ત્રણ દેશોની ત્રિપુટી સાથે મળીને કામ કરતી હોવાથી તેને ટ્રોઇકા તરીકે ઓળખવામાં આવે છે.ᅠ

ગઈ G20ની ૧૭મી બેઠકમાં ઇટાલી, ઇન્‍ડોનેશિયા અને ભારત ટ્રોઇકા દેશો હતા જયારે ભારતે આ ચાલુ ડીસેમ્‍બર મહિનાની ૧લી  તારીખથી G20નું પ્રમુખ પદ સંભાળતા તે તેના પુરોગામી દેશ ઇન્‍ડોનેશિયા અને અનુગામી દેશ બ્રાઝિલ સાથે ટ્રોઇકાનો ભાગ બનશે.

G20 સમિટના ૧૭ વર્ષોના ઇતિહાસમાં આ પહેલી વખત એવું બનવા જઈ રહ્યું છે કે જેમાં ટ્રોઇકા ત્રણ વિકાસશીલ દેશો અને ઉભરતી અર્થવ્‍યવસ્‍થાઓનો સમાવેશ કરશે અને તેમને વધુ પ્રગતિશીલ બનાવવાની યોગ્‍ય દિશામાં કામ કરશે.

G20એ ૧૯ દેશો અને EU અર્થાત EUROPEAN UNION (યુરોપના ૨૭ સભ્‍યો દેશોનું ઉચ્‍ચ રાષ્ટ્રીય, રાજકીય અને આર્થીક સંઘ) મળીને કુલ ૨૦નો સમાવેશ કરતું ‘ગ્રૂપ ઓફ ટ્‍વેન્‍ટી'નું વિશ્વની મુખ્‍ય વિકસિત અને વિકાસશીલ અર્થવ્‍યવસ્‍થાઓને એકસાથે લાવનારું આંતર-સરકારી અને અગ્રણી વૈશ્વિક મંચ છે જે વૈશ્વિક અર્થતંત્રને લગતા આંતરરાષ્ટ્રીય નાણાકીય સ્‍થિરતા, આબોહવા, પરિવર્તન શમન અને ટકાઉ વિકાસ જેવા મુખ્‍ય મુદાઓને સંબોધવા માટેનું કામ કરે છે.

G20એ (INDUSTRIAL) ઔદ્યોગિક અને (DEVELOPING NATIONS) વિકાસશીલ રાષ્ટ્રોᅠસહિત વિશ્વની મોટા ભાગની સૌથીᅠમોટી અર્થવ્‍યવસ્‍થાઓથીᅠબનેલું છે જે (GROSS WORLD PRODUCT) ગ્રોસ વર્લ્‍ડ પ્રોડક્‍ટના લગભગ ૮૦%, આંતરરાષ્ટ્રીય વેપારના ૫૯.૭૭%, વૈશ્વિક વસ્‍તીનાᅠબે તૃતીયાંશ ભાગ,ᅠઅનેᅠવિશ્વના જમીન વિસ્‍તારનાᅠ૬૦% હિસ્‍સો ધરાવે છે અને આમ તે વૈશ્વિક જીડીપીના ૮૫ ટકા, આંતરરાષ્ટ્રીય વેપારના ૭૫ ટકા અને વિશ્વની બે તૃતીયાંશ વસ્‍તી ધરાવતું હોવાથી તેને આંતરરાષ્ટ્રીય આર્થિક સહયોગ માટેના મુખ્‍ય મંચ તરીકે સ્‍થાપવામાં આવેલ છે.ᅠ

G20એ આર્થિક નીતિના આંતરરાષ્ટ્રીય સંકલનને લક્ષ્યમાં રાખીને બીજા વિશ્વયુદ્ધ પછીની પહેલ કરનારુ સૌથી આધુનિક જૂથ છે, જેમાં હવે ‘બ્રેટન વુડ્‍સ ટ્‍વિન્‍સ', ‘ઇન્‍ટરનેશનલ મોનેટરી ફંડ' અને ‘વર્લ્‍ડ બેંક'  ‘વિશ્વ વેપાર સંગઠન' જેવી સંસ્‍થાઓનો સમાવેશᅠથાય છે.

G20ના પ્રથમ અધ્‍યક્ષ તરીકે પસંદગી પામેલા કેનેડાના ભૂતપૂર્વ વડા પ્રધાન પોલ માર્ટિનને G20ની રચનાના ‘નિર્ણાયક આર્કિટેક્‍ટ' તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે તેમણે અને ભૂતપૂર્વ યુએસ ટ્રેઝરી સેક્રેટરી લોરેન્‍સ સમર્સે ૧૯૯૦ના દશકના ઉતરાર્ધમાં ઉભરતા બજારોમાં વ્‍યાપક દેવાની કટોકટીની શ્રેણીના પ્રતિભાવમાં સૌપ્રથમ વખત જી૨૦ની કલ્‍પના કરીᅠહતી.

તેમણે શરૂઆત ‘મેક્‍સીકન પેશો કટોકટી'ના સમયથીᅠકર્યા બાદᅠવર્ષ ૧૯૯૭ની ‘એશિયન નાણાકીય કટોકટી' અને સાલ ૧૯૯૮ની ‘રશિયન નાણાકીય કટોકટી' અને છેવટે યુનાઇટેડ સ્‍ટેટ્‍સ ઓફ અમેરિકા પર સૌથી વધુ અસર કરનાર વર્ષ ૧૯૯૮ના પાનખર માંᅠઅગ્રણી હેજ ફંડ લોંગ ટર્મ કેપિટલ મેનેજમેન્‍ટના પતન બાદ જુન ૧૯૯૯ની કોલોન સમિટમાં G20ને પૂર્વદર્શિત કરી હતી.

ત્‍યારબાદ તારીખ ૨૬મી સપ્‍ટેમ્‍બર ૧૯૯૯ના રોજ જર્મનીના બર્લિન ખાતે ૧૫-૧૬ ડિસેમ્‍બર ૧૯૯૯ના રોજ ઉદ્‍ઘાટન બેઠક સાથે G7ના નાણા મંત્રીઓની બેઠકમાં ઔપચારિક રીતે G20ની સ્‍થાપના થઇ હતી જેનો શ્રેય જર્મની અને યુનાઇટેડ સ્‍ટેટ્‍સને જાય છે જેમણે તેમના વિઝનને વાસ્‍તવિકતામાં લાવવામાં મુખ્‍ય ભૂમિકાઓ ભજવી હતી.ᅠ

આમ G20ના સ્‍થાપના વર્ષ ૧૯૯૯માં વિશ્વની અનેક આર્થીક કટોકટીના જવાબમાં કરવામાં આવી હતી અને સાલ ૨૦૦૮થી તે વર્ષમાં ઓછામાં ઓછા એક વખત આયોજિત કરવામાં આવે છે.

G20ની બેઠક દરમ્‍યાન ૧૯ દેશોના વડા, નાણાપ્રધાન, વિદેશ પ્રધાન અને/અથવા અન્‍ય ઉચ્‍ચ કક્ષાના અધિકારીઓ સામેલ હોય છે. જેમાં EU (યુરોપિયન યુનિયન)નું પ્રતિનિધિત્‍વ યુરોપિયન કમિશન અને યુરોપિયન સેન્‍ટ્રલ બેન્‍ક દ્વારા કરવામાં આવે છે જેમાં અન્‍ય દેશો, આંતરરાષ્ટ્રીય સંસ્‍થાઓ અને બિન આંતરરાષ્ટ્રીય સંસ્‍થાઓને સમિટમાં હાજરી આપવા માટે આમંત્રિત કરવામાં આવે છે.

G20એ EU(યુરોપિયન યુનિયન) ઉપરાંત આજર્ેિન્‍ટના, ઓસ્‍ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, ફ્રાન્‍સ, જર્મની, ભારત, ઇન્‍ડોનેશિયા, ઇટાલી, જાપાન, રિપબ્‍લિક ઓફ કોરિયા, મેક્‍સિકો, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, તુર્કી, યુકે અને યુએસ જેવા ૧૯ દેશોના સમાવેશથી બનેલું ગ્રૂપ ઓફ ટ્‍વેન્‍ટીનું જૂથ છે.

G20 સમિટની થીમ દર વર્ષે બદલાતી રહે છે અને તેનું પ્રાથમિક ધ્‍યાનᅠવૈશ્વિક અર્થતંત્રનુંᅠશાસન રહ્યું છે.ᅠવર્ષ ૨૦૦૬ની G20ના મંત્રી સ્‍તરીય બેઠકનીᅠથીમᅠ‘નિર્માણ અને ટકાઉ સમૃદ્ધિ' હતી અને તેના પર ચર્ચા કરાયેલા મુદ્દાઓમાં ‘સતત વૃદ્ધિ' હાંસલ કરવા માટે સ્‍થાનિક સુધારાઓ, વૈશ્વિક ઉર્જા અને સંશાધન કોમોડિટી બજારો, વિશ્વ બેંક અને IMF ના સુધારા અને વસ્‍તી વિષયક ફેરફારોની અસરનો સમાવેશ થાય છે.

G20 એ શરૂ શરૂમાં વ્‍યાપક મેક્રો ઇકોનોમિક પોલિસી પર ધ્‍યાન કેન્‍દ્રિત કરેલું પરંતુ ત્‍યારબાદ વેપાર, આબોહવા પરિવર્તન, ટકાઉ વિકાસ, ઉર્જા, પર્યાવરણ, આબોહવા પરિવર્તન, ભ્રષ્ટાચાર વિરોધી વગેરે મુદાઓને આવરી લેવા માટે તેની મર્યાદાનો વિસ્‍તાર વધાર્યો હતો.

આ વખતની G20 સમિટના હાલના ૧૮મા શિખર સંમેલનની પ્રમુખગીરી તથા યજમાનગીરી ભારત દ્વારા કરવામાં આવેલ હોય  ભારતે તારીખ ૧ ડીસેમ્‍બર ૨૦૨૨થી તેના G20 પ્રમુખપદની શરૂઆત આર્થિક મંદી અને આબોહવા સંકટ જેવા વૈશ્વિક પડકારોનો સામનો કરવા આતંકવાદ વિરોધી અને ‘એકતા' પર ધ્‍યાન કેન્‍દ્રિત કરીને કરી હતી.

ભારતની આગામી G20ની પ્રાથમિકતાઓ મજબૂત થવાની પ્રક્રિયાની તરફેણમાં છે જેના મહત્‍વના મુદાઓ ᅠપર્યાવરણને સ્‍વચ્‍છ રાખવા માટેની જીવનશૈલી,ᅠપગભર થઈને સશક્‍ત થાય એ માટે મહિલા સશક્‍તિકરણ,ᅠઆરોગ્‍ય, કૃષિ અને શિક્ષણથી લઈને વાણિજય, કૌશલ્‍ય-મેપિંગ, સંસ્‍કૃતિ અને પ્રવાસન સુધીના ક્ષેત્રોમાં ડિજિટલ પબ્‍લિક ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર અને ટેક-સક્ષમ વિકાસ, આબોહવા ધિરાણ, પરિપત્ર અર્થતંત્ર, વૈશ્વિક ખાદ્ય સુરક્ષા, ઊર્જા સુરક્ષા,ᅠલીલો હાઇડ્રોજન, આપત્તિ જોખમ ઘટાડો અને સ્‍થિતિસ્‍થાપકતા, વિકાસલક્ષી સહકાર, આર્થિક ગુના સામે લડત,ᅠઅને બહુપક્ષીય સુધારાઓ જેવા મુદાઓ પર પણ ભાર  મુકવામાં આવશે.

ભારતની યજમાની અને પ્રમુખપદ હેઠળ સપ્‍ટેમ્‍બર ૨૦૨૩માં યોજાનારી ઞ્‍૨૦ સમિટના ભાગરૂપે ભારતના કાશ્‍મીરથી કન્‍યાકુમારી સુધીના ૫૦ થી વધુ શહેરોમાં G20 સભ્‍ય-રાષ્ટ્રો, આમંત્રિતો અને સંગઠનોની ૨૦૦ જેટલી વિવિધ ક્ષેત્રીય  બેઠકોનું આયોજન કરવામાં આવ્‍યું છે અને વર્ષ દરમિયાન આ સભાઓ જમ્‍મુ અને કાશ્‍મીર સહિતના એવા સ્‍થળોએ યોજવામાં આવશે જયાં ભારતની સુંદરતા અને સમૃદ્ધિ દર્શાવવા માટે ભાગ્‍યે જ મુલાકાત લેવામાં આવે છે.

દેશના લોકો ભારતના G20ના પ્રમુખપદ અને યજમાનીથી એટલા બધા ખુશ છે કે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્ર મોદીજીએ રવિવારે તેમના માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત'ની ૯૫મી આવૃત્તિને સંબોધિત કરતી વખતે એવું કહેલું કે દેશભરના લોકોએ તેમને લખ્‍યું હતું કે તેઓને ગર્વ છે કે ભારતને અમૃત કાલ હેઠળ G20ના પ્રમુખપદની જવાબદારી મળી છે જે આપણા માટે એક તક છે. આપણે વૈશ્વિક સારા પર ધ્‍યાન કેન્‍દ્રિત કરવું પડશે, પછી તે શાંતિ હોય, એકતા હોય કે ટકાઉ વિકાસ હોય, ભારત પાસે આ બાબતોથી સંબંધિત પડકારોનો ઉકેલ છે.

વડાપ્રધાન મોદીજીએ G20 માટે જે ‘વન અર્થ'ની થીમ આપી છે તે ‘વસુધૈવ કુટુંબકમ' એટલે કે એકજ પૃથ્‍વી, એકજ પરિવાર અને એકજ ભવિષ્‍યની છે. મોદી સાહેબે આપેલા વિજય મંત્ર ‘સૌનો સાથ સૌનો વિકાસ'માં માનનારા આપણા ભારત દેશના વિચારોમાં પોતાની સાથે સૌકોઈને ભલાઈ કરવાનો સર્વવ્‍યાપી સંકલ્‍પ રહેલો છે.ᅠ

દેશના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ પોતેજ ભારતમાં G20ના લોગો, થીમ અને વેબસાઈટ લોન્‍ચ કરી છે. તેમણે દેશભરના કલાકારોને પોતાનું કૌવત બતાવવા માટે G20ના લોગો માટે સમગ્ર દેશમાં કોમ્‍પિટિશન આયોજિત કરી હતી જેના સમર્થનમાં તેમને હજારો સર્જનાત્‍મક વિચારો મળ્‍યા હતા.

G20 લોગોના લોન્‍ચિંગમાં ભારતના નાગરિકોએ આપેલા  યોગદાન પર પ્રકાશ પાડતા મોદીજીએ દરેકનો આભાર માન્‍યો હતો અને કહ્યું હતું કે આ સૂચનો વૈશ્વિક ઘટનાનો ચહેરો બની રહ્યા છે.ᅠ

G20નો લોગો માત્ર કોઈ લોગો નથી તેની નોંધ કરતાં મોદીજીએ  કહેલું કે તે એક સંદેશ છે, એક લાગણી છે જે ભારતની નસે નસમાં દોડી રહી છે.ᅠG20ના લોગોનું અનાવરણ કરતા શ્રી મોદીજીએ કહેલું કે લોગોમાંનું કમળ ભારતના પ્રાચીન વારસા, વિશ્વાસ અને વિચારનું પ્રતીક છે.ᅠઅદ્વૈતની ફિલોસોફી તમામ જીવોની એકતા પર ભાર મૂકે છે જે આજના સંઘર્ષોના ઉકેલનું માધ્‍યમ બનશે.

G20નો લોગો અને થીમ ભારતના ઘણા મુખ્‍ય સંદેશાઓનું પ્રતિનિધિત્‍વ કરે છે જેમ કે ‘યુદ્ધમાંથી મુક્‍તિ માટે બુદ્ધનો સંદેશ, હિંસાનો સામનો કરવા માટે મહાત્‍મા ગાંધીના ઉકેલો.'

શ્રી મોદી સાહેબે વધુમાં કહેલું કે G20 દ્વારા ભારત એક નવી ઊંચાઈ આપી રહ્યું છે.વડા પ્રધાને ટિપ્‍પણી કરી હતી કે ભારતનું G20 પ્રમુખપદ સંકટ અને અરાજકતાના સમયે આવી રહ્યું છે.ᅠતેમણે રેખાંકિત કર્યું હતું કે વિશ્વ એક સદીમાં એક વખતના વિક્ષેપજનક વૈશ્વિક રોગચાળા, સંઘર્ષો અને ઘણી બધી આર્થિક અનિヘતિતાના પરિણામોનો સામનો કરી રહ્યું છે.ᅠ

G20ના લોગોમાંનું કમળ આવા મુશ્‍કેલ સમયમાં પણ આશાનું પ્રતીક છે. વિશ્વ ભલેને ગહન સંકટમાં હોય આપણે હજી પણ તેને વધુ સારું સ્‍થાન બનાવવા માટે પ્રગતિ કરી શકીએ તેમ છીએ.ᅠ

ભારતની સંસ્‍કૃતિ પર પ્રકાશ ફેંકતા પ્રધાનમંત્રી મોદીજીએ ઉલ્લેખ કર્યો કે જ્ઞાન અને સમૃદ્ધિની બંને દેવીઓ કમળ પર બિરાજમાન છે.ᅠત્‍યારબાદ તેમણે G20 ના લોગોમાં કમળ પર મૂકેલી પૃથ્‍વી તરફ ધ્‍યાન દોર્યું અને કહેલું કે વહેંચાયેલ જ્ઞાન આપણને મુશ્‍કેલ સંજોગોને પાર કરવામાં મદદ કરે છે જયારે વહેંચાયેલ સમૃદ્ધિ આપણને છેલ્લા માઈલ સુધી પહોંચવામાં સક્ષમ બનાવે છે.ᅠતેમણે કમળની સાત પાંખડીઓનું મહત્‍વ સમજાવતા કહ્યું કે તેઓ સાત ખંડો અને સાત સાર્વત્રિક સંગીતની નોંધોનું પ્રતિનિધિત્‍વ કરે છે.ᅠવધુમાં મોદીજીએ એવું કહેલું કે  ‘જયારે સાત સંગીતની નોંધો એક સાથે આવે છે, ત્‍યારે તેઓ સંપૂર્ણ સંવાદિતા બનાવે છે અને G20નો ઉદ્દેશ્‍ય વિવિધતાને માન આપીને વિશ્વને સુમેળમાં લાવવાનો છે.

ભારતની આઝાદીના ૭૫માં વર્ષ પર પ્રકાશ પાડતા મોદીજીએ કહેલું કે સરકાર આઝાદી કા અમૃત મહોત્‍સવ ઉજવી રહી છે અને  આઝાદી પછીથી તમામ સરકારો અને લોકોએ દેશના વિકાસના માર્ગમાં મહત્‍વનું યોગદાન આપ્‍યું છે.

અત્રે એ બાબત નોંધનીય છે કે આ એક ખૂબ જ દુર્લભ પ્રસંગ છે જયારે પીએમ મોદીજીએ ભારતના વિકાસમાં અગાઉની સરકારોના મહત્‍વપૂર્ણ યોગદાનનો ઉલ્લેખ કર્યો હતો.ᅠ

દેશની લોકશાહી પરંપરાઓના સંદર્ભમાં શ્રી મોદીજીએ એવો  ઉલ્લેખ કરેલો કે ભારત વિશ્વને બતાવવાની ક્ષમતા ધરાવે છે કે સંસ્‍કૃતિ તરીકે લોકશાહી કેવી રીતે સંઘર્ષના અવકાશને ઘટાડે છે. તેમણે ટકાઉ પર્યાવરણ પર ભાર મૂક્‍યો અને કહ્યું કે વિકાસ અને પર્યાવરણ (પ્રગતિ અને પ્રકૃતિ) એક સાથે ચાલી શકે છે.

G20ના યજમાન બનેલા ભારતની G20ની સૌથી પહેલી શેરપા બેઠક આવનારી તારીખ ૫ ડીસેમ્‍બર ૨૦૨૨ના રોજ રાજસ્‍થાનના ઉદયપુર ખાતે યોજાનારી છે. બેઠકમાં ભાગ લેવા આવનારા તમામ આમંત્રિતો તેમજ મહેમાનો માટે ઉદયપુરની ફાઈવસ્‍ટાર હેરીટેજ હોટેલોમાં ૨૦૦થી વધુ રૂમો બુક કરવામાં આવ્‍યા છે અને આખા ઉદયપુરમાં રસ્‍તાઓનું નવીનીકરણ કરવામાં આવ્‍યું છે અને શહેરની આખી સકલ બદલી નાખવામાં આવી છે.

ભારતના દરેક નાગરિક માટે એ ગર્વની વાત છે કે G20ની આવડી મોટી ઇવેન્‍ટ ઘરના આંગણે આપણા દેશની યજમાનગીરી અને પ્રમુખપદ હેઠળ સાકાર થવા જઈ રહી છે જેની દુનીયભરમાં વિશેષ નોંધ લેવાશે.

વિશ્વભરમાં કાયમ અમન, શાંતિ અને ભાઈચારો ઈચ્‍છતા ભારત દેશ પાસે માત્ર G20ના દેશોજ નહિ પરંતુ આખી દુનિયા ભારત પાસેથી એવી આશા અને અપેક્ષા સેવી રહી છે કે ભારત દુનિયાની શાંતિ અને સુરક્ષા માટે મહત્‍વની ભૂમિકા ભજવે અને વિશ્વ ગુરૂ તરીકેની તેની બંધાઈ ગયેલી ઈમેજને સાર્થક કરે.

કમલ ફૂલસિંહ જારોલી

એડવોકેટ અને નોટરી

૮૧૬૦૩ ૧૧૦૧૬

kamalfjaroli@gmail.com

(4:26 pm IST)