Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

હમ પૈરો સે નહિ, હોંસલોસે ઉડા કરતે હૈ

કાલે વિશ્વ વિકલાંગ દિવસ

વિકલાંગ (દિવ્યાંગ) વ્યકિતઓને સમાન તક આપવા અને તેમના અધિકારોની  અનુભૂતિ કરાવવા માટે દર વર્ષે ૩ ડિસેમ્બરે વિશ્વ વિકલાંગ(દિવ્યાંગ) દિવસ મનાવવામાં આવે છે. વિકલાંગ (દિવ્યાંગ) વ્યકિતઓના માનવ અધિકારો, સ્થાયી વિકાસ તેમજ વાસ્તવિક જીવનમાં સહાયતા અપાવવા માટે આ દિવસને મનાવવામાં આવે છે. આ ઉપરાંત આ દિવસ ઉજવવાનો હેતુ રાજકીય, સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક જીવનના દરેક પાસામાં વિકલાંગ(દિવ્યાંગ) વ્યકિતઓની પરિસ્થિતિ વિશે જાગરૃકતા વધારવાનો છે.

કયારેક સમાજમાં થતી આવા વ્યકિતઓની અવગણના અને તેમના પ્રત્યે લઘુતા ગ્રંથિ રાખવામાં આવે છે જે એક સભ્ય સમાજ ધરાવતા દેશ માટે સારી બાબત ન કહેવાય વળી કયારેક તેમના પ્રત્યે વધુ પડતી દયા જતાવીને તેમને અકળાવી મારવામાં આવે છે, સ્કીલ ઇન્ડિયા  અને મેક ઇન  ઇન્ડિયા દ્વારા સરકાર યુવાનો માટે નવી નવી રોજગારીની તકો ઉભી કરવાનો સતત પ્રયાસ કરી રહી છે, પરંતુ કોણ જાણે એવું તો શું છે કે એક  વિદ્યાર્થી પોતાની અણઆવડતો માટે કાયમ બીજાને દોષ આપતો રહે છે.

છેલ્લે પોતાનાથી ન થયેલા કામ કે પોતે ન કરવા માંગતા કામના દોષનો ટોપલો ઢોળવા કોઇ ન મળે તો અંતે મારી તો કિસ્મત જ ખરાબ છે એવું કહીને પોતાનું મન મનાવતો રહે છે તેમને હાથે કરીને સમય અને પ્રયત્નો કરવા માટેનો ચાન્સ બગાડવા પાછળ આ એક બહુ મોટું બહાનું મળી રહે છે. વળી આળસ અને કામ ન કરવાની પરાકાષ્ઠા તો કાયમની સમસ્યા રહેવાની જ. આજની યુવા પેઢી એક એવી પેઢી છે જેને ઊંઘ કરવી તો ખૂબ ગમે છે પણ સમયસર સુઇ જવુ નથી એવી જ રીતે તેનામાં આવડત અને કયાંક જ્ઞાન પણ હોય છે પરંતુ તેને સાચી દિશામાં ઇસ્તેમાલ કરવું કે કામ કરવું ગમતું નથી ત્યારે સ્ટીફન હોકિંગ, હેલન કેલર જેવા  મહાનાયકો તેમજ ભારતીય મૂળના સુધા ચંદ્રન, એચ રામક્રિશ્ન, અરુણીમાં સિન્હા જેવી મહાન વ્યકિતઓને કે જેમને પોતાના અંગોમાં કોઇને કોઇ તકલીફો હતી છતા પણ તેઓએ સફળતાના શિખરોને સર કર્યા છે તેમના ઉદાહરણો લઇને પ્રેરણા મેળવવી જોઇએ અને જીવનમાં નાની મોટી મુશ્કેલીઓ આવે તો હિંમત ન હારવી જોઇએ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ પણ વિકલાંગ વ્યકિતઓને દિવ્યાંગ તરીકે સંબોધીને ખુબ માન સન્માન આપ્યુ છે અને કેન્દ્ર સરકાર તેમજ રાજય સરકારો પણ દિવ્યાંગો માટે, તેમની મદદ કરવા વિવિધ યોજનાઓ ઘડી રહયા છે તેમને સન્માન આપી રહયા છે. સામાન્ય રીતે એવું પણ જોવામાં આવ્યુ છે કે ઇશ્વર પણ આવા દિવ્યાંગ બાળકોને એવા જ લોકોના ઘરે મોકલતો હોય છે જે એમને સાચવવા માટે સક્ષમ હોય અને આવા  બાળકોના ઘરમાં આવ્યા પછી એ પરિવારોની દરેક રીતે પ્રગતિ પણ થઇ હોય, કારણકે આવા બાળકોના મૂંગા અને નિર્દોષ આશીર્વાદ પરિવારને સતત મળ્યા કરતા હોય છે. દિવ્યાંગ વ્યકિતઓ સમાજનો જ એક ભાગ છે માટે તેમને કાયમ સમાન અને સન્માનની દ્રષ્ટિએ જ જોવા જોઇએ તેમજ અન્યોની સામે વર્ણવવા જોઇએ અને માણસ જયારે સંપૂર્ણ સ્વસ્થ સને રુષ્ટપુષ્ટ જ હોય ત્યારે એણે પોતાના કાર્યો પ્રત્યે મનથી વિકલાંગ કે પાંગળું ન જ થવું જોઇએ (મિતલ ખેતાણી મો.૯૮૨૪૨ ૨૧૯૯૯)

(4:06 pm IST)