Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

રૂ.પાંચ લાખના વળતરના કેસમાં ચામુંડા મંડપ સર્વિસના માલીકને એક વર્ષની સજા અને પાંચ લાખ ચુકવવા હુકમ

રાજકોટ, તા.૨: રૂ.૫,૦૦,૦૦૦/ના ચેક રીર્ટનના ચામુંડા મંડપ સર્વિસના માલીકને એક વર્ષની જેલ સજા તેમજ રૂ.૫,૦૦,૦૦૦/ વળતર પેટે ચુકવવા કોર્ટ હુકમ કર્યો હતો. તેમજ જો આરોપી રૂ.૫,૦૦,૦૦૦/ વળતર ૩૦ દીવસમા ન ચુકવે તો વધુ ૬ માસની જેલ સજાનો હુકમ કર્યો હતો.

ફરીયાદની વિગત એવી છે કે આ કામના ફરીયાદી ધર્મેન્દ્રભાઇ ભવાનભાઇ છંછરીયા રહે.રાજકોટવાળા કુવાડવા મુકામે ગણેશ ફેબ્રીકેશનના નામની પેઢી પ્રોપરાઇટર દરજજે ચલાવે છે અને વેડીંગ ડેકોરેશનને લગત અલગ અલગ પ્રકારની વસ્તુઓ બનાવવાની ફેબ્રીકેશનને લગતુ કામકાજ ધરાવે છે. તેમજ આ કામના આરોપી ચતુરભાઇ પોપટભાઇ મેથીયા ચામુંડા મંડપ સર્વીસના નામે પ્રોપરાઇટર દરજજે મુ.સુદામણા તા.સાયલા જી.સુરેન્દ્રનગરમાં પેઢી ચલાવે છે. આમ ફરીયાદી તથા આરોપી વચ્ચે ધંધાકીય સંબંધો રહેલા છે. આરોપી દ્વારા ફરીયાદી પાસેથી તેમની જરૂરીયાત મુજબનો કટકે કટકે માલ ઉધારમાં ખરીદ કરેલ હતો.

ત્યારબાદ ફરીયાદી પેઢીની બીલ મુજબની બાકી લેણી રકમ પેટે આરોપીએ ફરીયાદીને સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકનો રૂ.૫,૦૦,૦૦૦/નો ચેક આરોપીએ સહી કરીને આપેલ.

ત્યારબાદ સદરહું કેસ ચાલવા પર આવેલ અને આખર દલીલમાં જયારે ફરીયાદીના વકીલશ્રી અલ્પેશ વી.પોકીયા દ્વારા આરોપીને ચેક રીટર્ન કેસમાં રાહત મળી શકે નહી, સમાજમાં ચેક રીર્ટન થવાના કેસો વધી રહેલ હોય જેથી આવા આરોપીને સબક શીખડાવવો જોઇએ, અને કાયદાકીય જોગવાઇઓ મુજબ આરોપીએ કરેલ ગંભીર ગુન્હા સંબંધે સખ્તમાં સખ્ત સજા થવી જોઇએ, તેવી દલીલો કરીને, તે સબંધેના વડી અદાલતોના ચુકાદાઓ રજુ રાખેલ હતા. આમ, ફરીયાદીના એડવોકેટની દલીલો માન્ય રાખી આરોપી ચામુંડા મંડપ સર્વીસના પ્રોપરાઇટર ચતુરભાઇ પોપટભાઇ મેથીયાને તેમણે કરેલ ગંભીર ગુન્હા બદલ અદાલતે નેગો.ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ -૧૩૮ના ગુના સબબ તકસીરવાન ઠેરવી ૧ વર્ષની સાદી કેદની સજા અને ક્રિ.પ્રો.કોડની કલમ ૩૫૭ (૩) અન્વયે  રૂ.૫,૦૦,૦૦૦/ ફરીયાદીને વળતર પેટે દીન-૩૦મા ચુકવવાનો હુકમ કરેલ અને જો આરોપી વળતર ન ચુકવે તો વધુ ૬ માસની સાદી જેલ સજા કરવાનો હુકમ એડી.ચીફ.જયુ.કોર્ટએ ફરીયાદીની તરફેણમાં હુકમ ફરમાવેલ હતો. હાલ આરોપી જેલ હવાલે છે.

આ કામના ફરીયાદી પેઢી ગણેશ ફેબ્રીકેશનના પ્રોપરાઇટર ધર્મેન્દ્રભાઇ ભવાનભાઇ છંછરીયા તરફે પી એન્ડ આર લો ચેમ્બરના ધારાશાસ્ત્રી અલ્પેશ વી.પોકીયા, વંદના એચ.રાજયગુરૂ, ભાર્ગવ પંડયા, કેતન સાવલીયા, અમીત ગડારા, પરેશ મૃગ, રીતેષ ટોપીયા વગેરે રોકાયા હતા.

(3:50 pm IST)