Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

કુછ પા લેના જીત નહી, કુછ ખો દેના હાર નહી, સિર્ફ સંજોગો કા પ્રભાવ હૈ, પરિવર્તન સમય કા સ્વભાવ હૈ...

માર્કેટયાર્ડમાં જયેશ બોઘરા ચેરમેન : વસંતભાઇ ગઢિયા વાઇસ ચેરમેન

જુથવાદના લબકારા વચ્ચે આશાસ્પદ શિક્ષિત યુવા ચહેરા તરીકે પસંદગી : સુધારાત્મક પગલાઓથી યાર્ડનો વિકાસ વધારવાની નેમ

નવા શાસનના શ્રીગણેશ : બેડી માર્કેટયાર્ડ ખાતે આજે સુકાનીઓની ચૂંટણી યોજાતા એડવોકેટ જયેશ બોઘરા ચેરમેન તરીકે અને વસંતભાઇ ગઢિયા વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાઇ આવ્યા હતા. બંનેએ ચૂંટાયા બાદ તુરંત યાર્ડ સંકુલમાં જિલ્લા સહકારી બેંકના ચેરમેન જયેશ રાદડિયાની હાજરીમાં સરદાર પટેલની પ્રતિમાને ફુલહાર કરેલ. નવા સુકાનીઓને ભાજપ અને સહકારી ક્ષેત્રના આગેવાનો સર્વશ્રી લાખાભાઇ સાગઠિયા, મનસુખ ખાચરિયા, ડી.કે.સખિયા, પરસોત્તમ સાવલિયા, ડાયાભાઇ ડેલાવાળા, મનિષ ચાંગેલા વગેરેએ અભિનંદન આપ્યા હતા. (તસ્વીર : સંદિપ બગથરિયા)(૨૧.૩૮)

રાજકોટ તા. ૨ : સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ (બેડી) માર્કેટયાર્ડના ચેરમેન તરીકે યુવા એડવોકેટ જયેશ બોઘરા (રાજકોટ તાલુકો) અને વાઇસ ચેરમેન તરીકે પડધરી તાલુકાના ખોડાપીપળ ગામના વસંતભાઇ ગઢિયાની પ્રદેશ ભાજપ તરફથી પસંદગી થતા બન્ને બિનહરીફ ચૂંટાઇ આવ્યા છે. જયેશ બોઘરા રેવન્યુ એડવોકેટ છે. શિક્ષિત યુવા ચહેરા તરીકે તેમને પસંદગીમાં પ્રાધાન્ય મળ્યું છે. વાઇસ ચેરમેન બનેલા વસંતભાઇ ગઢિયા ખોડાપીપળ સહકારી મંડળીના ઉપપ્રમુખ છે. આ મંડળીમાં જિલ્લા પંચાયતના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ ડાયાભાઇ પીપળિયા પ્રમુખ છે. જિલ્લા ભાજપના જુથવાદના ફુંફાડા વચ્ચે પરિવર્તનને તમામ ચૂંટાયેલા સભ્યોએ સ્વીકાર્યુ છે. આજે સવારે યાર્ડ ખાતે બન્ને નવા સુકાનીઓએ બિનહરીફ ચૂંટાઇને શાસન સંભાળ્યું છે. બોઘરા અને ગઢિયા અનુક્રમે ડી.કે.સખિયા અને હરદેવસિંહ જાડેજાના અનુગામી બન્યા છે.

માર્કેટયાર્ડની ગયા સપ્ટેમ્બરમાં યોજાયેલ ચૂંટણીમાં કુલ ૧૬ પૈકી ૧૫ બેઠકો ભાજપ પ્રેરિત પેનલને મળેલ ચેરમેન પદ માટે જયેશ બોઘરા, પરસોત્તમ સાવલિયા, વિજય કોરાટ, કેશુભાઇ નંદાણિયા વગેરે નામ ચર્ચામાં રહેલ ખાસ સ્પર્ધા સાવલિયા અને બોઘરા વચ્ચે હતી. જેમાં બોઘરા ચેરમેન બનવામાં સફળ રહ્યા છે. શિક્ષિત યુવા ચહેરો હોવા ઉપરાંત તેમના સબંધોએ પણ મહત્વનો ભાગ ભજવ્યો છે. યુવાનોને આગળ કરવાના પ્રદેશ ભાજપના અભિગમથી તેમની પસંદગી માટે બળ મળેલ. તેઓ અગાઉ રાજકોટ લોધિકા સહકારી સંઘમાં ડીરેકટર પદે રહી ચૂકયા છે. તેમના પર અભિનંદન વર્ષા (મો. ૯૮૭૯૯ ૧૩૪૦૯) થઇ રહી છે. ગઢિયાને વાઇસ ચેરમેન પદની લોટરી લાગી છે.

માર્કેટયાર્ડની ચૂંટાયેલી પાંખની મુદત ૫ વર્ષની છે. બન્ને નવા સુકાનીઓની મુદત ૨II વર્ષ માટેની રહેશે. યાર્ડમાં મુખ્યત્વે વેપારીઓ, ખેડૂતો અને મજદૂરો સાથે સંચાલકોએ કામગીરી કરવાની રહે છે. બન્નેએ ખેડૂતો અને વેપારીઓની સુવિધા વધે તેવા સુધારાત્મક પગલા લઇને યાર્ડના વિકાસને વેગ આપવાનો નિર્ધાર કર્યો છે.(૨૧.૩૬)

વાઇસ ચેરમેનનું નામ સેન્સમાં હતું જ નહિં!

રાજકોટ તા. રઃ પડધરી તાલુકામાં કોંગી અગ્રણી ડાયાભાઇ પીપળિયાની નજીકના મનાતા વસંતભાઇ ગઢિયાનું નામ માર્કેટયાર્ડના વાઇસ ચેરમેન પદ માટે જાહેર થતા ભાજપના કાર્યકરોમાં આશ્ચર્ય ફેલાયું છે. નિરીક્ષકોએ સેન્સ લીધી ત્યારે પોતે કે અન્ય કોઇએ તેમનું નામ જ સૂચવેલ નહિં તેમની પસંદગી આશ્ચર્ય સર્જવા સાથે ભાજપની વિચારધારા અને સક્રીયતાના મુદ્દે ચર્ચાની એરણે છે તેમ ભાજપના વર્તુળોનું કહેવું છે. (૭.૩૩)

યાર્ડના સૌથી નાની વયના ચેરમેન જયેશ બોઘરા

યુવા સોચ હૈ વિકાસ કા આધાર, જો દેતી હૈ હર વિકાસ કો આકાર

રાજકોટ તા. ૨ : ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (બેડી માર્કેટયાર્ડ)ના ઇતિહાસમાં કદાચ પ્રથમ વખત સૌથી નાની વયના ચેરમેન ચૂંટાયા છે. મૂળ રાજકોટ તાલુકાના રામનગરના વતની પાટીદાર જયેશ ગોવિંદભાઇ બોઘરાનો જન્મ તા. ૯ જુલાઇ ૧૯૮૧ના દિવસે થયેલ. તેઓ ૪૧ વર્ષના છે. સહકારી, સામાજિક, રાજકીય ક્ષેત્રે તેમનું મહત્વનું યોગદાન છે. લોકસેવાનો વારસો પિતાજી પાસેથી સંભાળેલ. વર્ષોથી રેવન્યુ એડવોકેટ તરીકે કાર્યરત છે. જાહેર જીવનમાં સબંધોની માવજત સાથે ગતિથી પ્રગતિ કરી રહ્યા છે.(૨૧.૩૮)

માર્કેટયાર્ડના અત્યાર સુધીના ચેરમેનોના નામ

રાજકોટઃ માર્કેટયાર્ડની ૧૯૬૫માં સ્થાપના થઇ ત્યારથી અત્યાર સુધીના ચેરમેનોની નામાવલી (યાર્ડની વેબસાઇટ મુજબ) નીચે મુજબ છે.

. પ્રેમજીભાઇ પટેલ

. પોપટભાઇ સોરઠિયા

. ખોડીદાસભાઇ પટેલ

. ગોવિંદભાઇ જે. પટેલ

. નાગજીભાઇ પી. પટેલ

. ડાયાભાઇ પટેલ (ચાર્જ)

. રામભાઇ ડોડિયા

. રમણિકભાઇ ધામી

. અશોક ડોબરિયા

. શામજીભાઇ ખૂંટ

. રમેશ રૂપાપરા

. વિઠ્ઠલભાઇ રાદડિયા

. હરદેવસિંહ જાડેજા

. ડી.કે. સખિયા

. જયેશ બોઘરા (આજથી)

(3:29 pm IST)