Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

નવાગામનો સંજય ઉર્ફ ટકો સુધરતો જ નથીઃ મહિલા કોન્સ્ટેબલ સાથે ઝપાઝપી, હાથ મરડી ગાળો ભાંડી

ગ્રીનલેન્ડ ચોકડીએ રોંગ સાઇડમાં જતો અટકાવતાં 'તું મને ઓળખતી નથી, મને કોઇ અટકાવતું નથી' કહી બેફામ બન્યો : બીજા કર્મચારીઓને પણ પટ્ટા ટોપી ઉતારી નાંખવાની ધમકીઃ અગાઉ પણ પોલીસની ફરજમાં રૂકાવટ સહિતના અનેક ગુનામાં સંડોવણી

રાજકોટ તા. ૨: નવાગામમાં રહેતાં અને નામચીનની છાપ ધરાવતાં સંજય ઉર્ફ ટકાએ વધુ એક વખત પોલીસની ફરજમાં રૂકાવટ કરી છે. આ વખતે ગ્રીનલેન્ડ ચોકડીએ ટ્રાફિક શાખાના મહિલા કોન્સ્ટેબલે તેને રોંગ સાઇડમાં વાહન લઇને જવાની ના પાડતાં 'મને કોઇ અટકાવતું નથી, તું કોણ મને રોકવા વાળી, તું મને ઓળખતી નથી' કહી ઝપાઝપી કરી હાથ મરડી નાંખી ગાળો દઇ તેમજ બીજા સ્ટાફને પણ ગાળો ભાંડી પટ્ટા ટોપી ઉતરાવી નાંખવાની ધમકી આપતાં બી-ડિવીઝન પોલીસે ગુનો નોંધી પકડી લઇ કાયદાનું ભાન કરાવ્યું છે.

આ બનાવમાં બી-ડિવીઝન પોલીસે ટ્રાફિક શાખામાં ફરજ બજાવતાં લોકરક્ષક પોલીસ કોન્સ્ટેબલ રેખાબેન હરજીભાઇ મકવાણાની ફરિયાદ પરથી નવગામ રંગીલા સોસાયટીના નામચીન સંજય ઉર્ફ ટકો વાઘજીભાઇ રોજાસરા સામે આઇપીસી ૩૩૨, ૧૮૬, ૫૦૪ મુજબ ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી...

રેખાબેન મકવાણાએ ફરિાયદમાં જણાવ્યું છે કે મારી નોકરી છેલ્લા બે મહિનાથી ગ્રીનલેન્ડ ચોકડીના ટ્રાફિક પોઇન્ટ પર છે. બુધવારે બપોરે બે થી રાતના દસ સુધીની નોકરી હતી. મારી સાથે હેડકોન્સ. અજયભાઇ ભુંડીયા, લોકરક્ષક ધનાભાઇ ભુંડીયા, ટ્રાફિક બ્રિગેડ અમિશ પટોડીયા સહિતના પણ ડ્રેસ સાથે ફરજમાં હતાં. પૂલનું કામ ચાલુ હોઇ ડાયવર્ઝન અપાયું હોઇ જેથી ટ્રાફિકનું કામ અમે કરતાં હતાં. આ વખતે સાંજે ચારેક વાગ્યે નજીકમાં આવેલી કાઠીયાવાડી હોટેલ તરફથી એકસેસ ટુવ્હીલર જીજે૩૫જે-૦૦૦૧નો ચાલક અમારી પાસે આવી ગ્રીનલેનડ ચોકડી નજીક નેશનલ હાઇવેના નાલા તરફ રોંગ સાઇડમાંથી નીકળતાં તેને અટકાવી રોંગ સાઇડમાં ન જવા કહ્યું હતું.

આથી તેણે 'તું મને ઓળખે છે? મારું નામ સંજય ઉર્ફ ટકો રોજાસરા છે, મને અહિથી રોંગ સાઇડમાં જવાની કોઇ ના પાડતું નથી, તું કેમ મને જવા દેતી નથી' તેમ કહી ગાળો દીધી હતી. તેને ગાળો બોલવાની ના પાડતા તેના વાહનમાંથી નીચે ઉતરીને આવ્યો હતો અને મારી સાથે ઝપાઝપી કરવા માંડ્યો હતો. મારો હાથ પકડી મરડી નાંખ્યો હતો અને ડ્રેસનો કોલર પકડી મને ધક્કો મારતાં મારા શર્ટનું બટન તૂટી ગયું હતું. જેથી સ્ટાફના બીજા લોકોએ મને છોડાવી હતી.

સંજય ઉર્ફ ટકાએ સ્ટાફના બીજા માણસો સાથે પણ ઉંચા અવાજે ગાળાગાળી કરી હતી અને કહેવા માંડ્યો હતો કે-હું તમને બધાને જોઇ લઇશ, તમારા પટ્ટા ટોપી ઉતરાવી નાંખીશ, તમે મને ઓળખતા નથી. દેકારો થતાં બીજા લોકો અને ચાની કેબીનવાળા મનસુખભાઇ ભરવાડ સહિતના આવ્યા હતાં અને અમને છોડાવ્યા હતાં. એ પછી મેં કન્ટ્રોલ રૂમમાં ફોન કરતાં ગાડી આવી હતી અને અમને પોલીસ સ્ટેશને લઇ આવ્યા હતાં. મહિલા કોન્સ્ટેબલની આ ફરિયાદને આધારે બી-ડિવીઝનના હેડકોન્સ. અશ્વિનભાઇ રાઠોડે ગુનો નોંધ્યો હતો.

નોંધનીય છે કે સંજય ઉર્ફ ટકો નવાગામમાં નામચીનની છાપ ધરાવે છે અને અગાઉ પણ મારામારી તેમજ પોલીસની ફરજમાં રૂકાવટ સહિતના દસેક ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયો છે. તેમજ પાસામાં પણ જઇ આવ્યો છે.

(12:34 pm IST)