Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

રાજકોટ જિલ્લામાં રસીકરણ માટે તાલુકા વાઇઝ ટાસ્ક ફોર્સની રચના કરતા કલેકટર : દરેક પ્રાંત અધિકારી તાલુકાના અધ્યક્ષ

પ્રાંત ઉપરાંત તાલુકા આરોગ્ય અધિકારી - મામલતદાર - TDO - CDPO - TPEO - તાલુકા પંચાયત પ્રમુખ - NCCના કમાન્ડન્ટ વિગેરે કમિટિમાં લેવાયા : કોરોનાની રસીકરણ કરવાનું થશે ત્યારે સૌ પ્રથમ ડોકટરો - નર્સ - આંગણવાડીની બહેનોને અપાશે : રાજકોટ તાલુકામાં પ્રથમ તબક્કે ૧ હજારને રસીકરણ

રાજકોટ તાલુકામાં કોરોનાની રસીકરણ કરવા સંદર્ભે ટાસ્ક ફોર્સની પ્રથમ મીટીંગ પ્રાંત અધિકારી શ્રી ચરણસિંહ ગોહિલની અધ્યક્ષતામાં આજે યોજાઇ હતી.

રાજકોટ તા. ૨ : વિશ્વ વ્યાપી કોરોના મહામારીને નિયંત્રીત કરવા રસીકરણ કારગત થઇ શકે તેમ હોય અને ભારતમાં ૩ થી ૪ કંપનીઓ કોવિડ-૧૯ના રસીકરણ માટે સંશોધન અંતિમ તબક્કામાં કરી રહી હોય, ગુજરાત સરકારે રસીકરણ માટે તૈયારીઓ શરૂ કરી છે, અને સરકારની ગાઇડલાઇન મુજબ રાજકોટ જિલ્લામાં કલેકટરઆ અધ્યક્ષ પદે ડીસ્ટ્રીકટ ટાસ્ક ફોર્સ તથા તાલુકા લેવલે ઝડપી અને સુદ્રઢ રસીકરણ માટે તાલુકા ટાસ્ક ફોર્સની કલેકટરે રચના કરી દીધી છે.

કલેકટરે તાલુકા લેવલે દરેક પ્રાંતને તેમના તાલુકાના ટાસ્ક ફોર્સના અધ્યક્ષ બનાવ્યા છે, અને તેમાં તાલુકા આરોગ્ય અધિકારી, તાલુકા મામલતદાર, ટીડીઓ, સીડીપીઓ, ટીપીઇઓ, તાલુકા પંચાયત પ્રમુખ, એનસીસીના કમાડન્ટ, નહેરૂ યુવા કેન્દ્રના ડીસ્ટ્રીકટ યુથ ઓફિસર, એનએસએસના પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર વિગેરેને સામેલ કર્યા છે.

 આ કમિટિ કો-વીન સોફટવેરમાં રસીકરણ અંગે ડેટાબેઇઝ બનાવી કલેકટરને રીપોર્ટ કરશે. એચ.આર. કો-વીન સોફટવેરના સ્ટાફને ખાસ તાલીમ, રસીકરણ ઉપર તમામ પ્રકારનું મોનીટરીંગ અને માઇક્રો પ્લાનીંગ સહિતની એક ડઝન પ્રકારની કામગીરી કરી દર અઠવાડિયે મીટીંગ બોલાવી કલેકટરને રીપોર્ટ કરશે.

અત્રે એ નોંધનીય છે કે પ્રથમ તબક્કામાં રસીકરણ ડોકટરો, નર્સ, આંગણવાડીની બહેનોને અપાશે, રાજકોટ તાલુકા અને કોટડાસાંગાણી તાલુકાની ટાસ્ક ફોર્સ કમિટિના અધ્યક્ષ પ્રાંતશ્રી ચરણસિંહ ગોહિલે આજે પોતાની કમિટિની મીટીંગ બોલાવી સમીક્ષા કરી જરૂરી સુચના આપી હતી.

ઉપરોકત બંને તાલુકામાં પ્રથમ તબક્કામાં અંદાજે ૧૫૦૦થી વધુને રસીકરણ થશે, જિલ્લા પંચાયતમાં પણ જીલ્લા લેવલે હેલ્થ વર્કરનો ૪ હજારનો સ્ટાફ છે.

(3:45 pm IST)