Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

ટ્રિપલ તલલાક અને યુનિવર્સલ સિવિલ કોડના કાયદાના મુસદામાં તેમનું યોગદાન સદા યાદ રહેશે

અભયભાઈની વિદાયથી ગુજરાતનું રાજકીય -સમાજજીવન રાંક બન્યું

રાજકોટ : અભયભાઈએ સદા માટે વિદાય લઈ લીધી. હજુ ચાર મહિના પહેલાં તો આપણે રાજકોટવાસીઓ અને સૌરાષ્ટ્રવાસીઓએ ખૂબ ગૌરવભેર તેમને રાજયસભાના સભ્ય તરીકે શપથ લેતા નિહાળ્યા હતા. પણ વિધાતા કયારેક ક્રૂર બની જાય છે. વિધાતાએ અભયભાઈને આપણી પાસેથી છીનવી લીધા.પણ તેમના હજારો મિત્રો, ચાહકોના હૃદયમાં તેમનું સ્થાન સદા અમર રહેશે.

શકિતનો ભંડાર હતા અભયભાઈ.૧૯૫૪માં યુગાન્ડામાં તેમનો જન્મ થયો અને બાળપણથી જ તેમની તેજસ્વીતાનો પરિચય મળવા લાગયો. સમગ્ર યુગાન્ડાના સહુથી વધુ તેજસ્વી છાત્ર તરીકેનું બહુમાન તેમણે બાળવયે જ પ્રાપ્ત કરી લીધું હતું. યુગાન્ડામાં સિવિલ વોર સર્જાતા પરિવાર રાજકોટ આવ્યો. પરિવારને મદદરૂપ થવાના હેતુથી હજુ યુવાવસ્થામાં પગ પણ નહોતો મુકયો ત્યાં જનસતામાં પત્રકાર તરીકેની ફરજ બજાવવાનું શરૂ કરી દીધું.

અભયભાઈ વિચક્ષણ બુદ્ઘિના માલિક હતા.બી.એ. એલ. એલ.બી.નો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ૧૯૮૦માં તેમણે વકીલાત શરૂ કરી અને તે પછી સફળતાનાં સર્વોચ્ચ શિખરો સર કર્યા.તેમણે શૂન્યમાંથી સર્જન કર્યું હતું. તેમની 'અભય ભારદ્વાજ એન્ડ એસોસીએટસ' નામની લીગલ ફર્મ અનેક નવોદિત વકીલો માટે પાઠશાળા સમાન હતી. એ પેઢીમાંથી વકીલાતના પાઠ શીખનારા અનેક વકીલો અત્યારે ગુજરાતના કાનૂની જગતમાં સન્માનભર્યું સ્થાન ભોગવે છે.

અભયભાઈ શકિત અને વિદવતાનો ભંડાર હતા. નેતૃત્વના ગુણ તેમને ગળથુથીમાં મળ્યા હતા.તેમના રકતમાં રાષ્ટ્રવાદનો રંગ ભળેલો હતો. તેઓ આજીવન આર. એસ.એસ.ના સ્વયં સેવક રહ્યા.મામા સ્વ.ચીમનભાઈ શુકલના માર્ગદર્શન હેઠળ તેઓ રાજકારણના પાઠ શીખ્યા. ૧૯૮૦ના દાયકામાં એક ખૂબ આક્રમક, લડાયક, રાષ્ટ્રવાદી અને પ્રજાની નાડ પારખતાં. અભ્યાસુ યુવા નેતા તરીકે તેઓ ઉભરી આવ્યા. અભયભાઈ ખૂબ સારા અને તેજાબી વકતા હતા. શ્રોતાઓને ઝકડી રાખવાની તેમનામાં કુદરતી શકિત હતી.

એક ધારાશાસ્ત્રી તરીકે તેમણે અનેક યાદગાર વિજયો મેળવ્યા.૨૦૦૨માં ગુજરાતના કોમી રમખાણો બાદ ગુલમર્ગ સોસાયટી હત્યા કાંડના ૬૯ આરોપીઓને નિર્દોષ સાબિત કરવામાં તેમની મહત્વની ભૂમિકા હતી. ગીરના સિંહોને મધ્ય પ્રદેશના કુનો જંગલમાં લઇ જવાના નિર્ણય સામે તેઓ છેક સુપ્રીમ કોર્ટ સુધી લડ્યા અને સ્ટે પણ મેળવ્યો.તેમની વિદવતાને ધ્યાનમાં લઈ ૨૧માં કાનૂની પંચના સભ્ય તરીકે તેમની નિમણુંક કરવામાં આવી હતી. સમગ્ર ગુજરાત માટે આ એક ગૌરવવંતી ઘટના હતી. એ પંચના સભ્ય તરીકે રાજકોટના આ સપુતે ટ્રિપલ તલલાક અને યુનિફોર્મ સિવિલ કોડ જેવા અતિ મહત્વના કાયદાના મુસદાની રચનામાં અગત્યની ભૂમિકા ભજવી હતી. એન આર આઇ પતિઓ દ્વારા ભારતીય મહિલાઓ સાથે થતાં વિશ્વાસઘાત અને છેતરપિંડી વિરૂદ્ઘના કાયદાઓમાં પણ તેમણે સુધારા સૂચવ્યા હતા.કેન્દ્ર સરકારના ઔદ્યોગિક ટ્રીબ્યુનલના પ્રિસાઈડિંગ ઓફિસર જેવા મહત્વના પદ માટેની સર્ચ તથા પસંદગી સમિતિના સભ્ય તરીકેનું જવાબદારી વાળું પદ પણ તેમણે સફળતાપૂર્વક નિભાવ્યું હતું. કચ્છના ભૂતપૂર્વ કલેકટર પ્રદીપ શર્મા સામેના ભ્રષ્ટાચારના કેસમાં તેમ જ જયંત ભાનુશાળી હત્યા કેસમાં સરકારે તેમની વિશિષ્ટ વકીલ તરીકે રાજય સરકારે નિમણુંક કરી હતી. એમની આ અવિરત સેવાઓ તથા વિદવતાની કદર રૂપે ભાજપે ૨૦૨૦માં તેમને રાજય સભાની ટિકિટ આપી હતી અને અભયભાઈ એ ચૂંટણીમાં વિજય મેળવી રાજયસભાના સાંસદ બન્યા હતા. કમનસીબે સાંસદ તરીકે શપથ લીધાના થોડા દિવસો બાદ જ તેઓ કોરોનાગ્રસ્ત બન્યા અને અંતે કાળે તેમને આપણી પાસેથી છીનવી લીધા. ૬૭ વર્ષની વયે તેઓ પત્ની અલકાબેન, પુત્ર અંશ, પુત્રીઓ આશ્કા અને અમૃતા અને ભાઈ બહેનોના વીશાળ પરિવારને વિલાપ કરતા મૂકી ચાલ્યા ગયા.

અભયભાઈની ખોટ સદા સાલશે.એક જન્મજાત આર્ષદ્રષ્ટા નેતાની વિદાયથી ગુજરાતનું રાજકારણ અને સમાજજીવન રાંક બન્યું છે.રાજકોટ અને ગુજરાતની અદાલતો અને કાનૂની વર્તુળ તેમની કુશાગ્ર બુદ્ઘિમતા અને કાનૂની જ્ઞાનથી હવે વંચિત રહેશે.અભયભાઈ મહેફિલના માણસ હતા.તેમના વિશાળ પરિવારના તેઓ એક ખૂબ પ્રેમાળ માયાળુ મોવડી હતા. મિત્રો માટે તેઓ મીઠો છાંયડો હતા.તેમની આસપાસ સદા હાસ્ય અને ઉમંગનું સામ્રાજય વ્યાપ્ત રહેતું. કાયમ મિત્રોનો ડાયરો તેમની આસપાસ જામેલો રહેતો. એ ડાયરા સુના બન્યા છે. બધાને ઉષ્માભેર આવકારતો એમનો પહાડી હોંકારો હવે સાંભળવા નહીં મળે. તેમના પરિચયમાં આવનારા અનેક લોકો આજે પોતાના જીવનનો કોઈ હિસ્સો વિખૂટો પડી ગયો હોવાની લાગણી અનુભવતા હશે.કેટલાક શૂન્યાવકાશ એવા હોય છે કે તે કદી ભરી શકાતા નથી. અભયભાઈ એવો જ શૂન્યાવકાશ છોડતા ગયા.કાયમ માટે અલવીદા કરીને ચાલ્યા ગયા.પણ તેમના મિત્રો, પરિચિતો, સાથીઓ અને પરિવારજનોના હૃદયમાં તેમની સ્મૃતિ સદા અમર રહેશે.

:: શબ્દાંજલી ::

જગદીશ આચાર્ય

૯૮૨૫૨૭૪૩૭૪, રાજકોટ

સૌરાષ્ટ્રના સિનિયરમોસ્ટ જર્નાલિસ્ટ અને કોલમીસ્ટ.

(3:43 pm IST)