Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

સંઘ, રાજકારણ અને કાયદાના ક્ષેત્ર માટે અભયભાઈએ કરેલી સેવા, સમર્પણ કયારેય નહીં વિસરાય

મણીયાર પરિવારે અને સરસ્વતી શિશુમંદિરે અભયભાઈના રૂપમાં પારિવારિક સભ્ય ગુમાવતા અનહદ દુઃખઃ અપૂર્વભાઈ મણીઆર

રાજકોટઃ વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન તેમજ સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ ટ્રસ્ટ સંચાલિત સરસ્વતી વિદ્યામંદિર સંકુલના ચેરમેન અપૂર્વભાઈ મણીઆરે રાજયસભાના સાંસદ અભયભાઈ ભારદ્વાજના નિધન પર ઘેરા શોકની લાગણી વ્યકત કરી જણાવ્યું હતું કે, અભયભાઈ ભારદ્વાજના નિધનથી એક બહુ મોટી પારિવારિક ખોટ પડી છે. મોટાભાઈ સમાન વડીલ બંધુ ગુમાવ્યાનું અનહદ દુઃખ છે. અભયભાઈ ભારદ્વાજ અને તેમના સમગ્ર ભારદ્વાજ પરિવાર સાથે મણીઆર પરિવાર અને સરસ્વતી શિશુમંદિરને વર્ષો જૂના પારિવારિક સંબંધો છે. અભયભાઈ ભારદ્વાજ એક કુશળ ધારાશાસ્ત્રી, સંનિષ્ઠ સંઘ કાર્યકર અને ભાજપનાં ખરા હિતેચ્છુ હતા ઉપરાંત તેઓ બ્રહ્મસમાજનાં અગ્રણી સાથે અમારા સૌનાં આદર્શ અને પથદર્શક હતા. તેમની સાથેના અઢળક સંસ્મરણો આંખ સામે તરી અશ્રુધારામાં વહી રહી છે.

અપૂર્વભાઈ મણીઆરે ભાવુકપણે વધુમાં જણાવ્યું હતું કે, મારા પિતા પ્રવીણકાકાને અભયભાઈ ભારદ્વાજ મામા તરીકે સંબોધતા હતા. પ્રવીણભાઈ મણીઆર અને અરવિંદભાઈ મણીઆર સાથે અભયભાઈ ભારદ્વાજને ઘનિષ્ઠ સંબંધો હતા. સરસ્વતી શિશુમંદિરના પણ તેઓ માર્ગદર્શન અને મારા મોટા ભાઈ સમાન મિત્ર, માર્ગદર્શક હતા. હજુ હમણાં જ તેઓ રાજયસભાનાં સાંસદ બન્યા ત્યારે કલ્પકભાઈ મણીઆર સાથે તેમને મળી શુભેચ્છા પાઠવવાનો અવસર પ્રાપ્ત થયો હતો. સંઘની શાખામાં મેં તેમની સાથે ઘણો સમય પસાર કરેલો. સંઘ, રાજકારણ અને કાયદાના ક્ષેત્ર માટે અભયભાઈ ભારદ્વાજે કરેલી સેવા, સમર્પણ કયારેય નહીં વિસરાઈ કે તેમનું મૂલ્ય આંકી શકાય તેમ નથી એવું અપૂર્વભાઈ મણીઆરે અંતમાં જણાવી અભયભાઈ ભારદ્વાજના આત્માને શાંતિ મળે, સદ્દગતિ પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના કરી હતી.

(3:43 pm IST)