Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

ધારદાર દલીલો, વિચક્ષણ વિચારો,મનન-ચિંતન અને નક્કર નેતૃત્વનો સમન્વય એટલે અભયભાઈ : પરિવાર-સમાજ-ભાજપને મોટી ખોટ પડી

ગુજરાત ભાજપે અગ્રીમ નેતા, સમાજે લોકસેવા ને વરેલા સમર્પિત સમાજસેવક પીઢ આગેવાન ગુમાવ્યાઃ રાજુભાઇ ધ્રુવ : ભાજપને એક વિચારશીલ નેતાની ખોટ પડીઃ અભયભાઇ અનેક લોકો માટે માર્ગદર્શક-મિત્ર, વડીલની જેમ રહ્યા, પક્ષને મજબૂત કરવા તેમણે લોહી રેડ્યુ હતું, કાયદાપંચના સભ્ય હતા

રાજકોટ તા.૨ : ભાજપ અગ્રણી રાજુભાઇ ધ્રુવે અભયભાઇ ભારદ્વાજને શ્રધ્ધાંજલી આપતાં જણાવ્યુ કે ગુજરાત ભાજપે એક અગ્રણી નેતા અને સમસ્ત સમાજે હુંફાળા જાગૃત સતત સક્રિય આગેવાન ગુમાવ્યા છે. અભયભાઇ ભારદ્વાજનું સ્થાન લાંબા સમય સુધી ખાલી રહેશે. રાજયસભાના સાંસદ અને અગ્રણી વકીલ અભયભાઇના અવસાન બાદ એમના પરિવારજનને રૂબરૂ મળીને સાંત્વના પાઠવ્યા બાદ રાજુભાઇએ કહ્યું હતું કે સૌરાષ્ટ્રના સંખ્યાબંધ કાર્યકરોએ મોટાભાઈ સમાન માર્ગદર્શક વડીલમિત્ર ગુમાવ્યા છે.

અભયભાઇ ભારદ્વાજ વિચારશીલ વ્યકિત અને મક્કમ મનોબળ ધરાવતા, નક્કર વિચારસરણી ધરાવતા નેતા હતા. વકીલ તરીકે કોર્ટમાં તો એમની દલીલો ધારદાર રહેતી પરંતુ રાજકીય મંચ પરથી પણ તેઓ કોઇ વાત રજૂ કરતા ત્યારે સામેના સમુદાયને એ માનવું પડે એવી રીતે કરતા. ૧૯૭૭ માં ભારતીય જનસંઘ ના જનતા પાર્ટી માં વિલય બાદ રાજકોટ જનતા પાર્ટી માં મંત્રી અને ગુજરાત પ્રદેશ જનતા પાર્ટી માં યુવા મોરચા માં મહામંત્રી ની જવાબદારી તેઓશ્રીએ સફળતા પૂર્વક નિભાવી હતી. ભારતીય જનસંઘના સમયથી તેઓ પાર્ટીની સાથે હતા. જયારે ભાજપનો કોઇ વ્યાપ નહોતો, લોકપ્રિયતા નહોતી એવા સંઘર્ષના સમયમાં એમણે પક્ષ માટે કામ કર્યું. કાર્યકર્તાઓની એક પેઢી તૈયાર કરી. નવનિર્માણ, કટોકટી જેવા આંદોલનો વખતે પક્ષની વિચારધારાને આગળ વધારી.

જીવનકાળ દરમિયાન પત્રકાર એક દાયકો રહ્યા અને સમાજ જીવનને એ રીતે પણ જોયું. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના તો તેઓ સહાધ્યાયી અને સહકર્મી રહ્યા.પાર્ટીને મજબૂત કરવામાં એમણે લોહી રેડ્યું હતું. તો કાયદાપંચના પણ સદસ્ય રહ્યા અને ગુલબર્ગ સોસાયટી જેવા અગત્યના કેસમાં આરોપીઓ વતી લડીને પોતાની કાબેલિયત પુરવાર કરી હતી. અગત્યના કાનુની જંગમાં સરકારે એમની કુનેહનો ભરપુર ઉપયોગ કર્યો હતો.

રાજકોટ-સૌરાષ્ટ્રમાં ૨૧૦ જેટલા જુનીયર વકીલો એમના માર્ગદર્શનમાં કામ કરતા હતા. સમાજના તમામ વર્ગને એમના માટે સન્માન હતું. રાજયસભાના સભ્ય તરીકે એમની કુનેહ અને બાહોશીનો લાભ પ્રજાને મળી ન શકયો. અભયભાઇની વિદાય ફકત એમના પરિવાર માટે જ નહીં, ભાજપ માટે, વકીલો માટે અને અનેક કાર્યકરો માટે વસમી બની રહેશે. ભાજપના વરિષ્ઠ આગેવાન પ્રખર રાષ્ટ્રવાદી સમાજસેવક પ્રખર ધારાશાસ્ત્રી શ્રી અભયભાઈ ભારદ્વાજને તેઓશ્રીના દુઃખદ અવસાન બદલ ઊંડા શોકની લાગણી વ્યકત કરી ભાવભીની શ્રદ્ઘાંજલિ આપતા રાજુભાઇ ધ્રુવે જણાવ્યું છે.

(2:49 pm IST)