Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

અભયભાઈએ ફિલ્મ 'અગ્નિકાલ'માં જજ અને 'બાપા સીતારામ'માં કલેકટરનો રોલ ભજવ્યો હતો

બહુમુખી પ્રતિભા ધરાવતુ 'વ્યકિતત્વ' હતા, ૨૩ વર્ષની ઉંમરે રાજકારણમાં ઝંપલાવેલુ : પત્રકારત્વ, રાજકારણ, વકીલાત સાથે ફિલ્મોમાં અભિયનના ઓજસ પાથર્યા હતા

રાજકોટ, તા. ૨ : કોરોનાની મહામારીએ ગુજરાત રાજયસભાના સાંસદ એવા અભયભાઈ ભારદ્વાજનો ભોગ લીધો છે. અભયભાઈ ભારદ્વાજના નિધનથી માત્ર રાજકોટ શહેરે જ નહિં પરંતુ ગુજરાતે એક પ્રતિષ્ઠિત વકીલની સાથોસાથ એક ઉત્તમ સમાજસેવક પણ ગુમાવ્યા છે.

અભયભાઇની જીવન ઝરમર પર દૃષ્ટિપાત કરીએ તો તા.૨ એપ્રિલ ૧૯૫૪ના રોજ પૂર્વ આફ્રિકાના યુગાન્ડાના જીઝા શહેરમાં તેમનો જન્મ થયો હતો. તેઓ નાનપણથી અભ્યાસમાં રૂચિ ધરાવતા હતા. જેને કારણે યુગાન્ડા સરકારે તેઓને ખાસ શિષ્યવૃતિ એનાયત કરી હતી. મુંબઈમાં બે વર્ષ વિજ્ઞાન વિદ્યાશાખાનો અભ્યાસ કરી સંજોગોના કારણે એરોનોટીકલ એન્જીનિયરીંગ છોડી રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં અંગ્રેજી ફીલોસોફીનો અભ્યાસ કરીને સ્નાતક થયા હતા. તેમને પત્રકારત્વ ક્ષેત્રે ઝંપલાવ્યુ હતું. ત્યારબાદ માત્ર ૧૭ વર્ષની વયે જનસત્તામાં જોડાયા અને ૧૮ વર્ષે હિન્દુસ્તાનના સૌથી યુવાન સબ એડીટર બન્યા હતા. ૨૧ વર્ષની વયે ગુજરાતની વ્યવસાયિક પત્રકારોની મંડળની કારોબારીમાં બિનહરીફ ચૂંટાયા હતા. હરિયાણાના કુરૂક્ષેત્રમાં અખિલ ભારતીય લો ડીબેટમાં ૪૧ યુનિવર્સિટીના હરીફોની વચ્ચે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ હતું.

અભયભાઈ રાજકોટના વતની હતા તથા જનસંઘના નેતા સ્વ.ચીમનભાઈ શુકલના ભાણેજ થતા હતા તેઓ મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીના અંગત મિત્ર હતા અને તેમના પરિવારમાંથી તેઓ અને તેના નાનાભાઈ નીતિનભાઈ ભારદ્વાજ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હતા. આ સાથે જ સૌરાષ્ટ્રના રાજકારણમાં અભયભાઈ છેલ્લા કેટલાય વષોૃથી સક્રિય હતા. સને ૧૯૭૭થી જનતા પાર્ટીથી સક્રિય રીતે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. ૧૯૭૭માં જનતા પાર્ટીના શાસન વખતે ૨૩ વર્ષની વયે રાજકોટ જીલ્લા જનતા પક્ષના યુવામંત્રી બન્યા હતા. ગુજરાત જનતા યુવા મોરચાના મહામંત્રી પણ બન્યા હતા.

આ ઉપરાંત અભયભાઈ ભારદ્વાજે 'અગ્નિકાલ' ફિલ્મમાં પણ રોલ કર્યો હતો. તેઓ આ ફિલ્મમાં જજની ભૂમિકામાં નજરે ચડ્યા હતા. આ ઉપરાંત બાપા સીતારામ ફિલ્મમાં કલેકટરનો રોલ કર્યો હતો. પરશુરામ સંસ્થાના સ્થાપક પણ હતા તેમજ બ્રહ્મસમાજમાં પણ સક્રિય રહી ચૂકયા છે. અને રાજયના નામાંકિત ધારાશાસ્ત્રી તરીકે ઓળખ ધરાવતા હતા. તેઓ રાજકોટ બાર એસોસીએશનના બિનહરીફ પ્રમુખ પણ રહી ચૂકયા છે. તેમજ લો કમિશન ઓફ ઈન્ડિયાના તેઓ સદસ્ય પણ રહી ચૂકયા છે. કેન્દ્રીય ઔદ્યોગિક જજોની નિમણુંક પસંદગીની સમિતિના સભ્ય તરીકે સેવા આપેલ હતી. તેમજ અધિવકતા પરિષદમાં પણ સક્રિય હતા. આ ઉપરાંત તેઓ લીગલ સેલ તેમજ અનેક નામી, અનામી સંસ્થાઓ સાથે સંગઠનથી માંડી જુદા જુદા સ્વરૂપે સંકળાયેલા હતા.

કોમી રમખાણો વખતે સરકાર તરફથી તેઓ ઘણા કેસ પણ લડી ચૂકયા છે અને અમદાવાદના ચકચારી ગુલમર્ગ સોસાયટીમાં થયેલા ૬૮ની હત્યાના કેસમાં તેઓ ત્હોમતદાર વતી કેસ લડી નિર્દોષ છોડાવેલ હતા. વકીલાત દરમિયાન આશરે ૨૧૦ જેટલા જુનિયર હોવાનો વિક્રમ તેમના ખાતે ચડેલો છે. ભારતીય મજદૂર સંઘના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ હસુભાઈ દવેના પરીવારમાં થયેલ ત્રિપલ હત્યા કેસ ૧૯૮૧માં થયેલ તે વખતે તેના અપરાધી વેરાવળની રેયોન ફેકટરીના કામદાર શશીકાંત માળીને ફાંસીના માંચડે ચડાવવામાં અભયભાઈ ભારદ્વાજને મહત્વનો રોલ હતો.

(2:48 pm IST)