Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

અરે અભયભાઇ, તમારી પ્રતિજ્ઞા અને આપણી ઓફ ધ રેકર્ડ વાતો તો અધૂરી રહી

ગીતાંજલી કોલેજના એક કાર્યક્રમમાં અભયભાઈએ મિઠાઈ ન ખાધી, બાદ કહ્યું જયાં સુધી અયોધ્યામાં રામ મંદિરનો ઘંટ મારા હાથે ન વગાડુ ત્યાં સુધી મિષ્ઠાન ન ખાવી મારી પ્રતિજ્ઞા છે : દર શ્રાવણ માસમાં ભારદ્વાજ પરિવાર છેલ્લા સોમવારે પ્રસાદનું આયોજન કરે, અભયભાઈ સૌથી આગળ બેઠા હોય અને સૌને પ્રેમથી આવકારતા : અભયભાઈ કહેતા હું દેહાતી વકીલ છું, ૨૦૧૬થી ૨૦૧૮ રાષ્ટ્રીય કાયદા પંચના સભ્ય હતા, દેશના ઈતિહાસમાં પ્રથમ વખત એવું બન્યુ કે જિલ્લા કક્ષાના કોઈ વકીલ લોકમિશનમાં સ્થાન પામ્યા

મારા મિત્ર,

ભાજપના કોર્પોરેટર મનીષ રાડિયાના માતુશ્રીનું થોડા સમય પહેલાં અવસાન થયું. સ્મશાને બધા પહોંચ્યા અને માના પાર્થિવ દેહને અંતિમ વિસામા પાસે મુકયો ત્યાં મારી પાછળ હળવેથી એક હાથ આવ્યો પછી અવાજ આવ્યો. કાં નાગર પત્રકાર.....(એમને ખબર કે જ્ઞાતિથી કોઇ બોલાવે એ મને ન મગે, એટલે કહેતાઃ આપણે જે છીએ એ તો છીએ જ એનો ઇન્કાર ન કરાય, હું તો કહીશ જ.) પછી સ્મશાનના બાંકડે અમે બે હતા. બાકીના બધા મિત્રો વિધિના સ્થળ પાસે હતા. હું જેની વાત કરું છું એ વ્યકિત પણ આજે છેલ્લી વાર સ્મશાને ગયા-ત્યાંથી પાછા ન આવ્યા. અને એને લઇ જનાર કોરોનાએ આપણને એમને વળાવવા પણ ન જવા દીધા. તે દિવસે સ્મશાનમાં હું જેની બાજુમાં બેઠો હતો એ વ્યકિત એટલે અભય ભારદ્વાજ. જયારે મળે ત્યારે પહેલાં આવો લહેકો કરે કાં તો કહે...યસ યંગમેન.... પછી અચૂક ઘરના બધા સભ્યો વિશે પૂછે. અને પછી વાતો ચાલુ થાય ઓહો... નોન સ્ટોપ. વચ્ચે વચ્ચે પેલી સૂચના આવતી જાય.... જો આ ઓફ ધ રેકોર્ડ હો...પણ તને કહેવામાં વાંધો નહીં જો કે એમણે કોઇના વિશે ઉતરતી કે પોતાના પક્ષની પણ કોઇ ખાનગી કહેવાય એવી વાત કયારેય નહોતી કરી.

એ દિવસે વાત થઇ ૨૦૧૨ની વિધાનસભા ચૂંટણી, એમાં પેલા બહેન દશા બદલીયે, દિશા બદલીએ... જાહેરખબરમાં આવતા એ જાહેરાતના રિએકશન....વગેરે વગેરે વાત થઇ. છુટ્ટા પડતી વખતે કાયમી નિમંત્રણ. ઘરે આવ હું તો સાડા બાર-એક સુધી જાગતો હોઉં છું. આવી કેટલી બધી ઓફ રેકોર્ડ વાતો તો અભયભાઇ અધૂરી રહી. વહાબીઓ વાળા પુસ્તકની વાત, બલુચિસ્તાનની વર્તમાન સ્થિતિની વાત....અને અધૂરી રહી ગઇ એમની પ્રતીજ્ઞા....

હા, સ્થળ શૈલેશભાઇ જાનીની ગીતાંજલિ કોલેજ. એક કાર્યક્રમમાં અભયભાઇ મુખ્યમહેમાન. અમે કોલેજના પરિવારના સદસ્યો કહેવાઇએ. કાર્યક્રમ પછી ભોજન સાથે લેતા હતા એમાં કેટરર્સ વાળા કહે થોડોક અડદિયો તો લ્યો..... અભયભાઇએ કારણ ન કહ્યું પણ મક્કમ મને એ ન જ લીધું. થોડા મિત્રો વિખેરાયા પછી કહ્યુઃ જયાં સુધી અયોધ્યામાં રામ મંદિરનો ઘંટ મારા હાથે ન વગાડું ત્યાં સુધી મીષ્ઠાન ન ખાવું એવી મારી પ્રતીજ્ઞા છે. હું તો હતપ્રભ થઇ ગયો.... કોઇ કાર્ય, કોઇ વિચારધારા માટે આટલી બધી નિષ્ઠા....

હવે કંઇ એ પ્રતીજ્ઞા પૂર્ણ થવાને બહુ વાર નહોતી. પણ આ બાબતમાં આપણું થોડું કંઇ ચાલે છે, અભયભાઇનું નામ તો નાનપણથી સાંભળ્યું હતું. એમને મંચ પર જોયા હતા. ત્યારે તો સ્કુલ-કોલેજના દિવસો હતા. પરંતુ જર્નાલિઝમમાં આવ્યા પછી પણ વર્ષો સુધી સીધો સંપર્ક તો નહીં જ. નિતિનભાઇ રાજકારણમાં સક્રિય થયા ત્યારથી અભયભાઇ સાથે પણ ઘરોબો વધ્યો. પછી એવું થયું કે વ્યવસાયીક કામ હોય, કંઇ પૂછવાનું હોય (ઘણીવાર પૂછ્યા વગર પણ લખી નાંખ્યું હોય) ત્યારે નિતિનભાઇ. પણ ગપ્પા ગોષ્ઠિ કરવાના હોય, કંઇક જાણવાનું હોય ત્યારે અભયભાઇ સાથે લાંબી બેઠક થાય.

શ્રાવણ માસમાં પરિવાર છેલ્લા સોમવારે જયારે પ્રસાદનું આયોજન કરે ત્યારે સૌથી આગળ-દરવાજે એ સ્થપાઇને બેઠા હોય... બધાને લડાવતા હોય. અમને જોવે એટલે કહે, નિતિનની ટીમ આવી ગઇ.... તમે તો એને જ ગોતશો ને કાં..... એ પ્રસંગે લાંબી વાતો ન થાય. પરંતુ એમના પાડોશી સૌના મિત્ર અજય જોશીના ઘરે પણ ગણપતિ સ્થાપન કે અન્ય કોઇ નિમિત્ત્।ે મળીએ એટલે ખૂણો ગોતી લઇએ.... ચીમનભાઇ શુકલ, વજુભાઇ વાળા, જનસંઘથી લઇને રાષ્ટ્રીય રાજકારણ, વર્તમાન પ્રવાહ.....વાતોનો પટારો ખૂલી જાય.

છેલ્લા પાંચ વર્ષમાં સત્તાવાર રીતે મારે ઇન્ટરવ્યૂ માટે એમને ત્રણ વાર મળવાનું થયું ૧) ચિત્રલેખા માટે યહી વોહ જગહા હૈ વિભાગ માટે. ૨) વિજયભાઇ મુખ્યમંત્રી બન્યા ત્યારે મિત્ર તરીકે એમના સંસ્મરણો માટે ૩) સાંસદ બન્યા પછી-જુલાઇ ૨૦૨૦માં. ત્રણેય વાર કલાક-દોઢ કલાકનું કામ હોય પણ ત્રણ-ત્રણ કલાક બેઠો હોઉં એવું બન્યું છે. અભય ભારદ્વાજ પાસેથી નવી પેઢીના રાજકીય કાર્યકર્તાઓએ શીખવાનું એ છે કે વાંચન કેટલું જરુરી છે જીવનમાં. આ મુલાકાતો દરમિયાન પણ મૂળ વિષયથી કયાંય એ આગળ નીકળી જાય ફરી વિષય પર લાવવા પડે. હિન્દુત્વનો આખો અર્થ ખોલીને સમજાવે. ઇસ્લામિક રાષ્ટ્રોની ગતિવિધી, અમુક વર્ગની કટ્ટરતા- એના ઐતિહાસિક સંદર્ભો. અને ખાસ તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંદ્યની આઇડીયોલોજી- એના માટેની સમજ-ગેરસમજની પણ ચર્ચા કરે.

એમાં ઘણી વાતો એવી હોય જે જાણવા માટે હોય, પ્રકાશિત કે પ્રસારિત ન કરી શકાય. ઘણી વાર સિફતથી વાત અધૂરી મૂકે....નિરાંતે કયારેક એવું કહીને... હું જો કોઇ સીધો સવાલ કરી નાંખું કે ફલાણા વ્યકિતની હત્યાના પ્રકરણમાં..... તો એક શબ્દ ન બોલે. એમની આંખમાંથી આપણે જવાબ તારવી લેવાનો...... કોઇ રહસ્યો એણે ખોલ્યા નહીં. ઓફ ધ રેકર્ડ વાતો અધૂરી રહી ગઇ.

એમને કોઇ પણ મળી શકે. બ્રાહ્મણો માટે એમને વિશેષ અનુરાગ. પરંતુ એટલે અન્ય જ્ઞાતિ માટે આદર કે માન નહીં એવું બિલકુલ નહીં. એમના માતા-પિતાના સમયથી દલિત પરિવારોને મદદ કરવાની પરંપરા આજે પણ ચાલુ છે. પોતે આફ્રિકા હતા ત્યારથી લઇને અહીં આવડા થયા ત્યાર સુધીની વાતો રસથી કરે. બહુ ઓછા લોકોને ખબર છે કે અભયભાઇની મૂળ રાશિ મીન છે. એમના પિતાજીને ભગવતગીતાનું મહત્વ બહુ એટલે એમણે સંતાનોના નામ ગીતામાં આવતા શબ્દો પરથી પાડ્યા. વિજયભાઇ રુપાણી માટે એમને ભરપૂર માન. એમની પણ એવી સરસ અંતરંગ વાત કરે. અમે તો અભયભાઇને એમની કોલેજે ઇન્ટરવ્યૂ માટે લઇ ગયા હતા ત્યાં વિદ્યાર્થીકાળ એમણે જીવંત કર્યો.

એ ઇન્ટરવ્યૂ પછી જયારે મળીએ ત્યારે સામે જે કોઇ હોય એને કહે, આ છોકરાની મેમરી બહુ શાર્પ છે, બહુ ઓછા પત્રકારોની હોય કારણ કે મેં બે કલાક વાત કરી. એણે એકેય શબ્દ ડાયરીમાં લખ્યો નથી અને ઇન્ટરવ્યૂમાં એ બધું એમનું એમ આવ્યું છે. અમે વર્ષમાં ચાર-પાંચ વાર પણ માંડ મળતા હશું. પણ મળીએ ત્યારે આમ ભરપૂર. ભિન્ન વિચાર વાળાને પણ એ આવકારે. જે વિચારધારાના એ પ્રતિનિધી હતા એના માટેની મારી અસંમતિ કે મારા મતની એમને સંપૂર્ણ જાણ હતી. કેટલાંક નામ, કેટલીક ઘટનાઓ માટે એ જ ઓફ ધ રેકર્ડ વાતો થતી.

એમને એ પણ ખબર હતી કે પત્રકાર તરીકે, મહદઅંશે વ્યકિત તરીકે હું તટસ્થ હોઉં છું. કોંગ્રેસની મેં રીપોર્ટીંગ કે સોસિયલ મીડિયામાં કરેલી ટીકાથી એ વાકેફ. તો ફેસબુક પર ભાજપ વિશે મેં કોમેન્ટ કરી હોય તો અભયભાઇએ જવાબ લખ્યો હોય એ બધું હજી ત્યાં હશે. પરંતુ એની વચ્ચે પણ એમનો ભાવ અને મારો એમના માટેનો આદર અકબંધ. એમને એ પણ ખબર હતી કે હું એમની પરંપરાનો વિરોધી નથી. અનેક મુદ્દે એમણે મને એમનું સત્ય સમજાવ્યું છે કે લોકો બહારથી ભાજપને, નરેન્દ્રભાઇને જુએ છો એ અલગ છે અને વાસ્તવ કંઇક અલગ. ત્યારે આપણને થાય કે આપણે ઘણું નથી જાણતા. તે પછી પણ કયારેય ટીકા કરી હોય તો ઠપકો ન આપે.

હા, સરહદને લગતા સમાચાર હોય. સૈનિકોને લગતી વાત હોય અને જો કોઇ કંઇ આડું અવળું વ્હોટ્સએપમાં લખે તો અભયભાઇ દુર્વાસાની જેમ દલીલ કરે. નેશન ફર્સ્ટ નામનું હિતેશભાઇ પંડ્યાનું વ્હોટ્સએપ ગ્રુપ છે તેમાં ગલવાન ઘાટી વખતની જ એક પોસ્ટ પર અભયભાઇએ નિબંધ લખ્યો હતો.....ખખડાવી નાખતો. મજાની વાત એ હતી કે આવી રીતે મળ્યા હોઇએ પણ છુટ્ટા પડીએ ત્યારે બધું ખંખેરીને. પરસ્પર વિશ્વાસ પણ હોય કે આ બધું અહીં જ ઢબુરાઇ જશે. સંબંધોને લીધે નથી એમણે કયારેય એવું કહ્યું કે આવું કેમ લખ્યું. નથી આપણને એ સંબંધોની શરમ કંઇ લખવામાં નડી. એ એક સેપ્રેટ રુમ છેલ્લે સુધી રહ્યો.

દુઃખ એ વાતનું છે કે લાંબો સમય સંઘર્ષ કર્યો એમણે. એમનું રાષ્ટ્રીય રાજકારણ, રાજયોની સ્થિતિ, જ્ઞાતિવાદ અને અન્ય મુદ્દા સહિતની વાતનું જ્ઞાન અગાધ. પરંતુ રાજનીતિમાં એમને હોદ્દો કે પદ છેવટ સુધી ન મળ્યાં. અને છેલ્લે એક અત્યંત મહત્વનું પદ-રાજયસભાના સાંસદનું પદ મળ્યું તો એ એક દિવસ માટે પણ ત્યાં જઇ ન શકયા. જો કે એમનું વાંચન, મનન અને વિચારનો લાભ તો પક્ષને મળ્યો હતો.

અભયભાઇનો જન્મ ૨ એપ્રિલ ૧૯૫૪, આફ્રિકાના યુગાન્ડાના ઝીંઝા શહેરમાં. બાળપણ એમનું ત્યાં વિત્યું. યુગાન્ડા સરકારે તેજસ્વી વિદ્યાર્થી તરીકે શિષ્યવૃત્તિ આપી હતી. ૧૩ વર્ષની નાની વયે એમને ઝીંઝા ગુજરાતી મંડળે પ્રમુખપદ આપ્યું હતું.

ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં એક પ્રોફેસર હતા સવિતાબહેન સોલંકી. અભયભાઇ લોબીમાં બેઠા હોય અને એ ત્યાં બેસવાની ના પાડે. પરંતુ આ કહે કે હું અહીં જ બેસીશ. આવી ચડસાચડસી ચાલે. એવામાં નવનિર્માણ આંદોલન થયું. વિદ્યાર્થીઓનું જ રાજ ચાલે. પરીક્ષા શરુ થઇ અને માસ કોપિંગ થાય. બધા કોપી કરીને પરીક્ષા આપે. અભયભાઇએ નક્કી કર્યું કે જે આવડે એ લખીશ પણ ચોરી નહીં કરું. એક વાર પેપર આપી રહ્યા હતા ત્યાં કોઇએ એમના ખભે હાથ મુકયો અને ચાનો કપ આપ્યો. જોયું તો સવિતા બહેન. એમણે કહ્યું, હું કયારની જોઉં છું કે બધા કોપી કરીને લખે છે. તું નથી કરતો. સિન્ડીકેટમાં એમણે લખીને આપ્યું હતું કે માસ કોપિંગ થયું છે પરંતુ મારો એક વિદ્યાર્થી એવો છે જેણે ચોરી કરી નથી.

એ સમયે અભયભાઇ નોકરી કરતા. વાંચવાનો સમય રાત્રે મળે. એમના મિત્ર અને વરિષ્ટ પત્રકાર નારાયણભાઇ પરમારની સાથે વાંચે. એટલે નારાયણભાઇ બોલતા જાય અને અભયભાઇ સાંભળીને યાદ રાખે. બન્નેને વંચાય. સંસ્કૃતના પેપરના આગલા દિવસે પણ એવું જ થયું પરીક્ષામાં નારાયણભાઇને ૫૩ માકર્સ આવ્યા અને સાંભળીને યાદ રાખનાર અભયભાઇને હતા ૫૪ માકર્સ. બી.એ. કર્યું.

૧૯૮૦માં એમણે વકીલાતની સનદ મેળવી. આજ સુધી કોર્ટમાં સક્રિય છે. એ કહેતા હું દેહાતી વકીલ છું. ૨૦૧૬ થી ૨૦૧૮ રાષ્ટ્રીય કાયદા પંચના એ સભ્ય હતા. દેશના ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું કે જિલ્લા કક્ષાના કોઇ વકીલ લો કમિશનમાં સ્થાન પામ્યા. પહેલા આફ્રો-ઇન્ડિયન હતા અને એ પણ ગુજરાતી કે જેઓ રાજયસભામાં ગયા. ૨૦૦૧માં નરેન્દ્રભાઇ ચૂંટણી લડ્યા ત્યારે સામે બ્રાહ્મ ણ ઉમેદવાર અશ્વિનભાઇ મહેતા હતા. છતાં બ્રાહ્મ ણ સમાજની મીટીંગ પણ અભયભાઇના ઘરે થઇ, નરેન્દ્રભાઇ એમાં આવ્યા. ચૂંટણી જીત્યા. સંઘ અને ભાજપ સાથે એમનો નાતો તો હતો જ. ૨૩ વર્ષની વયે રાજકોટ શહેર જિલ્લા જનતાપાર્ટીના એ મંત્રી બન્યા હતા.

રાજકીય અને વ્યવસાયીક કારકિર્દી તો એમની ઉલ્લેખનીય છે જ. પરંતુ વ્યકિત તરીકે પણ તેઓ ઉમદા હતા-ગઇકાલ સાંજથી સોસિયલ મીડિયા પર એમને મળી રહેલી શ્રદ્ધાંજલીઓ એની ગવાહી પૂરે છે.... આપણે તો એટલું જ કહીને વિરમી જવું પડે કે જાતસ્ય હી ધ્રુવ મૃત્યુ..

જવલંત છાયા

(સિનીયર કોરસપોન્ડન્ટ, ચિત્રલેખા.

અભયભાઇના પારીવારિક મિત્ર) મો.૯૯૦૯૯ ૨૮૩૮૭

(2:47 pm IST)