Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

વધુ બે તબિબો ડો. તેજસ મોતીવરસ અને ડો. દિગ્વીજયસિંહ જાડેજાની ધરપકડઃ જામીન મુકત

ઉદય કોવિડ આગ પ્રકરણઃ કોરોના રિપોર્ટ નેગેટિવ આવતાં તાલુકા પોલીસે ધરપકડ કરી ત્રણ દિવસના રિમાન્ડ માંગ્યા હતાં: જે અદાલતે નામંજુર કરી બંને તબિબને પંદર હજારના જામીન પર મુકત કરવા આદેશ કર્યો

રાજકોટ તા. ૨: આનંદ બંગલા ચોકમાં આવેલી ઉદય કોવિડ હોસ્પિટલમાં  લાગેલી આગમાં પાંચ કોરોના દર્દીના મૃત્યુ નિપજ્યાની ઘટનામાં બેદરકારીથી મોત નિપજાવવા અંગે માલવીયાનગર પોલીસ મથકમાં ગુનો નોંધાયા બાદ ડો. પ્રકાશ મોઢા, તેના પુત્ર વિશાલ મોઢા અને ડો. કરમટાને અટકાયતમાં લઇ કોરોના રિપોર્ટ બાદ ધરપકડ કરાઇ હતી. કોર્ટમાં રિમાન્ડ માંગણી સાથે રજૂ કરાયા હતાં. પરંતુ રિમાન્ડ માંગણી નામંજુર કરી ત્રણેયને જામીન મુકત કરવાનો આદેશ થયો હતો. દરમિયાન આ ગુનામાં આજે તાલુકા પોલીસે વધુ બે ડોકટરની પણ ધરપકડ કરી હતી. આ બંનેને ત્રણ દિવસની રિમાન્ડ માંગણી સાથે કોર્ટમાં રજૂ કરાયા હતાં. પરંતુ આ માંગણી અદાલતે ફગાવી દઇ બંને તબિબોને ૧૫ હજારના જામીન પર મુકત કરવા આદેશ કર્યો હતો.

આગ લાગવાની ઘટનામાં પાંચ દર્દીઓ પૈકી કેશુભાઇ લાલજીભાઇ અકબરી (ઉ.વ. ૫૦- રહે. ન્યુ શકિત સોસાયટી રાજકોટ)નું મૃત્યુ ગુંગળામણને કારણે તથા અન્ય ચાર દર્દીઓ રામશીભાઇ મોતીભાઇ લોહ (ઉ.વ. ૬૫ -રહે, જસદણ, અર્જુન પાર્ક સોસાયટી, ધોરીયાની બાજુમાં, તા. જસદણ), રસીકલાલ શાંતિલાલ અગ્રાવત (ઉ.વ. ૫ ૬-રહે. શિવનગર શેરી નં. ૨, વેરાવળ (શાપર),  સંજય ભાઈ અમૃતભાઇ રાઠોડ (ઉ.વ. ૫૭ રહે. પ્રહલાદ પ્લોટ ૪૧, કેદાર કૃપા, કરણપરા ચોક, રાજકોટ) અને નીતીનભાઇ મણીલાલ બદાણી (ઉ.વ. ૬૧-રહે. ઇસ્કોન ફલેટ, ૨૦૨, શનાળા રોડ, મોરબી)ના મુત્યુ દાઝી જવાથી થયાનો રિપોર્ટ આવ્યો હતો.

પોલીસ તપાસમાં જણાઇ આવ્યું હતું કે, આઇસીયુનું ઇમરજન્સી એકઝીટ બંધ હાલતમાં રાખવામાં આવેલ હતું અને દરવાજા પાસે મશીનરી મુકી, આડશ મુકીને અવરોધ ઉભો કરેલ હતો. દર્દી  કેશુભાઇનું મૃત્યુ ગુંગળામણને કારણે થયેલ હોય તેમજ ફાયર બ્રિગ્રેડના કર્મચારીના નિવેદન મુજબ આઇસીયુમાં વેન્ટીલેશન ન હોવાને કારણે ધુમાડો થયેલ હતો. તેમજ આઇસીયુમાં સેનીટાઇઝર જેવા જવલનશીલ પ્રવાહી વધુ માત્રામાં હતા. પ્રથમ, બીજો તથા ત્રીજો માળ એટલે કે, સમગ્ર કવીડ હોસ્પિટલમાં ૫૩ દદીઓની કેપેસીટી હોવા છતા હોસ્પીટલમાંથી બહાર ઇમરજન્સી સમયે જવા માટે કોઇ ઇમરજન્સી દરવાજો ન હોઇ ફકત ચાર ફુટની પહોળાઇ ધરાવતા પગથીયા દ્વારા જ ચડવા-ઉતરવાની વ્યવસ્થા છે. તેમ જ ફકત ગ્રાઉન્ડ ફલોરમાં એકઝીટના બે દરવાજા આપેલ છે તે પણ કોઇપણ દર્દીને ફાયર સાઇનબોર્ડ કે અન્ય કોઇ રીફલેકટર દ્રારા ઇમરજન્સી EXIT દર્શાવેલ નથી. તેમ જ આઇસીયુમાં પ્રવેશવાના દરવાજાની પહોળાઇ ૩ ફુટ ૪ ઇંચ છે જે નિયમો કરતા ખુબ જ ઓછી છે. આ સહિતના ૧૬ જેટલા બેદરકારીના કારણો સામે આવ્યા બાદ આઇપીસી ૩૦૪ (અ), ૧૧૪ મુજબ ગુનો દાખલ કરાયો હતો.

ડો. પ્રકાશચંદર ગોકલદાસ મોઢા (ઉ.વ.૬૬-ચેરમેન ગોકુલ લાઇફકેર પ્રા.લિ.) તેમના પુત્ર વિશાલ પ્રકાશચંદ્ર મોઢા (ઉ.વ.૩૯) (રહે. બંને શિવ કૃપા ઇન્દ્રપ્રસ્થ સોસાયટી-૧૦, હેમુ ગઢવી હોલ પાછળ) અને ડો. તેજસ લક્ષમણભાઇ કરમટા (ઉ.વ.૪૨-રહે. પ્લોટ નં. ૪૩, આર. કે. પાર્ક મેઇન રોડ રાણી ટાવર પાછળ)ના કોરોના રિપોર્ટ નેગેટિવ આવતાં પરમ દિવસે સાંજે ત્રણેયની ધરપકડ થઇ હતી અને ગઇકાલે ત્રણેય જામીન મુકત થયા હતાં.

આ ગુનામાં વધુ બે આરોપી ડો. તેજસ અર્જુનભાઇ મોતીવરસ (ઉ.વ.૪૨-રહે. શ્રીમદ્ એપાર્ટમેન્ટ, રેસકોર્ષ રોડ) તથા ડો. દિગ્વીજયસિંહ ભરતસિંહ જાડેજા (ઉ.વ.૪૨-રહે. ૪૦૧, શ્રી મદ્દ એપાર્ટમેન્ટ રેસકોર્ષ રોડ)ને ગત સાંજે અટકાયતમાં લઇ કોરોના રિપોર્ટ કરાવાયા હતાં. જે રિપોર્ટ આજે નેગેટિવ આવતાં બંનેની ધરપકડ કરી વિશેષ પુછતાછ ત્રણ દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરાયા હતાં. પરંતુ રિમાન્ડ માંગણીની અરજી રદ કરી અદાલતે બંને ડોકટરને જામીન પર મુકત કર્યા છે. અડીશનલ ચીફ જ્યુ. મેજીસ્ટ્રેટ એલ. ડી. વાઘની કોર્ટમાં બંને તબિબને રજૂ કરાયા હતાં. બચાવ પક્ષે પ્રખર ધારાશાસ્ત્રી અનિલભાઇ દેસાઇએ ધારદાર દલિલો કરી હતી. અદાલતે બંનેને પંદર હજારના જામીન પર મુકત કર્યા હતાં. બચાવ પક્ષમાં અનિલભાઇ દેસાઇ સાથે ટીમના શૈલેષભાઇ પંડિત, શૈલેષભાઇ મોરી, વિનુભાઇ વાઢેર, વિજયભાઇ ભણસોલ, નિતીનભાઇ મેંદપરા રોકાયા હતાં.

ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એસ. ગેડમ, પીઆઇ આર. વાય. રાવલ, પીઆઇ કે. એન. ભુકણ, પીઆઇ જે. વી. ધોળા, પીએસઆઇ વી. કે. ઝાલા, પીએસઆઇ એન. ડી. ડામોર, ભરતભાઇ વનાણી, પરેશભાઇ જારીયા, મયુરભાઇ, અરૂણભાઇ, પ્રવિણભાઇ સહિતનો સ્ટાફ વધુ તપાસ કરે છે.

(3:32 pm IST)