Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

અભયભાઇના નિધનથી ઘેરો શોક : વિવિધ ક્ષેત્રના આગેવાનોની અંજલી

રાજકોટ તા. ૨ : રાજયસભાના સાંસદ અને પ્રખર ધારાશાસ્ત્રી અભયભાઇ ભારદ્વાજના નિધનથી ઘેરા શોકની લાગણી પ્રવર્તી છે. વિવિધ ક્ષેત્રના આગેવાનોએ શ્રધ્ધાંજલી અર્પણ કરી છે. જેની સંકલિત યાદીઓ અહીં પ્રસ્તુત છે.

ભંડેરી-મિરાણી

મ્યુ.ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડે સંયુકત યાદીમાં અભયભાઇ ભારદ્વાજને શ્રધ્ધાંજલી અર્પણ કરતા જણાવેલ છે કે અભયભાઇમાં સૌને સાથે રાખીને ચાલવાનો સ્વભાવ હતો. વર્ષોથી જનસંઘના કાર્યકર્તાથી લઇ જનતા મોરચાના પ્રદેશ મહામંત્રી અને છેલ્લે રાજય સભાના સાંસદ તરીકેની તેમની જીવનયાત્રા સૌ માટે માર્ગદર્શનરૂપ બની રહેશે.

ભાનુબેન બાબરીયા

માજી ધારાસભ્ય ભાનુબેન બાબરીયાએ રાજય સભાના સાંસદ અભયભાઇ ભારદ્વાજને શ્રધ્ધાસુમન અર્પણ કરતા જણાવ્યુ છે કે અભયભાઇના જવાથી કાયદાક્ષેત્રે મોટી ખોટ વર્તાશે. ભાજપના હજારો કાર્યકર્તાઓએ એક અદના માર્ગદર્શક ગુમાવ્યા છે. તેઓ બધા માટે એક વડીલની ગરજ સારતા. ઇશ્વર તેમના આત્માને ચિર શાંતિ અર્પે અને પરિવારજનોને હિંમત આપે તેવી ઇશ્વરને પ્રાર્થના ભાનુબેને કરી છે.

સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મસમાજ

સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મસમાજના માર્ગદર્શક અને રાજયસભાના સાંસદ પ્રખર ધારાશાસ્ત્રી અભયભાઇ ભારદ્વાજના નિધન બદલ સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ છેલભાઇ જોષી, પ્રવકતા જયંતભાઇ ઠાકર, મીડિયા ઇન્ચાર્જ હરેશભાઇ જોષીએ ઉંડા શોકની લાગણી વ્યકત કરી શ્રધ્ધા સુમન અર્પણ કરેલ છે. તેઓએ જણાવ્યુ છે કે સૌરાષ્ટ્રમાં ભગવાન પરશુરામ જયંતિની ઉજવણીનો પ્રારંભ કરાવવાનું શ્રેય અભયભાઇને જાય  છે. તેમના જવાથી જાહેર જીવનને ખોટ પડી છે તેમ જણાવી બ્રહ્મ અગ્રણીઓ સર્વશ્રી પૂર્વ મેયર ડો. જૈમનભાઇ ઉપાધ્યાય, નિરંજનભાઇ દવે, પંકજભાઇ દવે, સમીરભાઇ ખીરા, સંજયભાઇ મહેતા, પંકજભાઇ રાવલ, ઉપલેટા બ્રહ્મસમાજના અગ્રણી જયેશભાઇ ત્રિવેદી, જેતપુર પરશુરામ સેનાના હિતેષભાઇ જોષી, અશોક ઠાકર, અલ્પેશભાઇ વ્યાસ, ગોંડલ બ્રહ્મસમાજના અગ્રણી જીતુભાઇ આચાર્ય, વડીયા બ્રહ્મસમાજના અગ્રણી અશ્વિનભાઇ મહેતા, પ્રાચી બ્રહ્મસમાજના પ્રમુખ ગીરીશભાઇ પંડયા, પ્રવિણભાઇ જોષી, વાંકાનેર બ્રહ્મસમાજના અગ્રણી અમિતભાઇ મઢવી, મોરબી બ્રહ્મસમાજના અગ્રણી ભુપતભાઇ પંડયા જામનગર બ્રહ્મસમાજના ત્રિવેદીભાઇ, જુનાગઢ બ્રહ્મસમાજ મહિલા પાંખના કનકબેન વ્યાસ, મનીષાબેન દવે, કોડીનાર બ્રહ્મસમાજના અગ્રણી સંજયભાઇ જોષી, વેરાવળ બ્રહ્મસમાજના અગ્રણી મિલનભાઇ જોષી, અમરેલી બ્રહ્મસમાજના અગ્રણી ઉદયનભાઇ ત્રિવેદી, રશ્મિનભાઇ ત્રિવેદી, દાડીયાના દાળેશ્વર ટ્રસ્ટના પ્રમુખ અનંતભાઇ ભટ્ટ, ભાવનગર બ્રહ્મસમાજના મહીપતભાઇ ત્રિવેદી, ઔદીચ્ય બ્રાહ્મણ બોર્ડીંગ જુનાગઢના વિરેન્દ્રભાઇ ભટ્ટ સહીતના અગ્રણીઓએ શ્રધ્ધાંજલી પાઠવી છે.

મોહનભાઇ કુંડારીયા

શહેરના સાંસદ મોહનભાઇ કુંડારીયાએ અભયભાઇના અવસાન બદલ શોક વ્યકત કરતા જણાવ્યુ છે કે ભાજપે પીઢ નેતા ગુમાવવા સાથે એક શુભચિંતક અને માર્ગદર્શન પણ ગુમાવ્યા છે. તેમના સરળ અને નિખાલસ સ્વભાવના કારણે કાર્યકર્તાથી માંડી તમામ ક્ષેત્રના લોકો સાથે ગાઢ આત્મિયતા હતી.

ભાજપ કાર્યાલય પરિવાર

અભયભાઇ ભારદ્વાજના અવસાન બદલ શહેર ભાજપ કોષાધ્યક્ષ અનિલભાઇ પારેખ, શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઇ જોષી, ભાજપ અગ્રણી નીતિન ભૂત, મહાપાલીકા ભાજપ કાર્યાલય મંત્રી જયંત ઠાકર, મીડિયા સેલના રાજન ઠકકર વગેરેએ ઘેરા શોકની લાગણી વ્યકત કરી શ્રધ્ધાંજલી પાઠવી છે. તેઓએ જણાવ્યુ છે કે અભયભાઇ 'ભાઇ' ના હુલામણા નામથી જાણીતા હતા. તેઓ વૈવિધ્યસભર બાબતોનું તલસ્પર્શી જ્ઞાન ધરાવતા હોય તેમના માર્ગદર્શનનો બધાને લાભ મળતો. તેમની ખોટ સાલશે. તેમ જણાવી કાર્યાલય પરિવારના પ્રવિણભાઇ ડોડીયા, રમેશભાઇ જોટાંગીયા, ચેતન રાવલ, વિજય મેર, રાજ ધામેલીયા, નીતીન ખોરેડી, પી.નલારીયન પંડિત વગેરેએ શ્રધ્ધાંજલી પાઠવી છે.

દિકરાનું ઘર વૃધ્ધાશ્રમ

દિરાનું ઘર વૃધ્ધાશ્રમ ઢોલરા પરિવાર દ્વારા પણ અભયભાઇને શ્રધ્ધા સુમન અર્પણ કરાયા હતા. વૃધ્ધાશ્રમના સ્થાપક પ્રમુખ મુકેશભા દોશીએ ઉંડા દુઃખની લાગણી વ્યકત કરી જણાવલ કે સ્વાંત્ર્યસેનાની પરિવારમાંથી આવતા અને રાષ્ટ્રસેવાને સમર્પિત એવા અભયભાઇ કાયદા ક્ષેત્રે પણ ખુબ ઉંચુ નોલેજ ધરાવતા હતા. પરશુરામ યુવા સંસ્થાનમાં પણ તેમનુ મોટુ યોગદાન રહેલ. દિકરાનું ઘર વૃધ્ધાશ્રમની દરેક પ્રવૃત્તિઓમાં પણ તેઓ માર્ગદર્શક બની રહેતા. તેમની ખોટ કયારેય પુરી નહીં શકાય.

બ્રહ્મસેના

બ્રહ્મતેજ રત્ન એવા અભયભાઇ ભારદ્વાજની ખોટ કાયમ વર્તાશે. તેમ જણાવી બ્રહ્મસેનાના સ્થાપક અધ્યક્ષ જગદીશ રાવલે શ્રધ્ધાંજલી અર્પણ કરી છે. હૈયે રાષ્ટ્રહીત  રાખી સમાજ સેવા માટે જીવન સમર્પીત કરી જનાર અભયભાઇ સૌના સ્નેહી બની રહ્યા.

રેસકોર્ષ પાર્ક પરિવાર

રેસકોર્ષ પાર્કના પ્રમુખ અને વોર્ડ નં. ર ના પૂર્વ પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલે અભયભાઇ ભારદ્વાજને શ્રધ્ધાંજલી અર્પણ કરતા જણાવ્યુ છે કે કાયદા નિષ્ણાંત એવા અભયભાઇએ પત્રકાર તરીકે પણ કેડી કંડારી હતી. લડાયક નેતૃત્વ ધરાવતા. નાનામાં નાના કાર્યકર સાથે ગજબનો નાતો કેળવી લેતા. તેમની ખોટ કયારેય નહીં પુરાય.

શિવસેના

શિવસેના સૌરાષ્ટ્ર પરિવારના જીમ્મી અડવાણીએ જણાવ્યુ છે કે રાજયસભાના સાંસદ અને હજારો યુવાઓના મોભી એવા અભયભાઇ ભારદ્વાજની વિદાયથી જાહેર જીવનને મોટી ખોટ પડી છે. તેમનું ડાયનામિક વ્યકિતત્વ કયારેય નહીં વિસરાય. તેમના આત્માની શાંતિ અર્થે શહેર જિલ્લાના શિવસૈનિકોએ પ્રાર્થના કરી હતી.

રેસકોર્ષ કલબ

પ્રખર ધારાશાસ્ત્રી અને રાજયસભાના સાંસદ અભયભાઇ ભારદ્વાજના નિધનથી રેસકોર્ષ કલબે વધુ એક મોભી અને માર્ગદર્શક ગુમાવ્યા છે. કલબના પાયાના પત્થર એવા વિનુભાઇ રાજયગુરૂ, નરેન્દ્રભાઇ પારેખ, તખુભા તલાટીયાની વસમી વિદાય બાદ વધુ એક મોભી ગુમાવ્યાનું દુઃખ રેસકોર્ષ કલબ અનુભવે છે. તેમ કલબના આગેવાનોએ જણાવેલ છે.

(3:53 pm IST)
  • સુરતમાં પાલનપુર પાટિયા પાસેના શાકમાર્કેટમાં દબાણ દૂર કરવા ગયેલ કોર્પોરેશનના સ્ટાફ ઉપર હુમલો થયો છે access_time 5:58 pm IST

  • વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક ઠાકોર પટેલનું નિધન access_time 12:23 am IST

  • અહેમદભાઇને શ્રદ્ધાંજલિ અર્પવા પ ડીસેમ્બરે અમદાવાદમાં આયોજન : શાહીબાગ ખાતે સરદાર સ્મારકમાં શ્રદ્ધાંજલી સભાનું આયોજન થયું છે. જેમાં રાજયભરના કોîગ્રેસના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે તેમ જાણવા મળે છે. access_time 5:58 pm IST