Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસમાં રાજકોટની બે બાળ વૈજ્ઞાનિકોના પ્રોજેકટ રાષ્ટ્ર કક્ષા માટે પસંદ

રાજકોટઃ સૌરાષ્ટ્ર એજયુકેશન ફાઉન્ડેશન તેમજ રાજકોટ મહાનગર પાલિકા સ્થાપિત શ્રી ઓ.વે.શેઠ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર રેસકોર્ષ ખાતે યોજાયેલ ''રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસ- ૨૦૧૯'' (એનસીએસસી-૨૦૧૯)ની જિલ્લા કક્ષાની સ્પર્ધામાંથી શ્રેષ્ઠ ૧૦ પ્રોજેકટ ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ ખાતે ગુજકોસ્ટ દ્વારા યોજાયેલી રાજય કક્ષાની સ્પર્ધામાં બાલભવન રાજકોટની ધો.૬માં અભ્યાસ કરતી કુ.ભગવતીબા જાડેજા અને ધોળકીયા સ્કુલમાં ધો.૯માં અભ્યાસ કરતી કુ.અમી ભૂંડીયાના પ્રોજેકટ રાષ્ટ્રકક્ષાએ પસંદગી પામ્યા છે.

રાજય કક્ષાની સ્પર્ધામાં તમામ જિલ્લાઓમાંથી આવેલા કુલ ૩૩૦થી વધુ બાળ વૈજ્ઞાનિકોમાંથી રાષ્ટ્રકક્ષાએ પસંદ થયેલા કુલ ૨૬ જેટલા પ્રોજેકટસમાંથી બે પ્રોજેકટ રાજકોટની છાત્રાઓના પસંદ થતા તેઓની શાળાના વિજ્ઞાન શિક્ષકો તથા લોક વિજ્ઞાન કેન્દ્રના સમગ્ર નિષ્ણાંતો દ્વારા તેઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

કુ.ભગવતીબા જાડેજાએ નેચરલ હેન્ડ વોશ તૈયાર કરીને તેની વિગતો પોતાના પ્રોજેકટમાં પ્રસ્તુત કરી હતી. જયારે કુ.અમિ ભૂંડીયાએ પ્રાકૃતિક રીતે આલ્કલાઈન વોટર બનાવવાની રીત અને તેનાથી થતા ફાયદાઓનો વૈજ્ઞાનિક અભ્યાસ પોતાના પ્રોજેકટમાં પ્રસ્તુત કરેલ.

આ બન્ને છાત્રાઓ આગામી ૨૭ થી ૩૧ ડિસેમ્બર દરમ્યાન તીરૂવનન્થપુરમ ખાતે યોજાનારી રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ ૨૦૧૯માં ગુજરાત રાજય તરફથી પોતાના સંશોધન પ્રસ્તુત કરશે.

(3:29 pm IST)