Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

બુટલેગરો પર પોલીસની ધોંસઃ ગાંધીગ્રામ પોલીસે ૬૦ બોટલ સાથે રિક્ષા પકડીઃ રૈયાધારમાં યુનિવર્સિટી પોલીસની ડ્રાઇવ

દેશી દારૂ સાથે રમેશ ઉર્ફ લાલો, સોનલ, ગોરધન અને હદપાર ભંગ સબબ રોહિતની ધરપકડઃ અન્ય પોલીસ મથકની કામગીરીમાં નશો કરી વાહન હંકારતા પાંચ તથા દેશી દારૂ સાથે પાંચ ઝપટે ચડ્યા

રાજકોટ તા. ૨: શહેર પોલીસે ફરીથી  દારૂના ધંધાર્થીઓ, બુટલેગરો પર ધોંસ બોલાવવાનું શરૂ કર્યુ છે. ગાંધીગ્રામ પોલીસે વિદેશી દારૂની બોટલો સાથેની રિક્ષા ઝડપી લીધી હતી. તો યુનિવર્સિટી પોલીસે સવારે રૈયાધારમાં ડ્રાઇવ યોજી દેશી દારૂ સાથે ત્રણને અને હદપાર ભંગ સબબ એકને દબોચ્યો હતો. આ ઉપરાંત અન્ય પોલીસ મથકની ટીમોએ દેશી દારૂ સાથે પાંચ શખ્સોને અને નશો કરેલી હાલતમાં પાંચને પકડ્યા હતાં.

ગાંધીગ્રામ પોલીસે ભોમેશ્વર મંદિરથી જામનગર રોડ તરફ જતાં કાચા રસ્તા પરથી કોન્સ. ગોપાલભાઇ પાટીલ અને દિગ્વીજયસિંહ ગોહિલની બાતમી પરથી જીજે૦૩એયુ-૯૫૦ નંબરની રિક્ષા પકડી લીધી હતી. જેમાંથી રૂ. ૨૭ હજારનો ૬૦ બોટલ દારૂ મળ્યો હતો. ચાલક-માલિકની શોધખોળ થઇ રહી છે. એસીપી પી. કે. દિયોરાની સુચના અને પી.આઇ. કે. એ. વાળાની રાહબરીમાં પીએસઆઇ જે. એમ. ભટ્ટ, હેડકોન્સ. સંતોષભાઇ મોરી, રાહુલભાઇ વ્યાસ, વનરાજભાઇ લાવડીયા, કનુભાઇ બસીયા, દિવ્યરાજસિંહ જાડેજા, અમીનભાઇ કરગથરા, શૈલેષભાઇ કગથરા, બ્રિજરાજસિંહ ઝાલા, દિનેશભાઇ વહાણીયા સહિતે આ કામગીરી કરી હતી.

જ્યારે આજે સવારે છ વાગ્યે યુનિવર્સિટી પોલીસ મથકના પી.આઇ. આર. એસ. ઠાકર, પીએસઆઇ ડામોર અને ટીમે રૈયાધાર વિસ્તારમાં દારૂની ડ્રાઇવ યોજી બુટલેગરોના મકાનોમાં દરોડા પાડ્યા હતાં. જેમાં રમેશ ઉર્ફ લાલો ભગવાનજીભાઇ વાગડીયાને રૂ. ૩૦૦ના આથા સાથે, સોનલ રાજુ વાઘેલાને રૂ. ૨૦૦ના દારૂ સાથે, ગોરધન જકશી જખાનીયાને રૂ. ૧૪૦ના દારૂ સાથે પકડી લેવાયા હતાં. જ્યારે હદપાર રોહિત ઉર્ફ પિયુષ પરેશભાઇ ડાભી પણ ઝપટે ચડી ગયો હતો. કુલ ૨૨ બુટલેગરોના ઘરમાં દરોડાની કાર્યવાહી થઇ હતી. પરંતુ બીજા કોઇના ઘરમાંથી કંઇ વાંધાજનક મળ્યું નહોતું.

આ ઉપરાંત અન્ય પોલીસ મથકની ટીમોએે યુનિવર્સિટી રોડ પર સ્નેહસાગર એપાર્ટમેન્ટમાં રહેતાં અભિજીતસિંહ બળવંતસિંહ જેઠવાને દારૂ પી  બાઇક હંકારતા યાજ્ઞિક રોડ પરથી, માલધારી મફતીયાપરામાંથી ગોવિંદ મોહનભાઇ મોત્રાણીયાને રૂ. ૧૦૦ના દારૂ સાથે, ચામુંડા સોસાયટીના વિજય વાલજીભાઇ વઢરૂકીયાને તથા રણુજા મંદિર પાસે રહેતાં મોહિત રમણીકભાઇ અજાણીને દારૂ પી કાર જીજે૦૩સીઆર-૯૨૫૮ હંકારતો ગ્રીનલેન્ડ ચોકડીએથી પકડી લેવાયો હતો.

આ ઉપરાંત ચુનારાવાડમાંથી ચંપા ધીરૂ સોલંકીને રૂ. ૧૦૦ના દારૂ સાથે, હુડકો ફાયર બ્રિગેડ પાછળ સિતારામ સોસાયટીમાં રહેતાં રાજેશ ધીરજલાલ ગોહેલને દારૂ પી વાહન હંકારતા ચુનારાવાડ ચોકમાંથી, વિજયનગરના કમલ અમૃતલાલ ખંભાયતાને દારૂ પી બાઇક હંકારતા કોઠારીયા રોડ કોમ્યુનિટી હોલ સામેથી, રણુજાનગરની હંસા શામજીભાઇ વરાણીયાને રૂ. ૧૨૦ના દારૂ સાથે, લક્ષ્મીનગર શાક માર્કેટ પાસેથી મુકેશ કેશાભાઇ પંચાલને રૂ. ૨૦૦ના દારૂ સાથે, પોપટપરા રોડ પરથી ધર્મેશ અજીતભાઇ વાઘેલાને રૂ. ૫૦૦ના એક બોટલ દારૂ સાથે તથા રૈયાધારમાંથી વસંતબેન પ્રવિણ સાડમીયાને રૂ. ૨૦૦ના દેશી દારૂ સાથે પકડી લેવાયા હતાં. તસ્વીરમાં રૈયાધારમાં દારૂની ડ્રાઇવના દ્રશ્યો તથા ગાંધીગ્રામ પોલીસે કબ્જે કરેલો વિદેશી દારૂ અને રિક્ષા જોઇ શકાય છે.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી રવિમોહન સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયા તથા તમામ ઝોનના એસીપીશ્રીઓની રાહબરી અને સુચના હેઠળ દારૂડીયાઓ પર પોલીસની ટીમો દરરોજ ધોંસ બોલાવશે.

(1:08 pm IST)