Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

વિકાસના મુદ્દાથી જ્ઞાતિવાદના ગંદા ખાબોચીયા ભણી લઈ જવાની કોંગ્રેસની ચાલ સફળ નહિં થાય : અંજલીબેન

રાજકોટ, તા. ૨ : શ્રીમતિ અંજલિબેન રૂપાણીએ રાજકોટ વિધાનસભા ૬૯ મતવિસ્તારમાં શ્રી વિજયભાઈ રૂપાણીના સમર્થનમાં જૂથ સભા સંબોધતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ગુજરાતમાં યોજાનારી સભા કોંગ્રેસની રહીસહી આશાઓ પર પાણી ફેરવી નાખ્યું છે. આખા રાજયના મતદારો મોદીજીની જાહેરસભાઓ માટે પ્રતિક્ષા કરી રહ્યાં છે. એમના છટાદાર વકતવ્યો અને સ્પષ્ટ વિચારોથી ગુજરાત વાકેફ છે અને આ વખતે પણ આવી જ ધુંવાધાર બેટિંગ તેઓ કરી રહ્યા છે. કોંગ્રેસે તેમના જોકરોની ટોળકી બહુ વહેલાં જ લોકો વચ્ચે મૂકીને નુકસાની વ્હોરી લીધી છે, ભાજપનો તો હુકમનો એક્કો જ હજુ  બાકી હતો.

છેલ્લા બે દિવસથી ગુજરાત ગજવી રહેલા શ્રી મોદીજી કોંગ્રેસની ગુજરાત વિરોધી નીતિઓને ઉઘાડી કરી રહ્યા છે અને તેઓ જે સ્ફોટક તથ્યો રજુ કરી રહ્યા છે તેનાથી રાજયની જનતાની આંખ ઉદ્યડી ગઈ છે. બીજી તરફ ભાજપના ઉમેદવાર શ્રી વિજયભાઈ રૂપાણીને આખા મતવિસ્તારમાંથી ઉષ્માસભર આવકાર મળી રહ્યો છે. જુથસભામાં શ્રીમતી અંજલીબહેનએ કહ્યું હતું, ભાજપને મત એટલે સ્થાનિક સ્તરે કાર્યો કરતાં રાષ્ટ્રવાદી કાર્યકર્તાઓથી લઈ સર્વોચ્ચ સ્થાને પ્રહરીની ભૂમિકામાં રહેલા પ્રધાન સેવક એવાં શ્રી નરેન્દ્રભાઈ મોદીને સમર્થન.

આ મતવિસ્તારની જનતાને સંબોધતા શ્રીમતી અંજલીબહેનએ ચાબખાં માર્યાં હતાં કે, ગુજરાતની ચૂંટણીને વિકાસના મુદ્દાથી જ્ઞાતિવાદના ગંદા ખાબોચિયાં ભણી લઈ જવાની કોંગ્રેસની ચાલ સફળ નહીં થાય. વડાપ્રધાન શ્રી આ પ્રકારની નિમ્ન કક્ષાની રાજનીતિની દવા જાણે છે. ગુજરાતની રાજનીતિથી અને સમર્પિત જાહેરજીવનથી આખું ગુજરાત પરિચીત પણ છે અને આ બધી બાબતોનું સાક્ષી પણ રહ્યું છે. સભાના અંતમાં વિજયભાઈને જંગી બહુમતીથી જીતાડવા સૌએ સંકલ્પ લીધો હતો.

લોકસંપર્ક દરમિયાન મેયર જૈમનભાઈ ઉપાધ્યાય, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પૂર્વ મેયર ઉદયભાઈ કાનગડ, ભાજપ કાર્યકર હેમેનભાઈ જલુ વિ. જોડાયા હતા. ભાજપના અન્ય ઉમેદવારો ગોવિંદભાઈ પટેલ અને અરવિંદભાઈ રૈયાણી પ્રચાર પ્રસારની કામગીરીમાં જોર લગાવી રહ્યા છે.

(4:52 pm IST)