Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

બે દિ' પહેલા સિવિલ હોસ્પિટલમાંથી ગૂમ થયેલા ખાંટ પ્રૌઢની લાશ મળી

પત્નિ સાથે વાસાવડથી દવા લેવા આવેલા મનસુખભાઇ ખાંટની ગોંડલ રોડ પરથી લાશ મળીઃ પરિવારજનોએ લાશ ઓળખી બતાવી

રાજકોટ તા. ૨: ગોંડલ રોડ પર રાજકમલ પેટ્રોલ પંપ સામેથી અજાણ્યા પુરૂષની લાશ ગઇકાલે મળી હતી. આ લાશ ગોંડલના વાસાવડના ખાંટ પ્રૌઢ મનસુખભાઇ નરસીભાઇ મકવાણા (ઉ.૫૦)ની હોવાનું ખુલ્યું છે.

ગઇકાલે અજાણ્યા પ્રૌઢની લાશ મળી આવતાં માલવીયાનગરના પીએસઆઇ જે. કે. પાંડાવદરા, એએસઆઇ ગુલાબદાસ કુબાવત અને રાઇટર પ્રશાંતસિંહે જરૂરી કાર્યવાહી કરી મૃતકના વાલીવારસની શોધખોળ આદરી હતી. દરમિયાન વાસાવડ રહેતાં મનસુખભાઇ ખાંટ બે દિવસ પહેલા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પત્નિ મંજુબેન સાથે માનસિક બિમારીની દવા લેવા આવ્યા ત્યારે સિવિલમાંથી ગૂમ થઇ ગયા હોઇ પ્ર.નગર પોલીસને જાણ કરાઇ હતી. અજાણ્યા પ્રૌઢની લાશ મળી તેનું વર્ણન મનસુખભાઇ સાથે મળતું હોઇ પરિવારજનોએ આવી લાશ જોતાં તે મનસુખભાઇની જ હોવાનું સ્પષ્ટ થયું હતું. મોત બિમારીથી થયું કે પછી બેભાન થઇ પડી ગયા બાદ ઠંડીમાં આવી જવાથી? તે ંઅંગે તપાસ થઇ રહી છે. મૃતકને સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. પોતે ચાર ભાઇ અને એક બહેનમાં બીજા હતાં. (૧૪.૧૦)

 

(4:46 pm IST)