Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

જાહેર સભાઓ માટે હવે ઢેબર ચોક, શાસ્ત્રી મેદાન ભૂતકાળ

૧૯૭૦ થી ૯૦નાં દાયકાઓ સુધી ઢેબર ચોક, શાસ્ત્રી મેદાન સહિતના સ્થળો જાહેર સભા માટે હોટ-ફેવરીટ હતાઃ લોકો સ્વયંભૂઆવતાઃ ૨૦૦૦ પછી જાહેર સભા માટે મવડી ચોકડી, ૧૫૦ ફુટ રીંગ રોડ નાના મૌવા, પેડક રોડ, સોરઠીયા વાડીનાં મેદાનો પસંદ થવા લાગ્યા

રાજકોટ,તા.૨: બે દાયકા પહેલા લોકસભા, વિધાનસભા, કોર્પોરેશનની ચૂ઼ંટણીની વાત  આવે એટલે લોકો શહેરના શાસ્ત્રી મેદાન, ઢેબર રોડ તથા ફુલછાબ ચોક સહિતનાં સ્થળોએ જાહેર સભા યોજાશે તેવો મનોમન વિચાર કરી લેતા હતા અને લોકો સ્વયમભુ ઉમટી પડતા હતા. આજના સમયમાં આ સ્થળો ભુતકાળ બની ગયા છે. હવે જુના રાજકોટમાં આવેલા આ સ્થળોએ ટ્રાફિકની સમસ્યાઓ સર્જાય રહી છે. આથી જાહેરસભાઓ ન્યુ રાજકોટનાં મેદાનમાં યોજવાનું શરૂ થયુ છે. જો કે બન્ને યુગમાં ફેરફાર એટલો થયો છે કે અગાઉ જાહેર સભામાં લોકો સ્વયંભુ આવતા હતા અને હવે જાહેરસભામાં લોકોને લઇ જવા પડે છે.

બે દાયકા પહેલા ચૂંટણીની સભાઓ શહેરનાં શાસ્ત્રીમેદાન, ઢેબર ચોકમાં યોજાતી હતી. કોર્પોરેશન સહિત સ્થાનિક ચૂંટણીઓ માટે ચીમનભાઇ શુકલ, અરવિંદભાઇ મણિયાર તથા ગોધુમલભાઇ આહુજા, મનોહરસિંહજી જાડેજા સહિતનાં ભાજપ-કોંગ્રસનાં નેતાઓ શાસનની ગાદી માટે તંદુરસ્ત ચર્ચાઓ કરતા હતા. આ ધુરંધર વકતાઓને સાંભળવા જનમેદની ઉમટી પડતી હતી.

જયારે શાસ્ત્રી મેદાનમાં ઇન્દિરા ગાંધી, અટલબિહારી વાજપાઇ સહિતનાં રાષ્ટ્રિય કક્ષનાં નેતાઓની જાહેરસભા યોજાતી હતી. જુની પેઢીનાં લોકોની ચર્ચાઓ મુજબ એ  સમયમાં લોકો રાષ્ટ્રીય નેતાની જાહેરસભા સાંભળવા સોરાષ્ટ્ર ભર માંથી આવતા હતા.

ભાજપ-કોંગ્રેસનાં નેતાઓ પણ સભા સાંભળતા

 એ સમયમાં ભાજપ-કોંગ્રેસનાં નેતાઓ , કાર્યકરો પણ કોઇ પણ પક્ષનાં નેતાની જાહેર સભા સાંભળવા જતા હતા. લોકો સાથે બેસતા હતા.

અટલબિહારી વાજપાઇની સભા સાંભળવા લોકો રજા રાખતા

પુર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપાઇની સભાઓ સાંભળવા જનમેદની ઉમટી પડતી હતી અને લોકો નોકરી-ધંધાઓમાં રજા રાખી સભા સંાભળવા  આવતા હતા.અટલજીનાં વકતવ્યમાં શાયરી-કવિતાની બોલબાલા રહેતી હતી.

હવે વર્ષ ૨૦૦૦ બાદ જુના રાજકોટનાં ઢેબર રોડ, શાસ્ત્રીમેદાન સહિતનાં સ્થળોએ ટ્રાફિકની સમસ્યાઓ ઉત્પન્ન થતાં જાહેર સભાઓ રેસકોર્ષ મેદાન, મવડી ચોકડી અને નાના મૌવા મેદાન જેવા સ્થળોએ યોજાય છે.(૨૮.૨)

 

(5:15 pm IST)