Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

કોળી સમાજ કોઇ પક્ષનું પીઠ્ઠુ નહી બનેઃ એકતા મંચની રચના

અમરેલી જીલ્લામાં ૧૦ લાખ કોળી મતદારો છતાં'ય વર્ષોથી અન્યાયઃ વિનોદ નાગાણીઃ લોકો સરકારીસહાયથી વંચીત રહે છેઃ મહંત રતનદાસબાપુઃ માત્ર એક જ સમાજ સરકારને દબાવી રહ્યો છે જે હવે નહી ચાલેઃ ઇતર સમાજ-ઓ.બી.સી. એકતા મંચ તળે એકત્રીત થઇ હક્કની લડત માંડશેઃ પત્રકાર પરિષદમાં જાહેરાત

અન્યાય સામે લડતના મંડાણ : કોળી-ઇત્તર સમાજને રાજકીય પક્ષો દ્વારા સતત અન્યાય થઇ રહ્યો હોઇ હવે આ અન્યાય સામે લડવા સૌરાષ્ટ્ર-ઇત્તર સમાજ અને ઓ.બી.સી. એકતા મંચની રચના કરાઇ છે જે અંગે માહિતી આપવા યોજાયેલ પત્રકાર પરિષદમાં ઉપસ્થિત વિનોદભાઇ નાગાણી, મહંત રતનદાસબાપુ ગોંડલિયા, લાલજીભાઇ, વિક્રમભાઇ , રાજુભાઇ ધરજીયા, વિપુલભાઇ વાઘેલા, વિનુભાઇ મકવાણા, જયંતિભાઇ સોરાણી વગેરે આગેવાનો દર્શાય છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ર :.. સૌરાષ્ટ્રમાં કોળી, સહિતનાં ઇતર સમાજનાં મતદારોને એકત્રીત કરી અને તેઓને થતાં અન્યાય સામે લડત માંડવા સૌરાષ્ટ્ર ઇતર સમાજ - ઓબીસી એકતા મંચ (બક્ષીપંચ)ની રચના કરવામાં આવી હોવાનું અને હવે કોળી સમાજ કોઇ રાજકિય પક્ષનું પીઠ્ઠુ નહી બને તેમ રાજકિય ક્ષેત્રનાં યુવા અગ્રણી વિનોદભાઇ નાગાણીએ જાહેર કર્યુ હતું.

આ અંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં એકતા મંચની સ્થાપનાં અંગે વિગત વાર માહિતી આપતાં વિનોદભાઇ નાગાણીએ જણાવ્યું હતું કે હાલની સ્થીતીમાં સૌરાષ્ટ્રનાં લાઠી, ગઢડા, વિંછીયા, જસદણ, રાજકોટ-૬૮, રાજકોટ-૭૧, દામનગર-સાવર કુંડલા વગેરે વિધાનસભા વિસ્તારોમાં કોળી ઉપરાંત ઇતર સમાજનું વર્ચસ્વ છે.

આમ છતાં છેલ્લા બે દાયકાઓથી આ વિસ્તારોમાં ભાજપ-કોંગ્રેસ દ્વારા કોળી ઇતર સમાજની અવગણના કરી છ.

તેઓએ દાખલો આપતા જણાવ્યું હતું કે અમરેલી જીલ્લામાં ૧ાા લાખ મતદારો કોળી - ઇતર સમાજનો છે છતાં ત્યાં માત્ર એકજ સમાજનાં પ્રતિનિધીને ટીકીટ આપે છે. અને આ એકજ સમાજ સરકારને દબાવે છે.

પાર્ટી ફંડ આપનારાને ભાજપે ટીકીટ આપી

વિનોદભાઇએ એવો આક્ષેપમાં તકે કર્યો હતો કે આ વખતે પણ લાઠી, બાબરા, દામનગર-૯૬ વિધાનસભા બેઠકમાં ભાજપે  કરોડો રૂપિયાનું ભંડોળ પાર્ટીને આપનાર વ્યકિતને ટીકીટ આપી છે. અને સંનિષ્ઠ કાર્યકરોની અવગણનાં થઇ છે.

પરંતુ હવે આવો અન્યાય સહન નહી કરાય માટેજ આ એકતા મંચની રચના કરી કોળી-ઇતર સમાજનાં લોકોને તેનાં હકકની લડાઇ લડવા જાગૃત કરી અને આ સમાજને નેતૃત્વ પુરૂ પાડશે.

વિનોદભાઇએ આ પત્રકાર પરિષદમાં વર્તમાન સરકારમાં દરેક સ્તરે ભ્રષ્ટાચાર હોવાના આક્ષેપો કરી આને લોકશાહી કહેવી ? કે સરમુખત્યાર શાહી? તેવો સવાલ ઉઠાવ્યો હતો.

આ પત્રકાર પરિષદમાં ઉપસ્થિત જેસડીયા હનુમાનજીની જગ્યાનાં મહંત રતનદાસબાપુએ પણ લોકો સરકારી સહાયથી વંસત રહેતાં હોવાનાં આક્ષેપો કરી પછાત વર્ગને થતો આ અન્ય દુર કરવા માંગ ઉઠાવેલ.

આ ઉપરાંત ઉપસ્થિત લાલજીભાઇ મેર (લાઠી), વિક્રમભાઇ (લાઠી), જયંતીભાઇ સોરાણી (રાજકોટ), વિનુભાઇ મકવાણા (લાઠી), રામજીભાઇ, રાજૂભાઇ ધરાજીયા (લાઠી), વિપુલભાઇ વાઘેલા (કરીયાણા), વગેરે આગેવાનોએ ઇતર સમાજને થતાં અન્યાય સામે એકજૂથ થઇને લડવાની કટીબધ્ધતા વ્યકત કરી હતી.

-તો હું અલ્પેશ ઠાકોરની જગ્યાએ હોત

રાજકોટ : કોળી-ઇત્તર સમાજ ઓબીસી એકતા મંચના પ્રણેતા વિનોદભાઇ નાગાણીએ પત્રકાર પરિષદમાં જાહેર કર્યું હતું કે, છેલ્લા રર વર્ષથી હું રાજકીય-સામાજીક ક્ષેત્રે સેવા આપું છું. અપક્ષ તરીકે ચૂંટણી લડયો છું, પરંતુ દરેક વખતે ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષોએ મારો અને કોળી સમાજનો ઉપયોગ કરી લીધો. વિનોદભાઇ નાગાણીએ એવું પણ જાહેર કર્યું હતું 'મને હાર્દિકની સામે ઝુબેશ ચલાવવા પણ કહેવાયું, પરંતુ મે આ બાબતની સ્પષ્ટ 'ના'પાડી દીધી હતી. આથી તેઓએ અલ્પેશ ઠાકોરને બોલાવ્યા આમ જો વિનોદભાઇએ હા પાડી હોત તો તેઓ અલ્પેશ ઠાકોરની જગ્યા હોત તેવો સ્પષ્ટ નિર્દેશ તેઓએ આ પત્રકાર પરિષદમાં આપ્યો હતો.

 

(4:42 pm IST)