Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

જનતાની સમસ્યાઓ દુર કરવા નરેન્દ્રભાઈ કટીબદ્ધઃ રાજકોટ- અમદાવાદ સિકસલેન હાઈવે સાહેબની દેન

નરેન્દ્રભાઈના આગમન - યુપીની જીતને વધાવતા રાજુભાઈ ધ્રુવ

રાજકોટ, તા. ૨ : ગુજરાતના પનોતા પુત્ર અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી આવતીકાલે રવિવારે રાજકોટ આવી રહ્યા છે ત્યારે તેમને આવકારવા માટે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર થનગની રહ્યું છે તેમ જણાવી ભાજપના પ્રદેશ પ્રવકતા રાજુભાઇ ધ્રુવે જણાવ્યું છે કે, સૌની યોજનાનો અમલ કરવી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સૌરાષ્ટ્ર-કચ્છની પાણીની સમસ્યા હલ કરી દીધી છે. પીવાના પાણી ઉપરાંત સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ બનતા ધરતી ઉપર કાચુ સોનુ ઊગી રહ્યું છે. શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજકોટને અમદાવાદ સાથે સિકસ લેન હાઈ-વેથી અને મોરબીને ફોર લેન હાઈ-વેથી જોડવાનાં નિર્ણય તેમજ ઓખા-બેટ દ્વારકા વચ્ચે બ્રીજ બનાવવાનાં નિર્ણયથી લઈ અનેકવિધ યોજનાઓ વડે તેમણે સમગ્ર સૌરાષ્ટ્રના વિકાસને વેગ આપ્યો છે. આ સિવાય પણ વડાપ્રધાને નાની મોટી અનેક યોજનાઓને દ્વારા આ વિસ્તારને રળિયામણો બનાવ્યો છે.

નરેન્દ્રભાઈ જયારથી વડાપ્રધાન  બન્યા ત્યારથી દેશમાં શાંતિ, સ્વચ્છતા અને શિસ્તતાનું વાતાવરણ બની રહ્યું છે. વળી, પાકિસ્તાન સામે કરેલી સર્જિકલ સ્ટ્રાઈક અને ચીન-દોકલામ સરહદી મુદ્દે સ્વમાનભેર ચીની સેનાને ઘરભેગી કરવાની મોદીજીની કૂટનીતિનાં દુનિયાએ નોંધ લઈ વખાણ કર્યા છે. આ સિવાય જેમ બાળકને માતા તેના આરોગ્ય માટે કડવી દવાનાં દ્યૂંટ પીવડાવે તેમ દેશનાં તંત્ર માટે નરેન્દ્રભાઈએ કાળજે પથ્થર મૂકી અમૂક આકરા પગલાંઓ પણ ભર્યા છે. નરેન્દ્રભાઈ મોદી એક લોકપ્રિય જન નેતા છે. તેઓ લોકોની સમસ્યાઓને દૂર કરવા તથા તેના જીવન સ્તરમાં સુધાર લાવવા માટે સતત પ્રતિબદ્ઘ છે.

તેઓ ભારતના સૌથી મોટા ટેકનોસેવી નેતાના રૂપમાં પણ ઓળખાય છે. તેઓ લોકો સુધી પહોંચવા અને તેમના જીવનમાં બદલાવ લાવવા માટે ટેકનોલોજીનો આધુનિક રીતે ઉપયોગ કરે છે. આ કારણે નરેન્દ્રભાઈ કોઇપણ વ્યકિત સાથે આસાનીથી સંપર્ક કેળવી શકે છે અને લોકસમસ્યાને પળવારમાં જાણી દૂર કરી શકે છે.

ઉત્તરપ્રદેશમાં નગર - નિગમોની ચૂંટણીમાં ભાજપના થયેલા ભવ્ય વિજયને વધાવતા રાજુભાઈ ધ્રુવે કહ્યું કે યુપીમાં પરાજય પામનાર કોંગ્રેસ ગુજરાતને જ્ઞાતિ - જાતિના ભેદભાવ ઉભા કરી અરાજકતા તરફ ધકેલી રહેલ હોવાનું યાદીમાં જણાવ્યુ હતું.(૩૭.૧૫)

 

(4:39 pm IST)