Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

જામનગર હાઇ-વેની રોનક વધારવા માધાપરથી ખંઢેરી ક્રિકેટ સ્ટેડીયમ સુધી સ્ટ્રીટલાઇટ જરૂરી

આ વિસ્તાર મ.ન.પા.ની હદમાં ભળી ગયો છે ત્યારે અન્ય હાઇ-વેની જેમ આ રોડ ઉપર પણ સ્ટ્રીટ લાઇટો નાંખવા જાગૃત નાગરીક નલીનભાઇ ભટ્ટની રજુઆત

રાજકોટ તા. ર : જામનગર હાઇવે પરના માધાપર ત્થા ઘંટેશ્વર સહીતના વિસ્તારો મ.ન.પા.ની હદમાં ભળી ગયા છે ત્યારે જામનગર હાઇ-વે ઉપર અન્ય હાઇ-વેની જેમ સ્ટ્રીટ લાઇટો નંખાવી રોનક વધારવા આ વિસ્તારના જાગૃત નાગરીક નલીનભાઇ ભટ્ટે માંગ ઉઠાવી છે.

આ બાબતે શ્રી ભટ્ટે સુચન કર્યું હતું કે જામનગર હાઇ-વે પર માધાપર અને ઘંટેશ્વરની હદ મ.ન.પા.માં ભેળવી દેવાઇ છે ત્યારે અહી સ્ટ્રીટ લાઇની સુવિધા જરૂરી છે.

આ વિસ્તાર હવે વિકસી રહ્યો છે. એઇમ્સ હોસ્પીટલ સહીતની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ બનાવાની છે ઉપરાંત માધાપર ચોકડીએ બ્રીજ બની રહ્યો છે. ત્યારે માધાપર ચોકડીથી ખંઢેરી ક્રિકેટ સ્ટેડીયમ સુધી સ્ટ્રીટ લાઇટો નાખવામાં આવે તો નવી સુવિધા સાથો-સાથ આ રોડની રોનકમાં પણ વધારો થશે.

નોંધનિય છે કે કાલાવડ રોડ ઉપર રૂડા સાથે સંકલન સાધીને મેટોડા સુધી સ્ટ્રીટ લાઇટ નાખવામાં આવી છે. આજ પ્રકારે ગોંડલ ચોકડી, ગ્રીન લેન્ડ ચોકડી વગેરે હાઇ-વે પર પણ સ્ટ્રીટ લાઇટો છે. ત્યારે જામનગર હાઇ-વે ઉપર પણ સ્ટ્રીટ લાઇટો નાંખવી જરૂરી છે.

(4:05 pm IST)