Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

વિદેશી દારૂના જથ્થા સાથે પકડાયેલા બે આરોપીઓનો નિર્દોષ છુટકારો ફરમાવતી કોર્ટ

રાજકોટ તા. રઃ વિદેશી દારૂના જથ્થા સાથે પકડાયેલ આરોપીઓનો નિર્દોષ છુટકારો અદાલતે ફરમાવેલ હતો.

આ બનાવની વિગત એવી છે કે તા. ર૬/૧૦/ર૦૧૦ ના રોજ એ-ડીવીઝન પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. એમ. કે. બાંભણીયા પોતાના સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાંો પેટ્રોલીયમમાં હતા ત્યારે સાથેના પોલીસ કોન્સ્ટેબલ મહાવીરસિંહ જાડેજાને ખાનગી રાહે બાતમી મળેલ કે કલ્પેસ આંબલીયા તથા તેની સાથેનો એક માણસ સોની બજારમાંથી ઇંગ્લીશ દારૂનો જથ્થો લઇને નીકળવાના છે જેથી ઉપરોકત જગ્યાએ ખાનગી રાહે વોચ ગોઠવી ઉપરોકત બાતમી મુજબના માણસ નીકળતા પોતે પોતાનું નામ (૧) કલ્પેસ અરવિંદભાઇ આંબલીયા, રહે. મનહર પ્લોટ, શેરી નં. ૧ર તથા (ર) મુકેશ કાનાભાઇ કેશવાલા, રહે. શ્રીનાથ પાર્ક, કાલાવડ રોડ, રાજકોટવાળા હોવાનું જણાવેલ અને તેની થેલીમાંથી ઇંગ્લીશ દારૂની બોટલ નંગ ર૭ મળી આવેલ જેથી તેઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પુરતો પુરાવો હોય ચાર્જશીટ કરેલ હતું.

ત્યારબાદ ઉપરોકત કેસ ચાલી જતા ઉપરોકત કામમાં પંચો મળી આવેલ નહીં ફરીયાદી તેમજ તપાસ કરનાર અધિકારી એક જ હોય તેઓ હયાત ન હોય તેઓનો મરણનો દાખલો રેકર્ડ ઉપર આવેલ. તેમજ સદર કામે અન્ય પોલીસ સાહેબ અનિરૂધ્ધસિંહ ભીખુભા, ચેતનસિંહ તેમજ મહાવિરસિંહને તપાસવામાં આવેલ. જે કામમાં આરોપી વિરૂધ્ધ કોઇ સ્વતંત્ર સાહેદોને નિવેદનો ન હોય તેમજ તપાસ કરનાર અધિકારી પણ સદર કામે મરણ ગયેલ હોય તેમજ પ્રોહિબિશનના ગુનામાં મહત્વના સાહેદ ગણી શકાય તેવા બન્ને પંચો પણ મળી આવેલ ન હોય માત્ર પોલીસ સાહેદની જુબાની ધ્યાને લઇ આરોપી વિરૂધ્ધનો કેસ સાબિત માની ન શકાય. તેમજ નામદાર ઉચ્ચ અદાલતોના પ્રસ્થાપીત થયેલ સિધ્ધાંતોને ધ્યાને લઇ ફરીયાદ પક્ષ સદર કામે આરોપી વિરૂધ્ધનો કેસ સાબીત કરવામાં નિષ્ફળ નિવડેલ હોય. આરોપી પક્ષે આરોપીના એડવોકેટ નિર્દોષ ઠરાવી છોડી મુકવા દલીલ કરેલ હતી.

ઉપરોકત દલીલોને ધ્યાને લઇ કોર્ટે (૧) કલ્પેસ અરવિંદભાઇ આંબલીયા, (ર) મુકેશ કાનાભાઇ કેશવાલાને નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ ફરમાવેલ હતો. ઉપરોકત કામમાં બન્ને આરોપી તરફે રાજકોટના ધારાશાસ્ત્રી અમીત જનાણી, જીતેન્દ્રસિંહ પરમાર તથા ઇકબાલ થૈયમ રોકાયેલ હતા.

(3:23 pm IST)