Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

મોરબીના ચકચારી મમુદાઢીની હત્યા કેસમાં હથીયાર રાખનાર આરોપીના જામીન મંજુર

રાજકોટ તા. ર : મોરબીના ચકચારી મમુ દાઢીની હત્યાના કેસમાં વપરાયેલ હથીયારોનો જથ્થો કબજે કરાયેલ આરોપીની જામીન અરજી ટંકારા કોર્ટે મંજુર કરવાનો હુકમ કર્યો છે.

આ કેસની હકિકત એવી છે કે, દોઢેક મહિના પહેલા મોરબીમાં બનેલ ચકચારી મહમદ હનીફ ઉર્ફે મમુ દાઢી હત્યાના મુખ્ય આરોપી આરીફ મીર તથા અન્ય ઇસમો કે જેઓ આ હત્યાકાંડ બાદ ઘણા સમયથી ફરાર હોય આ આરોપીઓ હત્યાના કામમાં વાપરેલ હથીયારો તથા જીવતી કાર્ટીઝો તથા તેને લગતી ગુનાહિત કૃત્ય કરવાના કામમાં વપરાયેલ હથીયારો જેવા કે ર-દેશી બનાવટની સેમી-ઓટોમેટીક પીસ્ટલ, અલગ-અલગ લોખંડના મેગઝીન, અલગ-અલગ પીસ્તલના જીવતા કાર્ટીઝ નંગ-પ૩, બાર બોર ગનના જીવતા કાર્ટીઝ નંગ-ર૭ તથા એક લોખંડ ફાઇબરનું શસ્ત્ર ઉપર લગાવી શકાય તેવું ટેલીસ્કોપ સાઇટ તા.ર૪/૧૦/ર૧ ના રોજ ખાનગી રાહે બાતમીના આધારે આદમભાઇ ઉર્ફે ઇસાભાઇ અબ્રાણી નામના ટંકારના રહેવાસી શખ્સના ઘરે રેડ કરતા તેમના મકાનમાં આવેલ રૂમમાં પેટી પલંગમાંથી આ ગુનાના કામમાં વાપરેેલ હથીયારો કબજે કરેલા અને આદમભાઇ ઉર્ફે આદુ ઇસાભાઇ અબ્રાણી તથા આરીફ ગુલમહમદભાઇ મીર તથા અન્ય અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ટંકારા પોલીસ દ્વારા આર્મસ એકટની કલમ-રપ (૧-બી) એ.ર૯ તથા જી.પી.એકટની કલમ-૧૩પ મુજબની ફરીયાદ નોંધી આદમભાઇ અબ્રાણીની ધરપકડ કરેલ અને ત્યારબાદ તેઓને ટંકારા કોર્ટમાં રજુ કરી ૧૪-દિવસના રીમાંડ માંગતા નામદાર કોર્ટએ પ-દિવસના રીમાંડ મંજુર કરેલ ત્યારબાદ રીમાંડ પુરા થતા ગઇકાલે તા.૧/૧૧ ના રોજ ટંકારા કોર્ટમાં રજુ કરેલ છે.

ત્યારબાદ આરોપી આદમભાઇ ઉર્ફે આદુ ઇસાભાઇ અબ્રાણીએ રેગ્યુલર જામીન મેળવવા માટે નામદાર કોર્ટમાં તેમના એડવોકેટ સત્યજીત જે.ભટ્ટી તથા સચીન બી.સગપરીયા દ્વારા જામીન અરજી કરેલ તેમના એડવોકેટ દ્વારા એવી દલીલ કરવામાં આવેલ કે ખરી હકીકતે આરોપી આદમભાઇ અબ્રાણી આ કામે કોઇ ગુનાહિત કૃત્યમાં સંડોવાયેલ નથી. મોરબીમાં ચકચારી બનેલ હત્યા કેસમાં આરોપી મળી આવતા ન હોય જેથી આ કામે પોલીસ અધિકારીએ ખોટી કાર્યવાહી બતાવવા નિર્દોષ વ્યકિતને સંડોવેલ છે. આ આદમભાઇ અબ્રાણી વિરૂધ્ધ અગાઉ કોઇ ગુનો દાખલ થયેલ નથી કે તેઓ આરીફભાઇ મીરની સાથે કોઇપણ રીતે સંકાળયેલ ન હોય કે કોઇ કુખ્યાત ગેંગના સભ્ય ન હોય તેમ છતા આવા ખોટા ગુનાના કામમાં સંડોવી તેઓની ધરપકડ કરવામાં આવેલ છે.

આદમભાઇનું હત્યાના કામમાં નામ ખુલેલ નથી કે કોઇપણ આરોપીઓએ તેઓ આ હત્યાના કામમાં સંડોવાયેલ હોય તેવું પોલીસ સમક્ષ નિવેદન આપેલ નથી આમ છતા તેઓ વિરૂધ્ધ ખોટો ગુનો નોંધી તેઓને જેલ હવાલે કરવામાં આવે તો સમાજમાં તેઓની પ્રતિષ્ઠાને ખુબજ હાની પહોંચે તેમ છે તથા તેઓ ટંકારાના જ રહેવાશી છે તેઓની જયારે જયારે જરૂર પડે ત્યારે તપાસના કામમાં સહકાર આપવા તૈયાર હોય તેવી હકીકત કોર્ટ સમક્ષ રજુ  કરવામાં આવેલી જેન ેકોર્ટ દ્વારા ગ્રાહ્ય રાખી ટંકારા કોર્ટએ કેસના સંજોગો તથા કાયદાના સિધ્ધાંતો ધ્યાને રાખી આરોપીઓને જામીન પર મુકત કરવાનો હુકમ કરેલ છે.

આ કેસમાં આરોપી આદમભાઇ ઉર્ફે આદુ ઇસાભાઇ અબ્રાણી વતી રાજકોટના ન ધારાશાસ્ત્રી સત્યજીત જે.ભટ્ટી તથા સચીન બી. સગણરીયા રોકાયેલ.

(3:22 pm IST)