Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

સુરક્ષીત રીતે ફટાકડા ફોડવા માટેની ટીપ્સ

દિવાળી ફરીથી તેના પૂરા દોરદમામ અને આનંદમંગલ સાથે આવી છે. પ્રકાશનો આ ઉત્સવ તેની પૂજા અને ભકિત લાવે છે. આપણે દીવડા પ્રગટાવીએ છીએ, નવા કપડા, મિઠાઈ અને ફટાકડા પણ ફોડીએ છીએ. ફટાકડા આ તહેવારોનો એક અનિવાર્ય ભાગ છે. પરંતુ કોઈપણ હોનારત ન સર્જાય તેવી યોગ્ય રીતે ફટાકડા ફોડવા જોઈએ. આ તહેવારો દરમ્યાન વિશેષ કરીને બાળકો વધારે ફટાકડા ફોડતા હોય છે અને બાળકો ફટાકડા ફોડતી વખતે આનંદના અતિરેકમાં કયારેક બેદરકારી પણ દાખવતા હોય છે અને તેને કારણે બાળકોમાં દાઝી જવાના કિસ્સા વિશેષ જોવા મળે છે. વોકહાર્ટ હોસ્પિટલના ઈન્ટેન્સીવીસ્ટ અને બાળરોગ નિષ્ણાંત ડો.મેહુલ મિત્રાએ અહિંયા કેટલાક સરળ પરંતુ અગત્યના પગલાઓથી બાળકો સલામત રીતે ફટાકડા ફોડી શકે તે માટે અગત્યના સૂચનો કરેલ છે.

 ફટાકડાથી દાઝી જવાની શકયતા મુખ્ય હોય છે તથા અવાજ અને ધુમાડાને કારણે પણ તકલીફ થવાની શકયતા હોય છે તેથી ખુલ્લી જગ્યા શોધી કાઢો અને એ બાબતે ખાત્રી કરી લેવી કે ત્યાં આસપાસ સળગી ઉઠે અને નાશ પામે તેવી કોઈ ચીજ નથી. જો હોય તો તુરંત જ તેને ત્યાંથી હટાવો. હંમેશા સરકાર માન્ય દુકાનમાંથી જ ફટાકડા ખરીદવાનો આગ્રહ રાખો.

 નાના બાળકો ફટાકડા મોઢામાં ન નાખે તેનું ધ્યાન રાખો. ફટાકડા ફુટતા હોય તેવા વિસ્તારમાંથી નાનકડા બાળકોને તો દુર જ રાખો, ઘરમાં ફટાકડા એવી જગ્યાએ રાખવા કે નાના બાળકોના હાથમાં ન આવે. બાળકની સાથે મોટા વ્યકિતની દેખરેખ રાખવી જરૂરી છે.

 ફટાકડા ફોડવા માટે અગરબતી, તણખાદાર વસ્તુ કે લાંબી લાકડાની દીવાસળીનો ઉપયોગ કરો કારણ કે તેનાથી તમારૂ અને સગળતા ફટાકડા વચ્ચેનું સાલમત અંતર જળવાઈ રહેશે અને તેમા ખુલ્લી જવાળા હોતી નથી.

 ફટાકડા બોકસની અંદર દબાય નહી તેવી રીતે ગોઠવવા.

 વીજળીના પ્લગ, સ્ટવ, ગેસ કે દીવાની નજીક ફટાકડા રાખવા નહી.

 ફટાકડા ફોડતી વખતે બીજો ફટાકડાનો જથ્થો દુર રાખો, ફટાકડા ફોડો ત્યારે પગમાં જરૂર ચપ્પલ પહેરો.

 તાકીદની પરિસ્થિતિ માટે હંમેશા તૈયાર રહો. પ્રાથમિક સારવાર સુવિધા અને બે બાલ્ટી ભરીને પાણી તૈયાર રાખો.

 એક સમયે એક જ વ્યકિત ફટાકડા ફોડો.

ફટાકડા ફોડવાની જગ્યાઃ- ફટાકડા ખુલ્લી જગ્યામાં જ ફોડવા, રસ્તા પર ટ્રાફીક હોય તેવી જગ્યાએ, પેટ્રોલ પંપ કે વાહનની અવરજવર હોય ત્યાં ફટાકડા ફોડવા નહિં. વીજળીના થાંભલા, વાયર કે જવલનશીલ વસ્તુ હોય ત્યાંથી ફટાકડા દૂર ફોડવા.

વ્યકિતગત સુરક્ષાઃ- પાણીની બાલ્ટી, ધુસો, ધાંબળા નજીકમાં રાખવા ફટાકડા ફોડતી વખતે માસ્ક અને ચશ્માનો ઉપયોગ કરવો. નાઈલોનના વસ્ત્રો પરિધાન ન કરવા. મોટા ભાગે સુતરાઉ કપડા જ પહેરવા જોઈએ. ઢીલા- મોટા લટકતા હોય તેવા કપડા પણ ન પહેરવા. તમામ કપડા યોગ્ય રીતે પહેરીને સલામત બનો.

કયા ફટાકડામાં શું ધ્યાન રાખવું:-  અવાજ થાય તેવા ફટાકડા દુરથી ફોડવા, ફટાકડાની વાટ લાંબી રાખવી, ઉડે તેવા ફટાકડા કોઈની બારી કે ઘરમાં ન જાય તેનું ધ્યાન રાખવું. ફુલઝર, દોરી કે વાયર જેવા ફટાકડા શરીરથી દુર રાખી ફોડવા જેથી હાથમાં દાઝી ન જવાય. ફટાકડા સળગાવ્યા પછી બાકી રહી ગયો હોય તો તેની પાસે જવુ નહી અને થોડી વાર પછી પાણી નાખી નકામો કરી દેવો. ફટાકડા ફોડયા બાદ સાબુથી હાથ ધોઈ નાખવા. વધુ પ્રકાશ કે ચમકદાર ફટાકડા હોય તો ચશ્મા પહેરીને ફોડવા. ફટાકડાના તણખા ઉડતા હોય તેવા ફટાકડા કપડામાં ઉડે નહી તેનું ધ્યાન રાખવું.

અકસ્માતની પ્રાથમીક સારવારઃ- દાઝયા હોય તો તુરંત જ સાફ, ઠંડુ પાણી દાઝેલા ભાગ પર રેડવુ, અકસ્માતની જગ્યાથી તરત જ દુર થઈ જવું. ઘાબળો કે કોથળો ઓઢાળીને આગ બુઝાવાની કોશીશ કરવી. કંઈ વાગી ગયુ હોય તો તુરંત જ સાફ પાણીથી સાફ કરી, જંતુનાશક દવા લગાડવી. નજીકની હોસ્પિટલ કે ડોકટર પાસે જઈ સારવાર લેવી. નાના બાળક ભુલથી ફટાકડાનો ભાગ ખાઈ ગયેલ હોય તો તુરંત જ ઉલટી કરાવી નજીકના દવાખાને લઈ જવુ. બની શકે તો પ્રાથમીક સારવારની કીટ બનાવી ઘરમાં તૈયાર રાખવી. જેમાં સર્જીકલ કોટન પાટા, ગ્લોઝ, જંતુનાશક દવા, મલમ વિગેરે તૈયાર રાખવું. આસપાસની હોસ્પિટલ અને ડોકટરના ફોન નંબર હાથવગા રાખવા. આગ લાગી હોય તો તુરંત પોલીસ કે ફાયર બ્રિગેડને જાણ કરવી. આ માટે પોલીસ કે ફાયર બ્રિગેડના ફોન નંબર હાથવગા રાખવા.

ડો.મેહુલ એમ.મિત્રા

એમ.ડી.(પેડ) યુનિ.પ્રથમ, રાજકોટ

 ફોન ૦૨૮૧- ૨૪૪૭૧૨૭

(3:20 pm IST)