Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

કિબોર્ડ પર આંગળીના સ્પર્શથી સૂરોને સજાવતા સંગીતકાર દર્શિત કાચા

પિતાના પગલે ચાલીને નાની ઉંમરથીજ સ્ટેજના ધુરંધર સીંગરો સાથે પોતાની કી- બોર્ડની આગવી કલા દ્વારા અનેક કાર્યક્રમો દેશ - વિદેશમાં આપી કલાના કામણ પાથર્યા : માત્ર પાંચ વર્ષની બાળ વયે ઓર્ગન પર આંગળીઓને રમતી : મૂકનાર દર્શિત કાચા આજે માત્ર રાજકોટ કે ભારતમાં : જ નહીં વિદેશોમાં પણ કલાજગતમાં ગુંજતુ નામ છે : ૪૮ જેટલી વિદેશ યાત્રા કરી પોતાની કલા પિરસી - ૩૦૦૦થી વધુ કાર્યક્રમો આપ્યા

રાજકોટ તા. ૨ : સંગીત એક એવી કલા છે જે મેળવવાનું સૌભાગ્ય દરેકના નસીબમાં હોતું નથી. સંગીતના શ્રાવકો ઘણા છે પણ સાધકો બહુ ઓછા છે. ઘણા સંગીત શોખીનો મ્યુઝીક શીખે છે જયારે એવા પણ લોકો છે જેને સંગીત વારસામાં મળ્યું હોય. રાજકોટના નામાંકિત કિ-બોર્ડ પ્લેયર દર્શિત પ્રવિણભાઇ કાચા એ ભાગ્યશાળી સંગીતકારમાંના એક છે જેને સંગીત વારસામાં મળ્યું છે. દર્શિતભાઇએ પણ પિતાના પગલે ચાલીને નાની ઉંમર થી જ સ્ટેજના ધુરંધર સીંગરો સાથે પોતાની કી - બોર્ડની આગવી કલા દ્વારા અનેક કાર્યક્રમો દેશ - વિદેશમાં આપી કલાના કામણ પાથરી અસંખ્ય ગીત-સંગીત પ્રેમીઓની વાહ-વાહ મેળવવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યુ છે. જીવનમાં ખુબજ સંઘર્ષ કરી આ કલાકાર ખરા અર્થમાં માતા સરસ્વતીની પૂજા કરતો આવ્યો છે.

માત્ર પાંચ વર્ષની બાળ વયે ઓર્ગન પર આંગળીઓને રમતી મૂકનાર દર્શિત કાચા આજે માત્ર રાજકોટ કે ભારતમાંજ નહીં વિદેશોમાં પણ કલાજગતમાં ગુંજતુ નામ છે. દર્શિતભાઇના પિતા સ્વ. પ્રવિણભાઇ કાચા ૧૯૬૫ થી સાલથી હાર્મોનિયમ વગાડતા. સંગીત જગતમાં તેમનું નામ હતું. એ સમયે તેઓએ પંકજ ઉધાસ સાથે સ્ટેજ કાર્યક્રમો પણ આપ્યા હતા. તેઓએ 'ટ્યુન ટ્વિસ્ટી' નામનું મ્યુઝિક ગ્રૂપ શરૂ કરેલું અને મ્યુઝિકલાઇન નામે ઓરકેસ્ટ્રા પણ ચલાવતા. પિતાના પગલે ચાલી દર્શિત કાચાએ સંગીત ક્ષેત્રે કારકિર્દી ઘડી. પરિવારમાં પહેલેથીજ સંગીતનો માહોલ છવાયેલો હતો. શરૂમાં ૧૯૯૨-૯૩ માં રાજકોટની સંગીત નૃત્ય નાટ્ય મહાવિદ્યાલય ખાતે આમીર ખુશરોખા પાસે શાસ્ત્રીય સંગીતમાં હાર્મોનિયમની ત્રણ વર્ષ તાલીમ મેળવી. જયારે કિ-બોર્ડ ની તાલીમ પિતા પાસેથી મેળવી. કિ-બોર્ડમાં આવતા વેસ્ટર્ન નોટેશનની તાલીમ મુંબઇના મહેન્દ્ર જગતાપ પાસેથી પ્રાપ્ત કરી. સંગીત શીખવા માટે દર્શિતભાઇ ઘરેથી ૭ કિ.મી. સાઇકલ ચલાવી એકેડમી આવતા.!

શરૂમાં પ્રવિણભાઇ કાચા ના પ્રોગ્રામ હોય ત્યારે દર્શિતભાઇ કિ-બોર્ડ પકડી સ્કૂટર પર પિતા સાથે પ્રોગ્રામ સ્થળે જતા. તેમને સાંભળતા અને કયારેય પ્રોગ્રામ વચ્ચે એક-બે ગીતો વગાડતા. તેમની કિ-બોર્ડ પર સરકતી આંગળીઓ અને સૂરનું નોલેજ જોઇ લોકોનું તેના તરફ ધ્યાન દોરાયું. ૧૯૯૫ ની સાલથી દર્શિતભાઇએ ત્રણ વર્ષ અલગ-અલગ ગરબીમાં કિ-બોર્ડ વગાડ્યું અને ૧૯૯૮ માં તેમને નોરતાંમાં રાજકોટના રેઇનબો ગ્રૂપમાં પહેલું સ્ટેજ મળ્યું. એ પછી દર્શિતકાચા ના હાથોનું જાણે જાદુ ચાલ્યું હોય તેમ અનેક કાર્યક્રમો મળવા લાગ્યા. માત્ર ૧૬ વર્ષનીં ઉંમરથી જ પ્રોગ્રામ આપવાનું શરૂ કરનાર દર્શિત કાચા એ સમયે રાજકોટથી જૂનાગઢ, જામનગર, પોરબંદર, ધોરાજી વગેરે સૌરાષ્ટ્રભરમાં કાર્યક્રમો આપવા જતા. એ સમયે દિલાવરખાન પઠાણ ના પ્રોગ્રામમાં કિબોર્ડ પ્લે કરતા. કિ-બોર્ડનું વજન ઉંચકી કડકડતી ઠંડી હોય કે ધોધમાર વરસાદ પ્રોગ્રામ આપી બસસ્ટેન્ડે આખી રાત વિતાવે અને વહેલી સવારે પહેલી બસ પકડી રાજકોટ આવે. દર્શિતભાઇએ ચૂંટણી વખતે પ્રચારમાં ખટારામાં કિ-બોર્ડ વગાડી સંઘર્ષ કર્યાના દાખલા પણ છે.

અનહદ સંઘર્ષ બાદ તેમની કલાને કદરદાન મળ્યા અને તેમને ૨૦૦૧ માં નવરાત્રીમાં આફ્રિકા ના કંપાલા લઇ ગયા. જે પ્રોગ્રામ ખુબ સફળ રહ્યો. ફરી તેઓના સંગીતને કારણે ૨૦૦૩ માં કંપાલા ની ટુર કરવાની તક મળી. એ પછી ૨૦૦૪ માં અમદાવાદના એક ગ્રૂપે લંડન માટેની ઓફર કરી જે સ્વિકારી તેઓએ ત્રણ મહિના લંડનમાં સંગીતની કલા પીરસી. દર્શિતભાઇ કાચા કહે છે, એ સમયે ભદ્રાયુભાઇ ધોળકિયા સાથે સુગમ સંગીતના ખુબ કાર્યક્રમો કર્યા. દુરદર્શન, રેડિયો અને અન્ય ટીવી ચેનલોમાં રેકોર્ડિંગ અને લાઇવ પ્રોગ્રામ પણ કર્યા હતા. એ પછી વર્ષ ૨૦૦૮ માં મુંબઇના ગ્રૂપની ઓફર આવી અને અમેરિકામાં જઇ કિબોર્ડ ની કલાના કામણ પાથર્યા. દર્શિત કાચા એ રાજકોટમાં જ રહીને મુંબઇ અને મુંબઇની સંગીત ઇન્ડસ્ટ્રીમાં રાજકોટને ગૌરવ અપાવ્યું છે. એ પછી રાજકોટ પરત ફર્યા બાદ સૂર સંસાર, સૂર મંદિર, ફરમાઇશ કલબ, સ્માઇલ કલબ, ઉત્સવ, સૂર સરિતા, આર.ડી.ગ્રૂપ વગેરે માં 'દર્શિત કાચા એન્ડ ગ્રૂપ' નામે અનેક કાર્યક્રમો આપ્યા. હવે 'સારંગ મ્યુઝિક ઇવેન્ટ્સ' નામે તેઓ ગ્રૂપ ચલાવે છે અને અનેક કાર્યક્રમો આપે છે.

કિ-બોર્ડ જેવા પાશ્વાત્ય વાદ્યમાંથી શરણાઇ, વાયોલિન, રાવણહથ્થા વગેરે જેવા વાદ્યોના સૂર કાઢવા એ દર્શિતભાઇની ખાસિયત છે. તેઓએ અત્યાર સુધીમાં યુ.એસ.એ, લંડન, આફ્રિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, દુબઇ, ન્યુઝિલેન્ડ, અબુધાબિ, મસ્કત, બેંકોક, મલેશિયા, સિંગાપોર વગેરે મળી ૪૮ વિદેશ યાત્રા કરી પોતાની કલા પિરસી છે. તેઓ સૌરાષ્ટ્રના એકમાત્ર એવા કિ-બોર્ડ પ્લેયર છે જેની પાસે અમેરિકા અને કેનેડાના ૧૦-૧૦ વર્ષના વિઝા છે. તેઓ છેલ્લા ૨૫ વર્ષ થી વધુ સમય થી કિબોર્ડ વગાડે છે. પહેલા દરરોજ સવારે ૧૦ થી સાંજે ૫ વાગ્યા સુધી ૭ થી ૮ કલાક પ્રેકિટસ કરતા. સંજોગો પ્રમાણે આજે પણ ૨ થી ૩ કલાક રિયાઝ કરે છે. તેમણે અનેક કલાકારો જેમકે કુમાર શાનુ, કૈલાશ ખેર, ફાલ્ગુની પાઠક, ભૂમિ ત્રિવેદી, પંકજ ઉધાસ, મધુશ્રી, બેલા સુલાખે, જાવેદ અલી, રૂપકુમાર રાઠોડ, આદેશ શ્રીવાસ્તવ, ઓસમાણ મીર, મહંમદ સલામત, અનીલ વાજપાઇ, સુરોજીત ગુહા, સચિન લિમયે વગેરે અનેક કલાકારો સાથે કિ-બોર્ડ આર્ટીસ્ટ તરીકે કાર્યક્રમો આપ્યા છે. દર્શિતભાઇએ અત્યાર સુધીમાં ૩૦૦૦ થી વધુ કાર્યક્રમો આપ્યા છે અને ૩૦ થી વધુ આલ્બમોમાં કામ કર્યું છે. ૮ વર્ષ સુધી દર્શિત કાચા અને તેના ગ્રૂપે કિર્તીદાન ગઢવી સાથે દેશ-વિદેશમાં કાર્યક્રમો આપ્યા છે.

દર્શિત કાચા પાસે ૬૫૦૦ થી વધુ જુના ગીતો તૈયાર છે. તેની ખાસિયત એ છે કે લોંગ પ્લે મ્યુઝિક બખુબી વગાડી જાણે છે. ગીતમાં આગળ જે સંગીત વાગે તેને ઇન્ટ્રો કહે છે જેને તેઓ આબેહૂબ વગાડે છે. રાજકોટમાં એક કાર્યક્રમમાં આણંદજીભાઇ અને તેમના પત્નિ આવેલા ત્યારે ઓડિયન્સ માંથી એક ગીતની ફરમાઇશ થતા એજ વખતે દર્શિતભાઇએ કિબોર્ડમાંથી એજ મ્યુઝિક વગાડી ફરમાઇશ પુરી કરી ત્યારે તેઓ બહુ ખુશ થયેલા. દર્શિતભાઇને આર.ડી. બર્મન, એસ.ડી.બર્મન, રવિન્દ્ર જૈન જેવા સંગીતકારો ખુબ પસંદ છે. તેઓ કહે છે સંગીતમાં પહેલા 'કાનસેન' બનો, ખુબ સાંભળો. થોડું આવડી જાય એટલે સ્ટેજ મળે તેવું ન કરાય. કલાકારોએ મહેનતથી આગળ આવવું જોઇએ. પહેલાના સંગીત જેવા અમર ગીતો અને મીઠાશ આજના સંગીતમાં મળતા નથી. દર્શિત કાચાના મોટા ભાઇ અમિતભાઇ કાચા પણ ખુબ સારા રિધમિસ્ટ છે. તેઓ તબલા અને ઓકટોપેડ પણ અદભૂત વગાડે છે. જયારે દર્શિતભાઇના પત્નિ હેતલબેન તેમના પ્રગતિના માર્ગ પર પુષ્પો વેરતા રહે છે. દર્શિતભાઇનો પુત્ર સારંગ પણ ગિટાર અને કિબોર્ડ વગાડે છે જયારે ભત્રિજો ધૈવત પણ ખુબ સારો ઓર્ગન પ્લેયર છે. દર્શિતભાઇ કહે છે, હું જે કંઇ મેળવી શકયો છું તે પિતા પ્રવિણભાઇ અને માતા જયોત્સનાબેન ના આશીર્વાદ જ છે.

એક જ દિવસમાં ૧૫૫ ગીતોનો ભારતનો પહેલો ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં સૌ પ્રથમ વખત હેમુ ગઢવી હોલ ખાતે સવારે ૯ થી રાત્રીના ૧ સુધી સતત ૧૬ કલાક 'લોંગએસ્ટ સીંગીંગ મેરેથોન'ના શિર્ષક તળે કિશોરકુમારના ૧૫૫ ગીતોનો કાર્યક્રમ રજૂ થયો હતો. દર્શિતભાઇ કાચાએ આ કાર્યક્રમ તૈયાર કરવા પાછળ દોઢ વર્ષની અથાગ મહેનત કરી હતી. આ રેકોર્ડબ્રેક ગીત સંગીત ભર્યા કાર્યક્રમમાં દર ૩ કલાકે માત્ર ૧૦ જ મીનીટનો વિરામ લઈ કલાકારો પુનઃ ગાયકી શરૂ કરી દેતા હતા. આ ગ્રુપમાં ૧૫ જણાનું ઓરકેસ્ટ્રા હતું. ૫ મહિલા ગાયિકાઓ દર ત્રણ કલાકે ચેન્જ થાય તે પ્રકારનો શો હતો. આખો દિવસ દર્શિતભાઇએ કિ-બોર્ડ પ્લે કર્યું અને ગ્રૂપે સાથ આપ્યો. આ પહેલા મુંબઇમાં ૧૨૦ ગીતોનો રેકોર્ડ બન્યો હતો જેને તોડી ૧૫૫ ગીતોનો ભારતનો પહેલો બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે અંકિત કર્યો હતો.

જમીન વેંચી કિ-બોર્ડ ખરીદ્યુ અને...

જાણીતા સંગીતકાર દર્શિત કાચા કહે છે, જયારે મારા પિતા પ્રવિણભાઇ કાર્યક્રમો આપતા ત્યારે હું પણ સાથે જતો. જયારે હું કાર્યક્રમ આપવા લાયક બન્યો અને પિતાને લાગ્યું કે હવે આ બહાર પ્રોગ્રામ આપી શકવા સમર્થ છે ત્યારે અમારી પાસે નવું કિ-બોર્ડ ખરીદવાના રૂપિયા નહોતા.

એ વખતે અમારી એક જમીન વેંચી તેમાંથી પિતા એ 'રોલેન્ડ ડી-૧૦' કોબોર્ડ ખરીદ્યુ અને મને આપ્યું તથા પ્રોગ્રામ કરવા પ્રોત્સાહન આપ્યું. આજે મારી પાસે ૬ કિ-બોર્ડ છે ત્યારે પિતાએ આપેલ તે જીવનના યાદગાર કિ-બોર્ડ ને મેં હજી સાચવ્યું છે અને ચાલુ કંડિશનમાં પણ છે.! ભવિષ્યમાં હું તે મારા પુત્ર ને આપીશ.

દર્શિત કાચા : ૯૮૨૪૨૦૩૦૬૨

(3:17 pm IST)