Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

આપઘાતના બનાવમાં આસિ. સબ ઈન્સ્પેકટરના આગોતરા જામીન મંજુર

રાજકોટ, તા. ૨ :. છૂટાછેડા લીધા બાદ પત્ની અને અન્ય લોકોના ત્રાસથી આપઘાતના બનાવમાં આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેકટરના આગોતરા જામીન મંજુર કરવાનો સેસન્સ કોર્ટે હુકમ કર્યો હતો.

આ બનાવની વિગત એવી છે કે, રામનાથપરામાં રહેતા ભૌતિક મહેશભાઈ ઉભડીયાએ ગઈ તા. ૧૨-૧૦-૨૦૨૧ના રોજ છૂટાછેડા લીધેલ પત્ની તથા અન્ય ૧૦ લોકો જેમાં એક વકીલ તથા આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેકટરના ત્રાસથી આપઘાત કરી લીધેલ અને આ બાબતની ફરીયાદ તેના પિતાએ એ-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ. જેમાં ગુજરનારના પત્ની પ્રિતીબેન, તેના માતા-પિતા વિગેરેનાઓના ત્રાસના કારણે તેના પુત્રને આપઘાત કરવો પડેલ છે અને આ બાબતે તેના પુત્રએ મરણ જતા પહેલા સ્યુસાઈડ નોટ પણ લખેલ છે.

સદરહું ફરીયાદના અનુસંધાને એ-ડિવીઝન પોલીસ સ્ટેશન દ્વારા ગુજરનારની પત્ની તથા અન્ય આરોપીઓ સામે ગુન્હો દાખલ કરી સ્યુસાઈડ નોટ વિગેરે કબ્જે કરવામાં આવેલ. સદરહું ફરીયાદમાં એ-ડિવીઝનમાં જ ફરજ બજાવતા આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેકટર આર.આર. સોલંકીને પણ આરોપી તરીકે દર્શાવવામાં આવેલ તેમજ અન્ય આરોપીઓમાં કેવિન પીપરવા, રાહુલકુમાર, પ્રશાંત લોખીલ, હાર્દિક ડાંગર, દેવાંગ હરીયાણી તથા એડવોકેટ દેવમુરારી દર્શાવવામાં આવેલ હતાં.સદરહું ફરીયાદના અનુસંધાને આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેકટર આર.આર. સોલંકીએ એડવોકેટ કમલેશ શાહ મારફત સેસન્સ અદાલતમાં આગોતરા જામીન અરજી કરેલ હતી અને જણાવેલ હતુ કે, પોતે હાલના બનાવમાં તદન નિર્દોષ છે, બન્નેમાંથી એક પણ પક્ષકારોને વ્યકિતગત રીતે ઓળખતા નથી, પોલીસ સ્ટેશન તરફથી બનાવના બે માસ પહેલા ગુજરનારની પત્ની દ્વારા તેની સામે કરવામાં આવેલ અરજીની તપાસ કરી તે અરજી બન્ને પક્ષોના વચ્ચે સમાધાન થતાં ફાઈલ કરેલ હતી એ સિવાય ગુજરનારના કયારેય સંપર્કમાં આવેલ નથી અને પોતે કરેલ કામગીરી ફરજના ભાગરૂપેની છે.સેસન્સ અદાલત દ્વારા બન્ને પક્ષોના વકીલોની દલીલો સાંભળી આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેકટર આર.આર. સોલંકીને રૂ. ૧૫,૦૦૦ના શરતી જામીન પર મુકત કરવાનો આદેશ ફરમાવેલ છે.

આ કેસમાં આરોપી આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેકટર આર.આર. સોલંકી તરફે રાજકોટ શહેરના જાણીતા ધારાશાસ્ત્રીઓ કમલેશ એન. શાહ, જીજ્ઞેશ એન. શાહ, ભરત એચ. સંઘવી, સુરેશ સી. દોશી, નાસીર એચ. હાલા, જતીન એન. પંડયા, ધવલ જે. પડીયા તથા જીગર બી. સંઘવી રોકાયેલા હતા.

(12:09 pm IST)