Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

સોના-ચાંદીની ખરીદી સાથે ધનતેરસની ઉજવણીઃ કાલે કાળીચૌદશ

ગુરૂવારે દિપાવલી પર્વ અને શુક્રવારે નૂતનવર્ષની ભવ્યતાથી રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઉજવણી કરાશે

રાજકોટ તા. ર :.. દિપાવલી પર્વનો ગઇકાલથી પ્રારંભ થયો છે. અને આજે સોના-ચાંદી તથા જીવનજરૂરી ચીજ વસ્તુઓની ખરીદી સાથે ધનતેરસની ઉજવણી આજે કરવામાં આવી રહી છે. કાલે કાળીચૌદશની ઉજવણી કરવામાં આવશે.

ગુરૂવારે મહાપર્વ દિવાળીની ઉજવણી કરાશે. લોકો રાત્રીના ફટાકડાની આતશબાજી કરશે. બાળકોથી માંડીને સૌ કોઇ અવનવા ફટાકડા ફોડીને દિવાળી ઉજવશે.

શુક્રવારે નૂતનવર્ષની ઉજવણી કરવામાં આવશે. લોકો એકબીજાને મળીને નવા વર્ષની શુભેચ્છા પાઠવશે.

આજે સવારથી રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આવેલા શ્રી લક્ષ્મી માતાજીના મંદિરોમાં ભાવિકો દ્વારા પૂજન-અર્ચન કરવામાં આવી રહ્યું છ.

આજે ધનતેરસના દિવસે લક્ષ્મીજીની પૂજાનું વિશેષ મહત્વ છે. આજે ભાવિકો દ્વારા સવારથી લક્ષ્મીજી માતાનું પૂજન અર્ચન સહિતના કાર્યક્રમો યોજાયા છે.

કોરોનાની આ સ્થિતિ છેલ્લા દોઢ વર્ષથી પ્રવર્તતી હતી. હવે આ વરસે લગ્ન ભરપુર થવાની શકયતા છે. તેથી દિવાળીમાં જ લગ્નસરાની ઘરાકી આવી શકે છે. લગ્નસરા જેવી ઘરાકી નીકળી હોવાથી બે વરસ પહેલા થઇ હતી તેવી જ ઘરાકી આ વખતે રહેવાની આશા સોની વેપારીઓએ વ્યકત કરી છે.

જુનાગઢ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ :. સંજય પંડયા, મિડીયા વિભાગ ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગરએ જણાવ્યું છે કે, પ્રદેશ ભાજપ ડોકટર સેલના સુચન અને જુનાગઢ શહેર પ્રમુખ પુનીતભાઇ શર્માના માર્ગદર્શન મુજબ. જુનાગઢ શહેર ડોકટર સેલ દ્વારા ધનતેરસના શુભદિને સૌના સ્વાસ્થ્ય લાભની અપેક્ષાએ સુખ અને આરોગ્યના દેવતા 'ભગવાન ધન્વંતરી પૂજન' નું આયોજન કરેલ છે. જેમાં પાર્ટીના હોદેદારો, કાર્યકરો અને સર્વે ડોકટર મિત્રો હાજર રહેશે. આ કાર્યક્રમ આજે સાંજે ૪ થી પ સુધી બારમેડા સર્જિકલ હોસ્પિટલ, હીરા પન્ના કોમ્પલેક્ષ, બસ સ્ટેશન રોડ, જુનાગઢ ખાતે યોજાશે. ભાવિકોને ઉપસ્થિત રહેવા ડો. શૈલેષ બારમેડા, સંયોજક તથા નવનિયુકત ટીમ ભાજપા ડોકટર સેલ જુનાગઢ શહેરએ જણાવ્યું છે.

(11:37 am IST)