Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

ગુજસીટોક કાયદા હેઠળ પકડાયેલ એડવોકેટ માનસાતાની ૧ર દિવસની રીમાન્ડ મંગાઇ

જામનગરના વેપારીઓ-બિલ્ડરો-ખેડુતોની કિંમતી જમીનો પચાવી પાડવાના બહુચર્ચીત : મુખ્ય સુત્રધાર જયેશ પટેલ જમીનો પચાવી પાડવાના ૪ ગુનામાં વકીલની સંડોવણીઃ જયેશ પટેલને શોધવા, ખંડણીની રકમોની તપાસ કરવા સહીતના ૧૧ મુદાઓ સાથે પી.આઇ. નિનામાનો કોર્ટમાં રીમાન્ડ રીપોર્ટઃ રાજકોટની સ્પે. કોર્ટમાં રીમાન્ડ અરજીની સુનાવણીઃ સુનાવણી પુરી થયે ચુકાદો જાહેર થશે

રાજકોટઃ આજે જામનગરના એડવોકેટ વસંતભાઇ માનસાતાને રીમાન્ડ માંગણી સાથે કોર્ટમાં રજુ કરાયા હતા. તસ્વીરમાં પોલીસમેન સાથે એડવોકેટ માનસાતા દર્શાય છેે.

રાજકોટ, તા., ૨: જામનગરના  બહુચર્ચીત ગુજસીકોટ કાયદા હેઠળ પકડાયેલા એડવોકેટ વસંતરાય લીલાધર માનસાતાની આજે પી.આઇ. નિનામા તથા પોલીસ અધિક્ષક નિતેષ પાંડેએ ૧૩ દિવસની રીમાન્ડ સાથે રાજકોટની સ્પે. ગુજસીકોટ કોર્ટમાં રજુ કરેલ છે. રીમાન્ડ અરજીની સુનાવણી પુરી થયે કોર્ટ ચુકાદો જાહેર કરશે.

પોલીસ ખાતા તરફથી કુલ ૧૧ વિવિધ મુદાઓ સાથે રીમાન્ડ રીપોર્ટ કોર્ટમાં રજુ કર્યો હતો. જેમાં જયેશ પટેલ હાલ ફરાર હોય તેની સાથે એડવોકેટ વસંતરાય માનસાતાનો નજીકનો ધરોબો ધરાવતા હોય જયેશ પટેલની ભાળ મેળવવા તેમજ જયેશ પટેલે જ જમીનો ખરીદ કરેલતે પૈકીની ૪ જમીનો અંગે વકીલતનામું રજુ કર્યા વગર કે તેમાં  કોઇ પણ જાતનો  કરાર થતા વાદગ્રસ્ત જમીનો સંબંધે જાહેર નોટીસ પ્રસિધ્ધ કરાવેલ હોય, જેના કારણે સામાવાળા પાર્ટી દબાણમાં આવી જતી હોઇ જમીનોના મામલે ધાકધમકી આપી પરાણે સમાધાન કરવું પડે તેવી સ્થિતિનું નિર્માણ કરેલ હોય રીમાન્ડની માંગણી કરવામાં આવી છે.

જામનગરમાં વેપારી-બિલ્ડરોને ફસાવી ધાક-ધમકી આપી જમીનો પડાવી લેવાના ચકચારી ગુજસીકોટ કાયદાની તપાસ દરમિયાન એવુ બહાર આવેલ છે કે કિંમતી જમીનો સસ્તા ભાવે પડાવી લેવા જયેશ પટેલ સામે જે ગુનાઓ નોંધાયા છે તે પૈકીના ૪ ગુનાઓમાં હાલના આરોપી એડવોકેટ વસંતરાય માનસાતાએ વર્તમાન પત્રમાં જાહેર નોટીસ પ્રસિધ્ધ કરાવેલ હતી. જેમાં એક જ પ્રકારના આવા ૪ ગુનામાં વકીલ તરીકે વસંતરાય માનસાતાએ કાર્યવાહી કરી હોય પોલીસે આ ગુનામાં તેમની ગઇકાલે ધરપકડ કરી હતી.

આજે રાજકોટની સ્પે. કોર્ટમાં પોલીસે ઇન્ચાર્જ ડી.જી.પી. કમલેશ ડોડીયા મારફત ૧૨ દિવસની રીમાન્ડનો રિપોર્ટ કોર્ટમાં રજુ કર્યા હતા. આ લખાય છે ત્યારે રીમાન્ડ અરજીની સુનાવણી ચાલી રહી છે.

આ કામનો સુત્રધાર જયેશ પટેલ હાલ કયાં છે? જે જે લોકોને ટાર્ગેટ બનાવી મોટી રકમોની ખંડણી ઉઘરાવેલ છે અને તેઓની મિલ્કતો પચાવી પાડેલ છે. તે સિવાયના અન્ય બીજા કોણ બિલ્ડરો, વેપારીઓ કે ખેડુતો ટાર્ગેટમાં છે. તેની તપાસ કરવા તેમજ ફોન નંબરોના ડેટા ચકાસવા પણ આરોપીની તપાસમાં જરુર છે.

હાલના એડવોકેટ માનસાતાએ મુખ્ય આરોપી જયેશ પટેલના સંપર્કમાં રહી ગુનાહીત પ્રવૃતીના સહભાગી બનેલ છે અને અસરકર્તાઓ પાસેથી ધમકી આપી મોટી રકમ ખંડણી સ્વરૂપે મેળવેલ છે. આ રકમનું કઇ કઇ વ્યકિતઓ મારફત કયા કયા સ્થળે રોકાણ કરેલ છે. તેમજ તેમાંથી હાલના આરોપીને કેટલો હિસ્સો મળેલ છે અને તેનું પોતે કયાં રોકાણ કરેલ છે.

આ સામે એડવોકેટ માનસાતા વતી તેમના રાજકોટ સ્થિત એડવોકેટ કમલેશ શાહ, જીજ્ઞેશ શાહે રીમાન્ડ અરજી સામે કોર્ટમાં વાંધાઓ રજુ કરી જણાવેલ છેકે પોલીસે હાલના આરોપીને બનાવમાં ખોટી રીતે સંડોવી દીધેલ છે.

પોતાના અસીલ વતી જાહેર ખબર આવી ગુનો નથી. પોલીસે કોઇ પણ જાતના પુરતા પુરાવાઓ વિના વકીલ દરજજાની વ્યકિતની અટકાયત કરી છે.

આ લખાય છે ત્યારે બંને પક્ષે કોર્ટમાં રીમાન્ડ  અરજીની સુનાવણી ચાલી રહી છે. આ કામમાં સરકારપક્ષે એ.પી.પી. ડી.જી.પી. વતી ઇન્ચાર્જમાં રહેલ કમલેશભાઇ ડોડીયા રોકાયા હતા. જયારે એડવોકેટ માનસાતા વતી કમલેશભાઇ શાહ જીજ્ઞેશ શાહ તેમજ જામનગરથી એડવોકેટ માનસાતાના ભાઇ એડવોકેટ ઉપેન્દ્ર માનસાતા તેમજ બિમલભાઇ ચોટાઇ સહાયક વકીલ તરીકે હાજર થયા હતા.

(3:36 pm IST)