Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

રાજકોટમાં ભેળવાયેલ ગામોના બિલ્ડીંગ પ્લાન મંજૂરી સહિતની સત્તા મનપાને સુપ્રત

માધાપર, મુંજકા, મોટા મવા, ઘંટેશ્વરને શહેરની હદમાં ભેળવાયા બાદ રૂડાએ આ ગામોની સત્તા મ.ન.પા.ને સોંપવા ઠરાવ કરેલઃ શહેરી વિકાસ વિભાગે આ ઠરાવને મંજૂરી આપી દેતાં હવે મ.ન.પા. નવા ભેળવાયેલ વિસ્તારોમાં બિલ્ડીંગ પ્લાનો મંજૂર કરી શકશેઃ બિલ્ડરો-રહેવાસીઓને મોટી રાહત થશે

રાજકોટ તા. ર :.. શહેરની હદમાં માધાપર, મુંજકા, મોટા મવા, ઘંટેશ્વર અને મનહરપુર, સહિતનાં ગામો કે જે 'રૂડા'નાં કાર્યક્ષેત્રમાં હતાં તેને રાજકોટ મહાપાલિકાની હદમાં ભેળવી દેવાયા છે. પરંતુ આ વિસ્તારોનાં બિલ્ડીંગ પ્લાનને મંજૂરી વગેરેની સત્તા મ.ન.પા.ને સોંપવાનો હુકમ સરકારે નહીં કર્યો નહી હોવાથી આ નવા ભેળવાયેલ વિસ્તારોમાં અનેક વિકાસ કામો અધ્ધરતાલ હતાં. આથી રાજય સરકારે બે દિવસ અગાઉ આ અંગેનો સત્તાવાર હુકમ કરી દેતાં હવે આ સમસ્યાનો અંત આવી ગયો છે. અને હવેથી મ.ન.પા. ઉકત તમામ નવા ભેળવાયેલ વિસ્તારોનાં બિલ્ડીંંગ પ્લાન મંજૂર કરી શકશે. તેમ સત્તાવાર સુત્રોએ જણાવ્યું હતું.

આ અંગે ર૯ ઓકટોબરે રાજયનાં શહેરી વિકાસ વિભાગે કરેલા હુકમમાં જણાવાયું છે કે, પંચાયત અને આરોગ્ય વિભાગના તા. ૧૬-૧૧-૧૯૭૩ ના જાહેરનામા થી રાજકોટ મહાનગરપાલિકાની રચના કરવામાં આવેલ છે. અને ત્યારબાદ તા. ૩૦-૧-૧૯૭૮ ના જાહેરનામાથી રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળની રચના કરવામાં આવેલ છે. આ રીતે ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનીયમ, ૧૯૭૬ હેઠળની તમામ સત્તાઓ સમુચિત સત્તા મંડળ તરીકે રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળને પહોંચે છે.

દરમિયાન શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના તા. ૧૮-૬-ર૦ર૦ના જાહેરનામાથી માધાપર, મંજૂકા, મોટામવા, ઘંટેશ્વર વિસ્તાર રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં ભેળવી, રાજકોટ મહાનગરપાલિકાની હદ વધારવામાં આવી છે. રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળે તા. ૯-૭-ર૦ર૦ના પત્રથી સત્તા સોંપી સત્તા મંડળની ૧૬૦ મી બોર્ડ બેઠક તા. ૪-૭-ર૦ર૦ ના ઠરાવથી લેવાયેલ નિર્ણય પરત્વે મહાનગરપાલિકા વિસ્તારો માટેની સત્તા સોંપણી માટેના ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનીયમ ૧૯૭૬ ના કેટલાક અધિકારીઓ સુપ્રત કરવા માટે દરખાસ્ત કરવામાં આવેલ.

આથી રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળની ૧૬ મી બોર્ડ બેઠક તા. ૪-૭-ર૦ર૦ના ઠરાવ ક્રમાંક ૧૮૪૭ થી લેવાયેલ નિર્ણય પરત્વે કરવામાં આવેલ દરખાસ્ત બાબતે કાળજી પૂર્વકની વિચારણા કર્યા બાદ ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનીયમ, ૧૯૭૬ ની કલમો હેઠળના તમામ અધિકારો, આ વિભાગના તા. ૧૮-૬-ર૦ર૦ના જાહેરનામાથી સત્તા મંડળમાં સમાવિષ્ટ વિસ્તાર પૈકી જે વિસ્તાર રાજકોટ મહાનગરપાલિકામાં ભેળવવામાં આવેલ છે તે વિસ્તાર પુરતી સત્તાઓ  રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા રાજકોટ મહાનગરપાલિકાને સુપ્રત કરવા અંગેની દરખાસ્તન આથી મંજૂરી આપવામાં આવે છે.

નોંધનીય છે કે, છેલ્લા ૪ થી પ મહીનાથી માધાપર, ઘંટેશ્વર, મોટામવા, મુંજકા વગેરે  વિસ્તારોનાં બિલ્ડીંગ પ્લાનની ૧પ૦ થી વધુ અરજીઓ રૂડા અને મ.ન.પા.નાં તંત્ર વચ્ચે અટકી પડી હતી. કેમ કે સત્તા સુપ્રતનો સત્તાવાર હુકમ હજી સુધી થયો નહતો. પરંતુ હવે આ બાબતનો હુકમ થઇ જતાં આ સમસ્યાનો ઉકેલ આવી ગયો છે. અને દિવાળી પછી આ નવા વિસ્તારોમાં વિકાસ કામોનો ધમધમાટ શરૂ થવા લાગશે તેવી આશા જાગી છે.

(3:04 pm IST)