Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

તાલિમબધ્ધ કૂકડાઓને લડાવી જૂગાર રમાડવામાં એભલનું નામ ખુલ્યું: એકાંતરે શહેર બદલી નખાતું

બાટવાના ભીખુ સલાટ અને જામનગર ઢીચડાના તાલબ પતાણીએ રાજકોટના શખ્સના કહેવાથી ચાલુ કર્યુ હતું નવતર જૂગારધામઃ ક્રાઇમ બ્રાંચની ટીમ જુની લાલપરીના કાંઠે ખોજાના કબ્રસ્તાન પાછળ નદી ઓળંગી પહોંચી ત્યાં નાસભાગ મચીઃ કૂકડા થેલીમાં નાંખીને રમાડનારા ભાગ્યાઃ છતાં ૧૧ને પકડી લેવાયાઃ ઘાયલ ત્રણ કૂકડાઓને પાંજરાપોળમાં સોંપાયાઃ જયુભા પરમાર, હરદેવસિંહ અને એભલભાઇ બરાલીયાની બાતમી પરથી પીએસઆઇ વી. એમ. રબારી અને ટીમ ત્રાટકી

રાજકોટ તા. ૨: અગાઉ કુવાડવા પોલીસે ઘોડાની રેસ પર ચાલતા જૂગારધામને પકડી લીધા બાદ હવે ક્રાઇમ બ્રાંચે મોરબી રોડ જકાતનાકા પાછળ જુની લાલપરી નદી કાંઠે ખોજાના કબ્રસ્તાન પાછળ દરોડો પાડી કૂકડા (મરઘા)ઓની લડાઇ કરાવી જૂગાર રમાડતાં બાટવા-ઢીચડાના બે શખ્સો અને રમવા આવેલા ૯ મળી ૧૧ને પકડી લઇ વાહનો, રોકડ મળી રૂ. ૧૪,૪૬,૩૨૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ જૂગારધામ રાજકોટના એભલ નામના શખ્સના કહેવાથી બાટવા-ઢીચડાના શખ્સોએ બે દિવસથી ચાલુ કર્યાનું ખુલ્યું છે. સુત્રધાર એભલની શોધખોળ હાથ ધરવામાં આવી છે. જૂગાર રમાડવા માટે એકાંતરા શહેર-ગામ બદલી નાંખવામાં આવતું હતું અને રમનારા પણ મોટે ભાગે જે શહેર-ગામ હોઇ તેના નહિ પણ બહારના હોય તે સામેલ થતાં હતાં.

પોલીસે દરોડો પાડી બાટવા બસ સ્ટેશન પાસે પાણીના ટાંકા નજીક ઝૂપડામાં રહેતાં ભીખુ સામત ઉર્ફ ભાણાભાઇ પરમાર (સલાટ) (ઉ.વ.૨૧) તથા જામનગર ઢીચડાના તાલબ હુશેનભાઇ પતાણી (ઉ.૪૫) તથા અમદાવાદ ચંદનનગર નારોલના સુનિલ વિજયભાઇ ચુનાર (ઉ.વ.૧૯), ઢીચડાનો સલમાન અનવરભાઇ બેગાણી (ઉ.૨૩), ઢીચડાનો કામસ ઇસ્માઇલભાઇ ખફી (ઉ.૨૨), કુબલીયાપરા ચુનારાવાડનો રાયધન બાબુભાઇ સોલંકી, ખંભાળીયાનો શબ્બીર ઇસ્માઇલભાઇ ભગાડ (ઉ.૪૧), જામખંભાળીયાનો ઇમરાન હુશેનભાઇ ગજરણ (ઉ.૨૦), જામ ખંભાળીયાનો યુનુસ નુરમહમદ સંઘાર (ઉ.૩૨), જામનગરનો ઉત્તમ ચંદુભાઇ પરમાર તથા જુનાગઢ કાળવા ચોકનો ગોવિંદ હીરાભાઇ મકવાણા (ઉ.૩૬)ને પકડી લઇ ત્રણ મુરઘા, રોકડા રૂ. ૨૦૭૨૦, રૂ. ૨,૧૧,૦૦૦ના ૧૬ ટુવ્હીલર અને રૂ. ૧૨ લાખની ૯ ફોરવ્હીલર મળી કુલ રૂ. ૧૪,૪૬,૩૨૦નો મુદમાલ કબ્જે કર્યો હતો.

પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા તથા પીઆઇ વી. કે. ગઢવીની સુચના અંતર્ગત પીએસઆઇ વી. એમ. રબારી, એએસઆઇ જયુભા પરમાર, હેડકોન્સ. પ્રતાપસિંહ ઝાલા, દિગ્વીજયસિંહ જાડેજા, હરદેવસિંહ જાડેજા, જગદીશભાઇ મેવાડા, એભલભાઇ બરાલીયા, પુષ્પરાજસિંહ જાડેજા, સોકતભાઇ ખોરમ અને સુર્યકાંતભાઇ સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે જયુભા, હરદેવસિંહ અને એભલભાઇ બરાલીયાની બાતમી પરથી દરોડો પાડવામાં આવ્યો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ લડવાની તાલિમ અપાયેલા કૂકડા અમદાવાદનો શખ્સ લાવ્યો હતો. એ અને બી ટીમ પાડીને દાવ લગાડવામાં આવતાં હોય છે. લડતાં લડતાં જે કૂકડો પડી જાય તેના પર દાવ લગાડનારાને હારેલા જાહેર કરાતાં હતાં અને પૈસાની લેતીદેતી રમાડનારા સાથે કરવામાં આવતી હતી. આ પ્રકારનો જૂગાર જે તે શહેર, ગામના સિમાડે કે અવાવરૂ જગ્યાએ જ રમાડવામાં આવતો હતો. એકાંતરે બે દિવસે ગામ શહેર બદલી નાંખવામાં આવતું હતું.

પોલીસ બાતમી પરથી નદીના પાણી સોંસરવી થઇને જૂગારના સ્થળે પહોંચી ત્યારે નાસભાગ મચી ગઇ હતી. એક શખ્સ કૂકડાઓને થેલીમાં પુરીને ભાગ્યો હતો. પણ પકડાઇ ગયો હતો. દરોડો પડ્યો એમાં કેટલાક ભાગી ગયા હતા. વાહનો કબ્જે થયા હોઇ તેના નંબરને આધારે તપાસ થઇ રહી છે. પ્રાથમિક તપાસમાં આ નવતર જૂગારધામ રાજકોટના એભલ નામના શખ્સે શરૂ કર્યાનું સામે આવતાં શોધખોળ થઇ રહી છે.

(1:01 pm IST)