Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

રીઢા ગુનેગાર રણજીત ઉર્ફ વચલી ટિકિટે છાત્રાને આંતરી અડપલા કર્યા

આનંદનગર કોલોનીના શખ્સની હત્યા, હત્યાની કોશિષ, લૂંટ, ચોરી, મારામારી, દારૂ સહિતના ૩૦ ગુનામાં સંડોવણીઃ વધુ એક ગુનો આચર્યોઃ કોલેજીયન છાત્રા ભેળ લેવા નીકળતાં પુષ્કરધામથી પીછો કર્યોઃ ભગતસિંહજી ગાર્ડન પાસે આંતરી 'આ એકટીવા અમારું છે' કહી છેડછાડ ચાલુ કરીઃ દેકારો મચાવતાં એકટીવા પડાવવાનો પ્રયાસ કર્યોઃ લોકો ભેગા થઇ ગયા અને પોલીસની ગાડી પણ નીકળતાં રણજીતને દબોચ્યોઃ સાગ્રીત લાલો છનનનઃ વાહન પડાવવાનો ઇરાદો હોવાનું ટિકિટનું રટણઃ યુનિવર્સિટી પોલીસે પોકસો, છેડતી, ધમકી, વાહન પડાવવાનો પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદાનું ભાન કરાવ્યું: સરાજાહેર ગૂંડાગીરી, છેડતીનો ભોગ બનેલી છાત્રા હેબતાઇ ગઇઃ રાતે સાડા નવે બનાવ

રાજકોટ તા. ૨: શહેરમાં અમુક છાપેલા કાટલાઓ સામે પોલીસ ગમે તેટલા કડક પગલા લે અને કાર્યવાહી કરે છતાં તેણે જાણે 'હમ નહિ સુધરેંગે'ના સમ ખાઇ લીધા હોય તે રીતે જે તે ગુનામાંથી છુટ્યા બાદ ફરીથી બેખોફ બની ગુનાખોરી આચરવા માંડે છે. કોઠારીયા રોડ આનંદનગર કોલોનીમાં રહેતાં આવા જ એક શખ્સ રણજીત ઉર્ફ કાનો ઉર્ફ વચલી ટિકિટ અરવિંદભાઇ ગોહેલ (ઉ.૩૦) નામના શખ્સે અગાઉ હત્યા, હત્યાની કોશિષ, ચોરી, લૂંટ, મારામારી, દારૂ સહિતના ૩૦ ગુના આચરી લીધા છે. ગત રાતે તેણે વધુ એક ગંભીર ગુનો પોતાના નામે કરી પોલીસને પડકાર ફેંકયો છે. ભેળ લેવા નીકળેલી કોલેજીયન છાત્રાના એકટીવાનો રણજીતે પોતાના સાગ્રીત સાથે મળી પુષ્કરધામથી પીછો કરી ભગતસિંહજી ગાર્ડન પાસે આંતરી તેનું એકટીવા પડાવી લેવાનો પ્રયાસ કર્યા બાદ છરી બતાવી સરાજાહેર અડપલા-છેડતી કરતાં છાત્રા હેબતાઇ ગઇ હતી. દેકારો મચતાં લોકો ભેગા થઇ જતાં અને એ વખતે જ પોલીસની પીસીઆર વેન નીકળતાં રણજીતને દબોચી લેવાયો હતો. જ્યોર સાગ્રીત ભાગી ગયો હતો.

યુનિવર્સિટી પોલીસ સુધી આ ઘટનાની વિગતો પહોંચતા પી.આઇ. આર. એસ. ઠાકર, ગિરીરાજસિંહ જાડેજા, એએસઆઇ ડી.વી. બાલાસરા, લક્ષમણભાઇ મહાજન સહિતે ભોગ બનેલી ૧૭ વર્ષની કોલેજીયન છાત્રાની ફરિયાદ પરથી રણજીત ઉર્ફ વચલી ટિકિટ  ઉર્ફ કાનો અરવિંદભાઇ ગોહેલ તથા તેની સાથેના લાલો નામના શખ્સ વિરૂધ્ધ આઇપીસી ૩૮૬, ૩૫૪-એ, ૩૫૪-ડી, ૩૪૧, ૫૦૪, ૫૦૬ (૨), ૫૦૯, ૧૧૪ અને પોકસો એકટની કલમ ૮, ૧૦, જીપીએકટ ૧૩૫ (૧) સહિતની ગંભીર કલમો હેઠળ છાત્રાનો પીછો કરી આંતરી તેનું વાહન પડાવી લેવાનો પ્રયાસ કરી તેમજ છેડતી કરી છરી બતાવી ધમકી આપવા સબબ ગુનો નોંધ્યો છે.

એફઆઇઆરમાં નોંધાયું છે કે ફરિયાદી સગીરા કોલેજમાં અભ્યાસ કરે છે. રાત્રે સાડા નવેક વાગ્યે તેણી ઘરેથી પોતાનું એકટીવા હંકારી ભેળ લેવા જવા નીકળી હતી. પુષ્કરધામ રોડ પર તે પહોંચી ત્યારે તેનો બે શખ્સે ટુવ્હીલરથી પીછો કરવાનું શરૂ કર્યુ હતું. પોતાનો પીછો થઇ રહ્યાનું છાત્રાને જણાતાં તે ગભરાઇ ગઇ હતી અને થોડી સ્પીડ વધારી દીધી હતી. છેલ્લે તે યુનિવર્સિટી રોડ પર ભગતસિંહજી ગાર્ડન પાસે પહોંચી ત્યારે પીછો કરી રહેલા બંનેએ પોતાનું વાહન આ છાત્રાના વાહનને આડે નાંખી તેણીને રોકી હતી અને 'તારી પાસેનું એકટીવા અમારુ છે' તેમ કહી ગાળો ભાંડવાનું શરૂ કર્યુ હતું.

છાત્રા અચાનક આવા વર્તનથી હેબતાઇ ગઇ હતી અને ગભરાઇ ગઇ હતી. આથી તે તુરત જ વાહન પરથી ઉતરી પોતાના ઘરે ફોન કરવા માંડી હતી. આ વખતે અચાનક જ એક શખ્સે તેણીના શરીરે અડપલા કરી છેડતી કરવાનું ચાલુ કરી દેતાં તેણી વધુ ગભરાઇ ગઇ હતી. તે કંઇ સમજે એ પહેલા એ શખ્સે છરી કાઢી હતી અને જો રાડો પાડી કે કોઇને વાત કરી તો જાનથી મારી નાંખશું...તેવી ધમકી આપી તેણીનું એકટીવા પડાવી લેવા પ્રયાસ કર્યો હતો. છાત્રાએ હિમ્મત કરી થોડે દુર હટી જઇ બૂમાબૂમ કરવા માંડતા લોકો ભેગા થઇ ગયા હતાં. એ વખતે જ પોલીસની પીસીઆર વેન આવી જતાં એક શખ્સ ભાગી ગયો હતો. જ્યારે છરી બતાવી છેડતી કરનાર હાથમાં આવી ગયો હતો.

આ શખ્સ બીજો કોઇ નહિ પણ રીઢો ગુનેગાર રણજીત ઉર્ફ કાનો ઉર્ફ વચલી ટિકિટ હોવાનું પોલીસ તરત ઓળખી ગઇ હતી. તેને પોલીસ મથકે લઇ જઇ કાયદાનું બરાબરનું ભાન કરાવાયું હતું. રણજીતે પોતાને યુવતિનું વાહન જોઇતું હોઇ પડાવી લેવાના ઇરાદે જ તેણીને આંતરી હોવાનું રટણ કર્યુ હતું.

આ શખ્સ સામે હત્યા, હત્યાની કોશિષ, લૂંટ, ચોરી, મારામારી, દારૂ સહિતના ૩૦ ગુના નોંધાઇ ચુકયા છે અને મોટા ભાગના ગુના ભકિતનગર પોલીસ મથકમાં નોંધાયા છે. અગાઉ પી.આઇ. વી. કે. ગઢવી અને ટીમે આ શખ્સને એક ગુનામાં પકડ્યો ત્યારે આગવી ઢબે કાયદાનું ભાન કરાવ્યું હતું. ત્યાં હવે આ ટિકિટે વધુ એક ગંભીર ગુનો આચર્યો છે.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી પી. કે. દિયોરા, એસીપી જે. એચ. સરવૈયાની સુચના હેઠળ યુનિવર્સિટી પોલીસ મથકના પી.આઇ. આર. એસ. ઠાકર અને ટીમના પીએસઆઇ એમ. વી. રબારી, એએસઆઇ ધર્મેશભાઇ બાલાસરા, હેડકોન્સ. હરેશભાઇ પરમાર, રાજેશભાઇ મિંયાત્રા, હરપાલસિંહ, લક્ષમણભાઇ, ગિરીરાજસિંહ સજ્જનસિંહ, રાવતભાઇ ડાંગર, અજયભાઇ ભુંડીયા, લક્ષમણભાઇ, પુષ્પરાજસિંહ, મુકેશભાઇ, નિર્મળસિંહ ઝાલા સહિતે આ કામગીરી કરી હતી. ભાગી ગયેલા રણજીતના મિત્ર લાલાની શોધખોળ થઇ રહી છે.

(4:03 pm IST)